જીવસૃષ્ટિને ઊગારવાનો રામબાણ ઇલાજ

ટોપ્સીટર્વી - અજિત પોપટ

રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિન, ઇજિપ્તના પ્રમુખ અબ્દેલ ફતહ અલ-સીસી, ડચ સામ્રાજ્ઞાી મેકિસમા અને રાજવી વિલિયમ, ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન ટોની એબોટ અને ઇટાલિયન વડા પ્રધાન મેત્તિયો રેન્ઝી... આ બધા વચ્ચે કઇ સમાનતા છે ?

કૌન બનેગા કરોડપતિ ટીવી શોમાં આવો સવાલ પૂછાય તો જવાબ શું હોય ? એ જ ને કે આ બધા પોતપોતાના દેશના શાસકો છે ? પણ પોતાની આગવી અદામાં અમિતાભ બચ્ચન કહેશે, આપ કા જવાબ ગલત હૈ...સાચ્ચો જવાબ એ છે કે આ બધા પોતાના હોદ્દાને ભૂલીને આમ નાગરિકની જેમ રોજ બાઇસિકલ પર આવજા કરે છે.

બીજા પણ કેટલાક વિશ્વનેતાઓનો ઉલ્લેખ અહીં કરી શકાય. એકમાત્ર ભારતના નેતાઓ અપવાદ રૃપ છે. કોઇ પ્રધાનશ્રી આવવાના હોય ત્યારે કલાકો સુધી ટ્રાફિક અટકાવી રખાય અને પાછા પ્રધાનશ્રી પચીસ ત્રીસ વાહનોનો કાફલો લઇને આવે, ભલે પ્રજાના પૈસે બળતણ વાપરતાં હોય.

લંડનથી પ્રગટ થતા ગાર્ડિયન નામના પ્રતિષ્ઠિત અખબારના રાજકીય સમીક્ષક પીટર વૉકરે એક સરસ પુસ્તક લખ્યું છે. એનું ટાઇટલ છે-'હાઉ સાઇક્લીંગ કેન સેવ ધ વર્લ્ડ...' આ વર્ષના એપ્રિલની ચોથીએ પ્રગટ થયેલા આ પુસ્તકની લાખ્ખો નકલ ગરમાગરમ દાલવડાની જેમ વેચાઇ ચૂકી છે.

એમાં વૉકરે સરળ ભાષામાં કેટલીક મહત્ત્વની વાતો કરી છે. વૉકરનાં કેટલાંક નિરીક્ષણો ખરેખર સરસ છે. દાખલા તરીકે 'દર વરસે કાર્ડિયાક એરેસ્ટ, કેન્સર અને વ્યાયામના અભાવે અમેરિકામાં બે લાખ માણસો અકાળે મરણ પામે છે, એની સામે સાઇકલ ચલાવતાં અન્ય વાહનોએ કરેલા અકસ્માતથી ફક્ત ૮૦૦ જણ મરે છે...' આ વાક્યમાં મહત્ત્વનો શબ્દ 'અકાળે' છે.

એનું અન્ય એક નિરીક્ષણ છે- તબીબી નિષ્ણાતો કહે છે કે સાઇક્લીંગ કરવાથી સરેરાશ આવરદામાં ૪૦ ટકાનો વધારો થાય છે... ઔર એક નિરીક્ષણ- ડેન્માર્ક અને નેધરલેન્ડ જેવા દેશોમાં રાષ્ટ્રપ્રમુખ અને વડા પ્રધાનથી માંડીને સાવ અદના આદમી રોજિંદી પ્રવૃત્તિ સાઇકલ દ્વારા કરે છે. અહીં મહત્ત્વના શબ્દો રોજિંદી પ્રવૃત્તિ છે.

