કુદરતે આપેલું એક અમોઘ ઓસડિયું: મોઢામાંની લાળ

પોતાને ગાંધીવાદી ગણાવતા લગભગ ૯૦ વર્ષના એક વડીલના મેાઢે સાંભળેલી વાત છે. એ કહેતા કે ગાંધીજી જમવા બેસે ત્યારે એક એક કોળિયો બોેતેર વખત ચાવીને પછી ગળે ઊતારતા. આ વાત સાચી હોય કે ન હોય, પરંતુ એમાં આરોગ્ય વિજ્ઞાનનું એક સનાતન સત્ય છૂપાયેલું છે.

એલોપથી, હોમિયોપથી, યુનાની, આયુર્વેદ અને કુદરતી ઉપચાર- તમામ સારવાર પદ્ધતિના નિષ્ણાતો એક વાતે સંમત છે- ખાધેલા ખોરાકની પાચનક્રિયાનો આરંભ મોંથી થાય છે. કોળિયાને જેમ જેમ ચાવીએ તેમ તેમ લાળગ્રંથિઓમાંથી વધુ ને વધુ લાળ સ્રવે છે. ખાધેલો ખોરાક સુપાચ્ય બનતો જાય છે. બાકી રહેલું કામ પેટમાં રહેલા પાચકરસો (એન્ઝાઇમ્સ ) અને જઠરાગ્નિ કરે છે.

શહનાઇનવાઝ ઉસ્તાદ બિસ્મીલ્લા ખાન એક સરસ રમૂજી વાત કરતા. એ કહેતા, હું નાનો હતો અને રિયાઝ કરતો ત્યારે કેટલાક અટકચાળા ભાઇબંધો મારી સામે બેસીને સંતરાં કે લીંબુ ચૂસતા. પરિણામે મારા મોઢામાં લાળ વછૂટતી અને શરણાઇ વાગતી બંધ થઇ જતી. એ જોઇને પેલા લોકો હસવા માંડતા.

કુદરતી ઉપચારના અભ્યાસીઓ કહે છે કે મોંમાંની લાળ કુદરતે આપેલું એક અમોઘ ઓસડિયું છે. ઉષ:પાન તરીકે જે ક્રિયા ઓળખાવાય છે એમાં સવારે ઊઠીને તાંબાના લોટામાંથી પાણી પીવાનું હોય છે. હવે વિદ્વાનો કહે છે કે દાતણ પાણી કે બ્રશ કર્યા વિના બે ગ્લાસ નવશેકું પાણી ઘુંટડે ઘુંટડે પીવું જોઇએ.

ઘુંટડે ઘુંટડે પીવાથી મોંમાંની લાળ એમાં ભળે છે અને પીવાતા પાણીની ગુણવત્તા અનેકગણી વધી જાય છે. પ્રયોગ કરવા જેવો છે. એમાં ગુમાવવાનું કશું નથી, મેળવવાનું ઘણંુ છે. ક્યારેક ઊબકા આવે કે ઊલટી જેવું થાય ત્યારે પણ મોંમાં ભરપુર લાળ છૂટે છે. એનું કારણ સમજાવતાં કેલિફોર્નિયાના 'ઇન્ટેગ્રેટિવ મેડિસિન'ના પ્રણેતા મનાતા ડૉક્ટર આઇઝેક એલિયાઝ કહે છે,

પાચનતંત્રમાં કોઇ ગડબડ થઇ હોય ત્યારેે કુદરત લાળ દ્વારા ઊબકા કે ઊલટીની પ્રબળતા ઘટાડે છે. ડૉક્ટર આઇઝેક એલોપથીની ડિગ્રી પણ ધરાવે છે. પેશન્ટને કોઇ પણ રીતે સાજો સારો કરવો એ એમનો ગુરુમંત્ર છે એટલે એલોપથી સાથે ચાઇનીસ એક્યુપ્રેસર-એક્યુપંક્ચર અને નેચરોપથીનો પણ ઊંડો અભ્યાસ તેમણે કર્યો છે.

