સિનેમેજિક - અજિત પોપટ
24 નવેમ્બર 2017, શુક્રવાર
ગાયત્રી અને કુણાલનો પરિચય થયો અને બંને પરણી ગયાં. ગાયત્રી આયર ગાયત્રી ગાંજાવાલા બની
ઓક્ટોબરના છેલ્લા શુક્રવારે આપણું નવું વર્ષ હતું એટલે ટીનેજર્સ વાચકો માટે લખી શકાયું નહોતું. દરેક મહિનાના છેલ્લા શુક્રવારના આ કૉલમના નિયમ મુજબ આજે ટીનેજર્સ માટે લખવાનો દિવસ છે. આપણે ટોચના સંગીતકાર પ્રીતમની કારકિર્દીની વાતો મમળાવી રહ્યા છીએ.
ગયા અંકમાં (૨૯ સપ્ટેંબર ૨૦૧૭ના શુક્રવારે ) આપણે પ્રીતમને ટોચના સર્જકોમાં બિરાજમાન કરનારી ફિલ્મ ધૂમનાં બે ગીતોની વાત કરી હતી. એ પછી રહ્યાં ત્રણ ગીતો જેમાં બે તો રિપિટ થતાં હતાં.
અહીં ફરી એક વાત નોંધવા જેવી છે. સામાન્ય રીતે કોઇ સંગીતકાર નવી નવી કારકિર્દી શરૃ કરતો હોય અને કારકિર્દી જમાવવા મથતો હોય ત્યારે એ અનુભવી અને નીવડેલા ગાયકોની પસંદગી પહેલાં કરે. પરંતુ આ નિયમ કે પરંપરાનો ભંગ આરંભથી પ્રીતમે કર્યો એમ કહી શકાય.
તાતા યંગ ઉપરાંત આ ફિલ્મમાં એણે ઔર એક નવો કંઠ અજમાવ્યો હતો. દાયકાઓથી મુહમ્મદ રફી, મન્ના ડે, મૂકેશ, કિશોર કુમાર, લતાજી, આશાજી વગેરેના કંઠ આપણે સાંભળતા આવ્યા હતા. વચ્ચેના સમયગાળામાં કવિતા કૃષ્ણમૂર્તિ, મુહમ્મદ અઝીઝ, અલકા યાજ્ઞિાક, ઉદિત નારાયણ, કુમાર સાનુ, સુદેશ ભોસલે અને સોનુ નિગમ પણ આવી ગયા.
આ કદાચ એવો સમયગાળો હતો જ્યારે યુવા પેઢી સતત કંઇક નવું અને તાજગીપૂર્ણ ઇચ્છતી હતી. સંગીતકારો પણ સિનિયર ગાયકોની તુલનાએ નવોદિતોને વધુ અજમાવતા હતા. એવા સંગીતકારોમાં પ્રીતમ મોખરે હતા એવું કેટલેક અંશે કહી શકાય. ફિલ્મ ધૂમના જે બાકી રહેલાં ત્રણ ગીતોની વાત આપણે કરવાની છે એમાં બે ગીતમાં આ નવોદિત ગાયક-ગાયિકાઓનો સમાવેશ થાય છે. એવી એક ગાયિકા હતી ગાયત્રી આયર જે પાછળથી ગાયત્રી ગાંજાવાલા બની.
બીજી ગાયિકા હતી સૌમ્યા રાવ. આ બંને ગાયિકાઓનાં ગીતની વાત કરવા અગાઉ એમનો આછેરો પરિચય કરી લઇએ. બેંગલોર (કર્ણાટક)માં કન્નડ ગીતો ગાતી ગાયિકા એક દંપતી બી કે સુમિત્રા અને રિઝર્વ બેંકના અધિકારી સુધાકરની પુત્રી સૌમ્યાને પ્રીતમે અજમાવી એ પહેલાં એ એક કરતાં વધુ સાઉથ ઇન્ડિયન ભાષાઓની ફિલ્મોમાં ગાઇ ચૂકી હતી. ધૂમની પહેલાં પણ એ બે ચાર હિન્દી ફિલ્મોમાં ગાઇ ચૂકી હતી. પરંતુ ધૂમની સફળતા એને પણ ફળી. આ ફિલ્મમાં એણે અભિજિત સાથે ગાયેલું યુગલ ગીત હિટ નીવડયું હતું.
