'ટીબી હારેગા'- કૌન બોલા ?

ટોપ્સીટર્વી - અજિત પોપટ

એક સમય હતો જ્યારે એને રાજરોગ તરીકે ઓળખાવવામાં આવતો. પચાસ પોણોસો વરસ પહેલાં એનો કોઇ સચોટ ઇલાજ નહોતો  ત્યારે રોગીની છાતી પર દરિયાનાં પાણીમાં મળતી જળો લગાડવામાં આવતી. જળો રોગિષ્ઠ લોહી ચૂસીને તગડી થઇ જાય એટલે દર્દીના શરીર પરથી ખરી પડતી. ધીમે ધીમે એલોપથીનાં ઔષધો વિકસ્યાં.

જો કે એલોપથીની ખાસિયત મુજબ આ ઔષધો ટીબી સારો કરે તો બીજી કોઇ આડઅસરની ભેટ આપી જતાં. સ્ટ્રેપ્ટોમાઇસિન જેવાં જલદ ઔષધો દર્દીને અપંગ કરી જાય એવી કશીક આડઅસરની ભેટ આપતાં. ઇંદિરા ગાંધી વડાં પ્રધાન હતાં ત્યારે એક તબક્કે એવી જાહેરાત કરવામાં આવેલી કે ટીબીનો હવે દેશનિકાલ થઇ ચૂક્યો છે.

પરંતુ રીઢા ગુનેગારો હદપાર થવા છતાં ચોરી છૂપીથી પાછા જે તે વિસ્તારમાં પ્રવેશી જાય એમ ટીબીએ ફરી ઊથલો માર્યો જણાય છે. હાલની કેન્દ્ર સરકારે વચ્ચે એક સ્લોગન ભેટમાં આપેલું ટીબી હારેગા, દેશ જિતેગા... મેગાસ્ટાર અમિતાભ બચ્ચન આ સૂત્ર ઉચ્ચારતા. તેમણે એકરાર કર્યો હતો કે હું પોતે પણ ટીબીનો ભોગ બની ચૂક્યો છું. લો કરો  વાત, દેશના સૌથી શ્રીમંત લોકોમાં ગણના થતી હોય એવા અમિતાભ બચ્ચનને ટીબી થયો હોય તો આમ આદમીની શી ઓખાત ?

યસ બોસ, લેટેસ્ટ આંકડા ચોંકાવી દે એવા છે. વાંચજો ધ્યાનથી. રોજ સરેરાશ ચૌદસો-રિપિટ ૧૪૦૦ લોકો ટીબીના કારણે દેશમાં મરણ પામે છે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે દર મિનિટે ભારતમાં એક વ્યક્તિ ટીબીથી મરણ પામે છે.  દુનિયાભરમાં ટીબીથી થતાં મરણમાં પચીસ ટકા મરણ એકલા ભારતમાં થાય છે. તો ટીબી હારેગા અને દેશ જિતેગા એવા ખોખલા સૂત્રનો શો ઉપયોગ ?

અપૂરતો પોષક ખોરાક, પીવાના શુદ્ધ પાણીની તંગી, બીડી સિગારેટ જેવાં વ્યસનો, ટીબી ઘર કરી જાય એવા વ્યવસાય સાથેનો સહવાસ અને સ્લમ વિસ્તારમાં ગંદકી વચ્ચે રહેવાની પડતી ફરજ જેવાં અન્ય કારણોને લઇને મધ્ય પ્રદેશ અને બિહારમાં ટીબીએ જબરો પગપેસારો કરી લીધો છે. અલબત્ત, પહેલાં કરતાં એની સારવાર થોડી સોંઘી અને સુલભ થઇ છે.

એની આડઅસર કેવીક છે એ વિશે ડૉક્ટરો ફોડ પાડીને કહેતાં નથી. ભારત જેવા વિકાસશીલ દેશો માટે વિશ્વ આરોગ્ય સંસ્થાએ 'ડાયરેક્ટલી ઓબ્ઝર્વ્ડ ટ્રીટમેન્ટ-શોર્ટ કોર્સિસ જેવી સારવાર ઉપલબ્ધ કરી છે. પરંતુ થાય છે શું કે સારવાર ચાલુ કર્યા પછી ગળફાવાળી ઊધરસ, વારંવાર આવતો તાવ અને અન્ય લક્ષણો થોડાં ઓછાં થાય એટલે મોટા ભાગના દર્દીઓ અડધેથી સારવાર છોડી દે છે.

