સિનેમેજિક - અજિત પોપટ
1 ડિસેમ્બર 2017, શુક્રાવર
આજે તો અજોડ ગણાતી થઇ ગયેલી એ ન્યૂઝ રીડર એટલે કે સ્મિતા પાટિલનું નામ આદરભેર લેવાય છે
પહેલી બે ફિલ્મોથીજ શ્યામ બેનેગલ અને વનરાજ ભાટિયા જાણે વિધાતાએ એકબીજાને માટે ઘડયા હોય એવો મનમેળ બંને વચ્ચે સ્થપાઇ ગયો હતો. સાચું પૂછો તો વનરાજ ભાટિયાના સંગીતની વાત શ્યામ બેનેગલની વાત વિના અધૂરી જ રહે. ભૂતકાળમાં જેમ દિલીપ કુમારની મોટા ભાગની ફિલ્મોમાં સંગીતકાર નૌશાદ અને રાજ કપૂરની ફિલ્મોમાં શંકર જયકિસનનંુ સંગીત રહેતું એમ શ્યામ બેનેગલની ફિલ્મોમાં વનરાજ 'મસ્ટ' થઇ ગયા હતા.
પાછળથી શ્યામના સહાયક મટીને સ્વતંત્ર ફિલ્મ સર્જક બનેલા ગોવિંદ નિહાલાનીની ફિલ્મોમાં પણ વનરાજ છવાઇ ગયા હતા એમ કહી શકાય. અંકુર અને મંથન પછી શ્યામે જે ફિલ્મ કરી એમાં એક રીતે સંગીતકારની કસોટી થઇ જાય એવી કથા હતી.૧૯૪૦ના દાયકામાં થઇ ગયેલી એક અભિનેત્રી હંસા વાડકરે પોતાની માતૃભાષામાં લખેલી આત્મકથા સાંગત્યે ઐકા (હું કહું છું એ સાંભળો ) પરથી શ્યામે ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો.
યોગાનુયોગે હંસા વાડકરની ભૂમિકા દૂરદર્શનની એક મરાઠીભાષી ન્યૂઝ રીડરને આપી. આજે તો અજોડ ગણાતી થઇ ગયેલી એ ન્યૂઝ રીડર એટલે કે સ્મિતા પાટિલનું નામ આદરભેર લેવાય છે. શ્યામે એક ઇન્ટરવ્યૂમાં કહેલું કે સ્મિતાની આંખો ખૂબ બોલકી હતી. એ આંખોમાં વિવિધ પ્રસંગોને અનુરૃપ ભાવ આપોઆપ અને અનાયાસે પ્રગટતા હતા.
યસ, આ વાત ફિલ્મ ભૂમિકાની છે. આ ફિલ્મે આપણને સ્મિતા પાટિલ ઉપરાંત નસીરુદ્દીન શાહ જેવા કસાયેલા કલાકાર પણ આપ્યા એમ કહીએ તો અતિશયોક્તિ નહીં ગણાય. અલબત્ત, ભૂમિકાની પહેલાં નસીરુદ્દીને ત્રણેક ફિલ્મો કરેલી પરંતુ એમને ખરેખર યશ મળ્યો અને દર્શકો તેમની નોંધ લેતા થયા એ ભૂમિકા ફિલ્મથી.
આ ફિલ્મમાં સ્મિતા પાટિલ, અમોલ પાલેકર, અનંત નાગ, નસીરુદ્દીન શાહ અને અમરીશ પુરી ચમક્યા હતા. ફિલ્મને બે નેશનલ એવોર્ડ ઉપરાંત ફિલ્મફેરનો બેસ્ટ ફિલ્મનો એવોર્ડ પણ મળ્યો હતો. ૧૯૭૮માં આ ફિલ્મને કાર્થેજ ઇન્ટરનેશનલ ફિલ્મ્સ ફેસ્ટિવલનું અને ત્યારબાદ શિકાગો ઇન્ટરનેશનલ ફિલ્મ્સ ફેસ્ટિવલનું નોતરું મળ્યું હતું. શિકાગોએ તો આ ફિલ્મને સ્વર્ણપદક એનાયત કર્યો હતો.
ફિલ્મનાં મોટા ભાગનાં ગીતો વસંત દેવના અને એક ગીત મજરૃહ સુલતાનપુરીનું હતું. ફિલ્મનું જે ગીત સૌથી વધુ લોકપ્રિય થયું એ હતું પ્રીતિ સાગરે ગાયેલું વિરહગીત 'તુુમ્હારે બિના જી ના લગે ઘર મેં, બલમજી તુમ સે મિલા કે અખિયાં, તુમ્હારે બિના...' એવુંજ એક વિરહગીત મજરૃહની કલમે અવતર્યું હતું.