ડૉક્ટર આઇઝેકે તાજેતરમાં બહુ સરસ વાત કરી. એમણે કહ્યું કે ખેડાઉ જમીનની ફળદ્રુપ માટીમાં જે ગુણો રહેલા છે એજ ગુણો માણસના મોંમાં વછૂટતી લાળમાં રહેલા છે. ઘણા વડીલ વાચકોને યાદ હશે. શરીર પર ક્યાંક ફોલ્લી કે ગૂમડા જેવું થાય ત્યારે અગાઉ વડીલો કહેતા કે સવારની વાસી લાળ લગાડી દેજે. સારું થઇ જશે. એ વડીલશાહી સલાહનો છેડો ડૉક્ટર આઇઝેકની વાતમાં મળે છે. માત્ર માણસ નહીં, પશુ પંખીઓમાં પણ લાળનો મહિમા છે.

ક્યારેક નિરીક્ષણ કરજો. બિલાડી કે કૂતરાને કોઇ ઇજા થઇ હોય તો એ પોતાના જખમને ચાટતા રહે છે. એ વિશે એક વેટર્નરી ફિઝિશિયનને પૂછતાં એણે કહ્યંુ કે કૂતરાની લાળમાં એન્ટિસેપ્ટિક અને હિલિંગ રસાયણો હોય છે. એ જખમને વકરતો અટકાવીને સંબંધિત અંગને સાજું કરવામાં સહાય કરે છે. કુદરતની આ કમાલ સમજવા જેવી છે.

માણસ બુદ્ધિજીવી છે. ઇજા થાય તો એ પોતાનો ઇલાજ કરી શકે એમ છે. પશુ-પક્ષી એમ કરી શકતા નથી એટલે એમના મોઢાની લાળમાં જંતુનાશક રસાયણો ઉમેરી દીધા. ડૉક્ટર આઇઝેક માને છે કે આખી રાત ઊંઘ્યા પછી માણસની રાતભરની વાસી લાળમાં પણ એવાજ ગુણો હોય છે.

ડૉક્ટર આઇઝેકની વાત પણ વિચારવા જેવી તો છે. ખોરાક ચાવી ચાવીને ખાવાથી જલદી અને સહેલાઇથી પચે છે. આમ તો આ વાત પ્રાથમિક સ્કૂલમાં આપણે ભણી ગયેલા. પરંતુ એનો અમલ કરવામાં ઘણીવાર આપણે લાસરિયાપણું દાખવીએ છીએ. નુકસાન આપણને જ થાય છે. 

એમાંય ઘણા ગૌરવભેર કહે છે કે હું તો ત્રણ ચાર મિનિટમાં જમી લઉં. વાસ્તવમાં આવા ઉતાવળિયા પોતાના પાચનતંત્રને ગંભીર નુકસાન પહોંચાડે છે. એનો અર્થ એવો પણ નહીં કે એક કલાક સુધી જમતાં રહીએે.

પરંતુ દરેક કોળિયાને પૂરતો ચાવવો જોઇએ. મોઢાની લાળ સાથે પ્રવાહી જેવો એકરસ થાય ત્યારે ગળે ઊતારવો જોઇએ. તો જ એ ગુણ કરે. એમાંય આજના જંક ફૂડના જમાનામાં જ્યાં મેંદો કે ચણાનો લોટ બેફામ વપરાતો હોય ત્યાં તો ખોરાક વ્યવસ્થિત પચે એ અનિવાર્ય જરૃરિયાત છે.

શરીરે સુખી તે સુખી સર્વ વાતે... એવું કહ્યંુ છે. લાળ માટે વધારાનો કોઇ ખર્ચ થતો નથી, પ્રયત્ન કરવો પડતો નથી. આપણે કોઇ પણ સોફ્ટ ડ્રીન્ક લઇએ કે ખોરાકનો કોળિયો મોંમાં નાખીએ કે તરત લાળગ્રંથિ કામે લાગી જાય છે અને લાળનો પ્રવાહ વહેતો કરે છે. લાભ લેવાનું આપણા હાથમાં છે.

Comments