દેશના પાટનગર નવી દિલ્હીમાં પ્રદૂષણે માઝા મૂકી અને શ્વાસ લેવામાં તકલીફ પડતાં સ્કૂલ કૉલેજો બંધ રાખવાની જાહેરાત કરવી પડી. આ સમાચાર આપણે સૌએ સાંભળ્યા કે અખબારોમાં વાંચ્યા. અદાલતે ગંભીર નોંધ લેવી પડે એટલી હદે વાત વણસી ગઇ. આવું ગુજરાતમાં પણ બની શકે દોસ્તો ! આમેય ગયા સપ્તાહે અખબારોમાં અમદાવાદના નહેરુ બ્રિજ અને સુભાષ બ્રિજના ફોટોગ્રાફ્સ પ્રગટ થયેલા.
સાથે એેવી વિગતો હતી કે પ્રદૂષણના કારણે દ્રશ્યક્ષમતા (વિઝિબિલિટી) ઘટી ગઇ હતી. અમદાવાદ એરપોર્ટ પર પણ વિમાનો ત્રણથી ચાર કલાક મોડા પડયાં. આવતાં વરસોમાં પરિસ્થિતિ આનાથી પણ વધુ વણસી શકે છે. આમ થવાનાં કારણો સમજવા જેવાં છે. દાખલો આપવા માટે અમદાવાદને કેન્દ્રમાં રાખ્યું છે. અન્ય શહેરોમાં પણ એ પરિસ્થિતિ સર્જાઇ શકે.
સૌ પ્રથમ વાત કરીએ વાહન વ્યવહારની. અમદાવાદ આરટીઓના આંકડા મુજબ ૨૦૦૦-૨૦૦૧માં ગુજરાત રાજ્યમાં ટ્રાન્સપોર્ટ અને નોન-ટ્રાન્સપોર્ટ મળીને કુલ ૫ંચાવન લાખ છોતેર હજાર ચાલીસ વાહનો હતાં. એ વધીને ૨૦૧૪- '૧૫માં એક કરોડ સત્યાશી લાખ વીસ હજાર પાંચસો સડસઠ વાહનો થયાં. આ વાહન આંકમાં ફોર વ્હીલર અને ટુ વ્હીલનો સમાવેશ થઇ જાય છે. ૨૦૧૫ પછીના આંક ઉપલબ્ધ નથી. ધારો કે આ દરેક વાહન રોજ ફક્ત દસથી વીસ ગ્રામ કાર્બન મોનોક્સાઇડ છોડે છે તો પણ રોજ કેટલું ઝેર હવામાં ભળે એની ગણતરી તમે કરી લેજો.
પેટ્રોલ અને ડિઝલના ભાવ નહીં પરવડતાં હોવાથી સંખ્યાબંધ રિક્શાઓ કેરોસિન પર કે ભેળસેળિયા અન્ય બળતણ પર ચાલે છે. એ પ્રદૂષણમાં જે વધારો કરે એ અલગ. બહારનાં રાજ્યોમાંથી જીવનજરૃરી ચીજો લઇને આવતી ટ્રકો જે પ્રદૂષણ વધારે એની પણ અહીં ગણતરી કરી નથી.
હવે અહીં એક મહત્ત્વના મુદ્દાની વાત કરીએ. અમેરિકાના વૉશિંગટન ડીસી શહેરમાં ૨૦૧૧-૧૨માં ૧૯ લાખ વીસ હજાર વૃક્ષો હતા જે ૨૬ હજાર ટન કાર્બનને શોષી લેતા હતા. ( એક ટન એટલે એક હજાર કિલોગ્રામ). એની તુલનાએ આપણે ત્યાં દહેરાદૂનમાં કરાયેલા એક સર્વે મુજબ એક હેક્ટર જમીનમાં એક હજાર હરિયાળાં વૃક્ષો હોય તો એ રોજ સરેરાશ ૩.૭ ટન કાર્બન મોનોક્સાઇડ શોષી લે છે.
વળતર રૃપે સામે ૨.૫ ટન ઓક્સિજન મફત ભેટ આપે છે. આ વિગતો કંટાળાજનક લાગે તો પણ ધ્યાનથી વાંચવા જેવી છે. હવે વાત કરીએે ગુજરાત રાજ્યની. સૌથી પહેલી વાત તો એ કે ગુજરાત રાજ્ય સરકાર પાસે ૨૦૧૨માં થયેલી વૃક્ષ-ગણતરી પછીના આંકડા ઉપલબ્ધ નથી.
