33 કરોડ દેવો રસ્તે રઝળે છે !

ટોપ્સીટર્વી - અજિત પોપટ

ગુજરાત હાઇકોર્ટથી માંડીને દેશની સર્વોચ્ચ અદાલત સુધી આ પ્રશ્ન સતત ચર્ચાતો રહ્યો છે. દેશનાં કોઇ પણ મહાનગરમાં જાઓ. સડક પર રઝળતી ગાયો-ભેંસો નજરે પડશે. એને કારણે ટ્રાફિકમાં સર્જાતા અવરોધો કે અકસ્માતોના અહેવાલો લગભગ રોજ અખબારોમાં પ્રગટ થાય છે.

હજુ ગયા મહિને અમદાવાદમાં એક સિનિયર સિટિઝન દંપતીના સ્કૂટરને સડક પર બેઠેલી ગાયોના કારણે અકસ્માત થયો હતો. સદ્ભાગ્યે તેમને ગંભીર ઇજા ન થઇ, થઇ હોત તો છ મહિનાનો ખાટલો ભોગવવો પડત. ગોપાલકો તેમને સાચવતા નથી, ઢોરોના બજારમાં કોઇ ખરીદદાર નથી, ગૌશાળાઓ અને પાંજરાપોળો ચિક્કાર ભરેલી છે... તો આ સમસ્યાનું નિરાકરણ શું ?

હિન્દુ શાસ્ત્રો-પુરાણો મુજબ ગાયમાં તેત્રીસ કરોડ દેવતા વસે છે. જીવતી ગાય દૂધ ઉપરાંત ખેતીવાડી માટે બળદ આપે છે અને મર્યા પછી એનું ચામડું, માંસ તથા શીંગડાંનો બીજી રીતે ઉપયોગ થાય છે. ખરું પૂછો તો લગભગ બધાં વન્ય જીવો આ રીતે મર્યા પછી પણ કામ લાગે છે. 

હાથીના દંતૂશળ, હરણ અને વાઘની ત્વચા (વ્યાઘ્રચર્મ), વાઘના નખ...અરે, વિદેશોમાં તો ઝેરી સાપ અને નાગની કાંચળીનો પણ પર્સ બનાવવામાં ઉપયોગ થાય છે...યાદી બનાવવા બેસીએ તો ઘણી લાંબી થઇ જાય. આપણે ગાય પૂરતી વાત મર્યાદિત રાખીએ.

શહેરો અને નાનકડાં નગરોના ઔદ્યોગિકરણના પગલે વૃક્ષ વનસ્પતિ અને ગોચરેા ઘટયાં છે. છેલ્લાં થોડાં વરસોથી ચોમાસું પણ અનિયમિત બન્યું છે. પરિણામે બારે માસ લીલું ઘાસ મળતું નથી. આ સંજોગોમાં ગોપાલકો ગાયોને શું ખવરાવે ? ગામડાં ભાંગી રહ્યાં છે. શહેરો સ્થપાઇ રહ્યાં છે. ઘરો નાનકડાં બની રહ્યાં છે, સંયુક્ત પરિવારો ખૂટી રહ્યાં છે.

એટલે અગાઉની જેમ ગાયો માટે અલગ વાડો ઊભો કરવાની ક્ષમતા દરેક ગોપાલક પાસે હોતી નથી. પરિણામે ન છૂટકે ગાયોને રઝળતી મૂકવી પડે એવા અનેક પરિવારો છે. જો કે હજુ અસંખ્ય હિન્દુ કુટુંબોમાં ગોગ્રાસ અલગ કાઢવાની પરંપરા છે. લોકો પ્રેમથી ગાયોને ખવરાવે છે. બીજી બાજુ રઝળતી ગાય કોઇ શાકભાજીવાળાની લારીમાં મોં નાખે તો એના મોં પર લાકડી પણ પડે છે. આ એક અનિવાર્ય ઘટના છે.

ગાયને પાળવાની ક્ષમતા પણ દિવસે દિવસે ઘટી રહી છે. એક ગાય પાછળ રોજ મિનિમમ પોણોસોથી સો રૃપિયા નિભાવ ખર્ચ થાય એવો એક અભિપ્રાય છે. ગીરની ગાય હોય તો નિભાવ ખર્ચ આના કરતાં વધુ આવવાની શક્યતા ખરી. જોકે ગીરની ગાયનું દૂધ મોં માગ્યા ભાવે વેચાતું હોવાનું કહેવાય છે.

જે હો તે, પણ એક વાત સાચી કે ગાયના પાલન પાછળ એક ધાવણા બાળક જેટલો સમય રોજ ફાળવવો પડે. બધાં ગોપાલકો માટે એ શક્ય હોતું નથી. જે ગોપાલકો ગ્રેજ્યુએટ થઇ ચૂક્યા છે એેમાંના ઘણાને હવે છાણવાસીદાં કરવા ગમતાં નથી. એ ગોપાલન મૂકીને ક્યાંક નોકરી કરવા જતા થયા છે. આમ છેક ભગવાન કૃષ્ણના સમયથી પૂજાતી ગાયો અત્યારે રઝળતી થઇ ગઇ છે.

અગાઉ વસૂકી ગયેલી ગાયોને ખરીદીને શહેરોમાં કસાઇવાડે મોકલનારો એક વેપારી વર્ગ હતો. ખેડૂત પોતાની વસૂકી ગયેલી ગાય વેચીને નવી ગાય લાવતો. આજની કાતિલ મોંઘવારીમાં આ પરંપરા પણ પરવડતી નથી. ગાયોને એક સ્થળેથી બીજા સ્થળે લઇ જવાનો ખર્ચ કોઇને પરવડતો નથી.

ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના ખેડૂતો તો એવો આક્ષેપ કરે છે કે રઝળતી ગાયો અમારા ખેતરનો શેરડીનો ઊભો પાક ખાઇ જાય છે. આઘાત લાગે એવી વાત એ પણ છે કે કેટલાક સુખી ખેડૂતોએ ગાય ખેતરમાં પ્રવેશી ન શકે એ માટે ચારે બાજુ વીજળી સંચાલિત વાડ નાખી છે. ગાય ત્યાં મોં નાખે એ સાથે શૉક લાગતાં મરી જાય.  એે પણ વિધિની વક્રતા ગણવી ને !

Comments