દુનિયાભરમાં તેલના કૂવાઓનો સ્ટોક હવે બહુ ઝડપથી ખતમ થવામાં છે, પ્રદૂષણ માઝા મૂકી રહ્યું છે. તાજેતરની દિવાળી વખતે પાટનગર નવી દિલ્હીને પ્રદૂષણના મુદ્દે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું એ તમને યાદ હશે. ઠેર ઠેર ટ્રાફિક જામના કારણે શ્વાસના રોગો, કેન્સર અને અન્ય રોગો માઝા મૂકી રહ્યા છે, પેટ્રોલ અને ડિઝલના ભાવ ભારત જેવા દેશોમાં આસમાને પહોંચી રહ્યા છે. ત્યારે કાં ન સાઇકલનો વપરાશ વધારી દેવો એમ વૉકર પોતાના પુસ્તકમાં કહે છે.

૨૦૧૫માં હાથ ધરાયેલા એક આંતરરાષ્ટ્રીય અભ્યાસનું તારણ એવું હતું કે દુનિયાભરમાં સાઇકલનો વપરાશ વધારી દેવામાં આવેે તો ૨૦૫૦ સુધીમાં કાર્બન ઇમિશન ૧૧ ટકાથી વધુ ઘટી જશે. અત્યારે દુનિયાના મોટા ભાગનાં મહાનગરો ભીષણ વાયુ પ્રદૂષણનો ભોગ બન્યાં છે. વાયુ પ્રદૂષણના પગલે થતા રોગોની પકડ નાગચૂડ જેવી બની રહી છે.

સાઇકલના વપરાશથી અનેક લાભ થઇ શકે એમ વૉકર કહે છે. સૌથી પહેલો લાભ આરોગ્યને થશે. નિયમિત વ્યાયામથી તંદુરસ્તી સુધરશે. પેટ્રોલ ડિઝલ કે સીએનજી પીએનજીનો ખર્ચ બચી જશે એટલે તમારી બેન્ક બેલેન્સ વધશે.

દેશના અર્થતંત્રને જબરદસ્ત વેગ મળશે. સડકો પર ટ્રાફિક જામની સમસ્યા અદ્રશ્ય થઇ જશે. તાતા-બિરલા-અંબાણી અને આમ આદમી વચ્ચેની સામાજિક અસમાનતા ઓછી થશે.  સૌથી મોટો લાભ પર્યાવરણને થશે. અત્યારે વૃક્ષો ઓછાં થવાથી અને પ્રદૂષણ વધવાથી હવામાં પ્રાણવાયુ ઘટી રહ્યો છે, ઓઝોનના પડને ઇર્રિપેરેબલ (કદી સુધારી ન શકાય એવંુ ) નુકસાન થયું છે. એ પરિસ્થિતિમાં સુધારો થશે.

લોકોને પ્રાણવાયુ વધુ મળશે. વૉકરે વધુ એક દાખલો આપ્યો છે. ૨૦૧૩માં મેનહટ્ટનના નાઇન્થ એવેન્યુ વિસ્તારમાં સાઇકલ માટે અલગ લેન બનાવી. ત્રણ વર્ષ પછી એ વિસ્તારમાં બંને બાજુ આવેલી દુકાનોના બિઝનેસમાં સીધો ૪૯ ટકાનો વધારો થયો હતો. કારણ ? સાઇકલ પર જતી વખતે અનાયાસે આસપાસની દુકાનો પર નજર પડે. મોટરકાર્સ તો સ્પીડમાં દોડી જાય એટલે આજુબાજુ જોવાની તક ચાલકને મળે નહીં.

સૌથી મહત્ત્વની વાત આ પણ છે- વિશ્વના મોટા ભાગના દેશોના વડા પ્રધાનેા અને પ્રમુખોે સાઇકલ ચલાવીને રોજિંદો વહીવટ કરતાં હોય તો ભારતના પોલિટિશ્યનોને શો વાંધો છે ? અહીં તો એવા નેતાઓ છે જે રાજકારણમાં આવ્યા એ પહેલાં જેમની પાસે સાઇકલ લેવાનાય પૈસા નહોતા એમની પાસે આજે મોંઘીદાટ ઇમ્પોર્ટેડ કાર્સનો કાફલો છે- આમ નાગરિકના હિસાબે ને જોખમે...! ભારતીય પોલિટિશ્યનો સુધરશે ખરા ?

Comments