પાછળથી આ લોકો ડૉક્ટર પાસે આવે ત્યારે તો રોગ છેલ્લા તબક્કામાં પ્રવેશી ગયો હોય છે એટલે સાજાસારા થવાની શક્યતા નહીંવત્ રહે છે. હાલની કેન્દ્ર સરકારે રિવાઇઝ્ડ નેશનલ ટયુબરક્લોસીસ કન્ટ્રોલ પ્રોગ્રામ  નામની યોજના જાહેર કરી હતી અને ખાસ કરીને સ્લમ જેવા ગરીબ વિસ્તારોમાં તો સાવ મફત સારવાર અપાઇ રહી છે.

પરંતુ દર્દી જો પરિવારની એક માત્ર કમાઉ વ્યક્તિ હોય તો સારવાર લેવા જવાનું ટાળે છે. પરિણામે અકાળ મૃત્યુ થાય છે અને પરિવાર નોંધારો થઇ જાય છે. આનો કોઇ ઇલાજ નથી. એકમાત્ર ઇલાજ છે એ લોકક્ષિક્ષણનો છે. પોલિટિશ્યનોને તો પાંચ વરસે એકવાર આવતી ચૂંટણીમાં મળતા મત સિવાય આવી કોઇ કલ્યાણકારી યોજનામાં રસ હોતો નથી.

આ વાત સ્થાનિક નેતાગીરીને પણ એટલીજ લાગુ પડે છે. એવું ન હોત તો બિહાર અને મધ્ય પ્રદેશમાં ટીબી બેફામ વકર્યો ન હોત. પરિસ્થિતિ દિવસે દિવસે વણસી રહી છે એવું એક સર્વેમાં સ્પષ્ટ થયું હોવાની જાહેરાત ઇવન પાર્લામેન્ટમાં થઇ હતી.

અહીં એક મુદ્દો એ પણ મહત્ત્વનો છે કે કેટલાક (યસ, કેટલાક. બધાં નહીં) ડૉક્ટરો પોતાની ફરજ યોગ્ય રીતે બજાવતા નથી. કાયદો એમ કહે છે કે કોઇ ટીબી પેશન્ટ પ્રાઇવેટ ડૉક્ટર કે હૉસ્પિટલ પાસે જાય ત્યારે એ લોકોએ સરકારી તંત્રને જાણ કરવી જોઇએ કે ટીબીનો નવો દર્દી આવ્યો છે. પરંતુ કેન્દ્ર સરકારના એક રિપોર્ટ મુજબ ૮૦ ટકા કેસમાં આવી જાણ કરાતી નથી.

એમાં કદાચ અંગત સ્વાર્થ જવાબદાર હોઇ શકે. એક રિપોર્ટમાં જણાવાયા મુજબ એકલા મુંબઇમાં ૧૦૬ ડૉક્ટરોમાંથી ફક્ત છ ડૉક્ટરોએ પેશન્ટને સમજાવ્યું હતું કે સરકારી દવાખાનામાં તમારી સારવાર મફત થઇ શકે છે, તમે ત્યાં જાઓ. બાકીના ડૉક્ટરોએ અત્યંત મોંઘી દવાઓ પેશન્ટને લખી આપી હતી.

એક કડવી હકીકત એ છે કે મોટે ભાગે ગરીબ અને મધ્યમવર્ગના લોકો ટીબીના ભરડામાં આવી જતાં હોય છે. એમને મોંઘી દવા પરવડતી નથી એટલે સારા થવાને બદલે સહન કરવાનો નિર્ણય કરી બેસે છે જે કમનસીબ હકીકત છે.

આ સંજોગોમાં સ્વૈચ્છિક સંસ્થાઓ-એનજીઓ આગળ આવે અને પરિસ્થિતિ પર કાબુ મેળવવામાં વહીવટી તંત્રને મદદ કરે તો જ ટીબી હારેગા અને દેશ જિતેગાનું  સૂત્ર સાકાર કરવામાં કદાચ સફળતા મળે, એ સિવાય તો દર મિનિટે એક લાશ ઢળવાની.

Comments