શી પરિસ્થિતિ છે ગુજરાતમાં વૃક્ષોની ? ૨૦૧૨માં આખા અમદાવાદ જિલ્લામાં કુલ ૬,૧૮૦૪૮ વૃક્ષ હતા. ત્યારબાદ સૂરતમાં ૩.૩૩,૯૯૦, વડોદરામાં ૭,૪૭,૧૯૩, ગાંધીનગરમાં ૮,૬૬,૬૭૨, રાજકોટમાં ૧,૩૭,૫૨૨, ભાવનગર પ્લસ વિક્ટોરિયા પાર્કમાં મળીને ૪,૭૫,૯૫૨, જુનાગઢમાં ૭૬,૬૯૪ અને જામનગરમાં ૪૫,૮૭૭ વૃક્ષો હતાં. આ વાક્યમાં 'હતાં' શબ્દ મહત્ત્વનો છે. કારણ ?
સ્થાનિક વસતિ વધવાથી અને બહારથી રોજી રોટી રળવા આવતા લોકોને વસાવવા નવાં મકાનો બાંધવા માટે જમીનની જરૃર પડી. નવા હાઇવે અને એક્સપ્રેસ વે બાંધવા માટે પણ જમીનની આવશ્યકતા ઊભી થઇ. એટલે જંગલો કપાવા માંડયાં. વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું. એક વૃક્ષને પૂર્ણ પણે યુવાન થતાં પંદરથી પચીસ વર્ષ લાગે છે. એમાંય લીમડો, આસોપાલવ અને તુલસી જેવાં વૃક્ષો અન્ય વૃક્ષોની તુલનાએ વધુ ઓક્સિજન આપે છે.
મોટા ભાગનાં વૃક્ષો દિવસે ઓક્સિજન અને રાત્રે કાર્બન ડાયોક્સાઇડ ફેંકે છે. આપણે જેની પૂજા કરીએ છીએ એ પીપળો એકમાત્ર એવું વૃક્ષ છે જે ચોવીસે કલાક ઓક્સિજન આપે છે. ગીર જેવાં ગીચ જંગલોમાં માણસે પગપેસારો કરવા માંડયો એટલે વનચરો તકલીફમાં આવી પડયા. રાતવરાત આવીને ઢોર ઢાંકર કે માણસનો શિકાર કરવા માંડયાં.
હજુ તો એવી વાત છે કે અમદાવાદમાં જ્યાં બીઆરટીએસ રુટ છે એની અડખે પડખે વીસ વીસ માળના નિવાસી ટાવર બનાવવાની પરવાનગી ટોચના બિલ્ડરોને આપવી. એની સામે કેટલાં વૃક્ષો નવાં રોપાયાં ? કેટલાં ખરેખર વિકસ્યાં અને પૂર્ણ કદનાં થયાં ? એના સાચ્ચા અને સચોટ આંકડા કોઇ કહેતાં કોઇ પાસે નથી. ૨૦૧૨ પછીની વૃક્ષની વસતિ ગણતરી થઇ નથી.
ઘણીવાર તો હોળી જેવા તહેવારોમાં લીલાંછમ વૃક્ષો કાપી નાખવાની ધૃષ્ટતા પણ કરાય છે એવું આ લખનારે નજરે જોયું છે. કોઇ પૂછનાર નથી. વૃક્ષો ન હોય તો ચકલી, કબૂતર, ગંદકી દૂર કરનાર કુદરતી પરિબળ જેવા કાગડા કે અન્ય પંખીઓ ક્યાંથી જોવા મળે ? અહીં તો શિયાળામાં વિદેશથી આવતાં પંખીઓને મારીને એની પણ જ્યાફત ઊડાવનારા પડયા છે.
હવાને ચોખ્ખી રાખતું વૃક્ષોનું કુદરતી સૈન્ય ન રહે તો હવામાં ઝેરી પ્રદૂષણ વધી જાય એટલું તો પ્રાથમિક સ્કૂલનું બાળક પણ સમજી શકે એવી વાત છે. તો ગુજરાતનાં મહાનગરોનું ભાવિ કેવું ? એ આપણે સૌએ વિચારવાની તાતી જરૃર છે.
Comments
Post a Comment