રોમાન્ટિક કહી શકાય એવું આ ગીત સમીરે લખ્યું હતું. એનું મુખડું હતું, 'દિલબરા અય દિલબરા, અપન કી તૂ, અપુન તેરા...' બમ્બૈયા ટપોરી ટાઇપની ભાષા આ ગીતમાં વાપરવામાં આવી હતી જે પાછળથી મુન્નાભાઇ સિરિઝ સુધી ચાલતી રહી. આવી ભાષા પછી ઘણાં ગીતોમાં સાંભળવા મળી જેમ કે આતી ક્યા ખંડાલા... ?
ગાયત્રીને જે ગીતમાં પ્રીતમે તક આપી એ પણ જાણવા જેવું છે. લખનઉની ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઑફ મેનેજમેન્ટની ગ્રેજ્યુએટ એવી આ યુવતીને પહેલી તક સંગીતકાર ચિત્રગુપ્તના સંગીતકાર પુત્રો આનંદ મિલિન્દે આપી એમ કહી શકાય. સૌમ્યાની તુલનાએ એ સિનિયર હતી કારણ કે એનું પહેલું ગીત છેક ૧૯૯૫માં રામ ગોપાલ વર્માની ફિલ્મ ગુલામમાં હતું.
આ એક તેલુગુ મ્યુઝિકલ ફિલ્મ હતી જેનું સહનિર્માણ અમિતાભ બચ્ચનની કંપની એબીસીએલએ કર્યું હતું. એની પહેલી હિન્દી ફિલ્મ લોફર હતી જે ૧૯૯૬માં રિલિઝ થઇ હતી.
અનિલ કપૂર અને જુહી ચાવલાને મુખ્ય ભૂમિકામાં રજૂ કરતી આ ફિલ્મનું ડાયરેક્શન કોમેડી ફિલ્મો માટે પંકાયેલા ડેવિડ ધવને કરેલું અને નિર્માતા અનિલ કપૂરના પિતા સુરીન્દર કપૂર હતા. ખેર, આપણે વાત આગળ ચલાવીએ. પ્રીતમે એની પાસે એક રિમિક્સ ગવડાવ્યું.
આ ફિલ્મે ગાયત્રીને એનો જીવનસાથી મેળવી આપ્યો. ફિલ્મમાં કુણાલ ગાંજાવાલાનું વસુંધરા દાસ સાથે એક ગીત હતું. એ દરમિયાન ગાયત્રી અને કુણાલનો પરિચય થયો અને બંને પરણી ગયાં. ગાયત્રી આયર ગાયત્રી ગાંજાવાલા બની.
એને ફાળે રિમિક્સ તરીકે જે ગીત આવ્યું એ આપણને જરા જુદા સંદર્ભમાં રાજ કપૂરની બોબી ફિલ્મનંુ એક ગીત યાદ કરાવી દે એવું હતું. બોબીના ગીતમાં શબ્દો હતા હમ તુમ એક કમરે મેં બંદ હો... અહીં સમીર કહે છે, 'કોઇ નહીં હૈ કમરે મેં, ક્યા હસીં મિલા હૈ પલ, આજ શરારત કરને દો, કામ કરેંગે કલ, જાઓ બાબા જાઓ, ઐસે ના બહકાઓ, હોશ મેં આ જાઓ, પાગલ ના બનો તુમ, દિલબર શિકદૂમ શિકદૂમ... '. આ ગીતે ટીનેજર્સેને ઘેલાં કર્યાં હતાં.
કુણાલ ગાંજાવાલાએ વસુંધરા દાસ સાથે ગાયેલું ગીત એક ડાન્સ ગીત હતું, 'દેખો દિવાનોં ક્યા મસ્ત મસ્ત હૈ સમા, જો હૈ, અભી હૈ, યહ વક્ત ફિર કહાં...' (યાદ કરો બી આર ચોપરાની ફિલ્મ વક્તના ટાઇટલ ગીતના શબ્દો - જો ભી હૈ બસ યહી પલ હૈ...) ઇચ્છા ન હોવા છતાં વાત અહીં અધૂરી મૂકવી પડે છે. વધુ આવતા મહિનાના છેલ્લા શુક્રવારે. ત્યાં સુધી ઇંતેજાર કરજો.
Comments
Post a Comment