એ હતું સાવન કે દિન આયે સજનવા આન મિલો... આ ગીત પાછળથી ગઝલ ગાયક તરીકે ખ્યાતનામ થયેલા અને સંગીતકાર આરડી બર્નન (પંચમ) સાથે ગિટારવાદન કરનારા ભૂપીન્દર સિંઘે પ્રીતિ સાગર સાથે ગાયું હતું. બંને વિરહગીતોમાં પ્રાદેશિક લોકસંગીત અને પોતાની મૌલિક સૂરાવલિનો સૂરીલો સમન્વય વનરાજ ભાટિયાએ કરેલો.
શુદ્ધ શાસ્ત્રીય રચના પારસી પરિવારમાં જન્મેલા અને પંડિત ભીમસેન જોશી જેવા ટોચના કલાકારો પેદા કરનારા કિરાના ઘરાનાના ગવૈયા પંડિત ફિરોઝ દસ્તૂરે ગાયું હતું. અત્યારે પંડિત ફિરોઝજી અને વનરાજ બંને લગભગ સરખી વયના હશે.
પંડિત ફિરોઝ દસ્તૂરના કસાયેલા કંઠે ગવાયેલા ગીતનું મુખડું હતું, 'ઘટ ઘટ મેં રામ રમૈયા, ડાર ડાર પાત પાત મેં રામ બસૈયા...' અગાઉ પંડિત ભીમસેન જોશીએ અમોલ પાલેકર અને ડૉક્ટર શ્રીરામ લાગુની જ્યોતિષવિદ્યાને લગતી એેક સરસ કથા રજૂ કરતી ફિલ્મ અનકહીમાં આ જ રીતે બે ભજન ગાયાં હતાં જે ફિલ્મનું અનેરું આકર્ષણ બની રહ્યાં હતાં.
અનકહીમાં જયદેવનું સંગીત હતું, અહીં વનરાજ ભાટિયા છે. બંનેની સંગીતશૈલી પોતીકી અને વિશિષ્ટ રહી હતી. વનરાજની શૈલીમાં એમના અનોખા એરેંજિંગની ઝલક અનુભવી શકાય.
ફિલ્મમાં એવીજ એક અનોખી ક્લાસિકલ રચના હતી જે વાસ્તવમાં ઘરાનેદાર બંદિશ કહી શકાય. કિરાના ઘરાનાના સ્થાપક કે પ્રચારક મનાતા ઉસ્તાદ અબ્દુલ કરીમ ખાનનાં પુત્રી સરસ્વતી રાણે અને અન્ય મરાઠીભાષી ગાયિકા મીના ફાતર્પેકરના કંઠમાં હતું. નાનકડી હંસા પોતાની માતા કમ ગુરુ કને સંગીત શીખે છે એ પ્રકારના શોટમાં આ ગીત રજૂ થયું હતું.
'આ મોંદર બાજુ બાજુ રે, આનંદ ના રે આનંદ ના રે, મોંદર બાજુ બાજુ રે...' શાસ્ત્રીય સંગીતમાં રસ ધરાવનારા વાચકોને ખ્યાલ હશે કે ૨૦૦૬ સુધી આપણી વચ્ચે હતાં એવાં સરસ્વતી રાણેએ પોતાના પિતાના કિરાના ઘરાના ઉપરાંત અલ્લાદિયા ખાનના ભત્રીજા નથ્થન ખાન પાસે જયપુર અતરૌલી ઘરાનાની અને પ્રોફેસર બા. ર. દેવધર તથા કૃષ્ણારાવ ફુલંબ્રીકર પાસે ગ્વાલિયર ઘરાનાની તાલીમ પણ લીધી હતી.
તેમણે બાલગંધર્વ સાથે મરાઠી નાટકો ઉપરાંત હિન્દી ફિલ્મોમાં પણ ગાયું હતું. રાષ્ટ્રપિતા ગાંધીજીએ વિજય ભટ્ટની ફિલ્મ રામરાજ્ય આખ્ખી જોઇ એનું હિત ગીત બીના મધુર મધુર કુછ બોલ...ગીત સરસ્વતીતાઇએ ગાયું હતું.
Comments
Post a Comment