ટીચર, માસ્તર,પંતુજી, ટયુશનિયા....


ટોપ્સીટર્વી - અજિત પોપટ

આ વરદાના પાંચમા કે છઠ્ઠા દાયકામાં હોય એવાં માતાપિતાને પૂછો. તમારા સમયમાં કોચિંગ ક્લાસની આવી બોલબાલા હતી કે ? ૯૦ થી ૯૫ ટકા માતાપિતા ના પાડશે. આજે પરિસ્થિતિ કેવીક છે ? ખુદ રાજ્ય સરકાર પાસે સચોટ આંકડા ઉપલબ્ધ નથી.

છેક ૨૦૧૪માં એક સર્વે કરાયો હતો. કી ઇન્ડિકેટર્સ ઑફ સોશ્યલ કન્ઝંપ્શન ઇન ઇન્ડિયાઝ એજ્યુકેશન નામના આ સર્વેમાં અપાયેલા ત્યારના આંકડા મુજબ પાંચમાથી આઠમા ધોરણના ટયુશન લેનારાં બાળકોની સંખ્યા દેશમાં સાત કરોડ ૧૦ લાખની હતી. જો કે આ સરકારી આંકડો કેટલી હદે સાચો હતો એ કહેવું મુશ્કેલ છે.

સાચો આંકડો અનેકગણો વધુ હોઇ શકે છે. આજથી પચાસ વર્ષ પહેલાં શિક્ષકો અને કૉલેજના અધ્યાપકોને જે પગાર મળતા હતા એના કરતાં આજે ખાસ્સા વધુ પગાર મળે છે. ૮૦ ટકા શિક્ષકો પાસે પોતાની કાર અને આલીશાન ટેનામેન્ટ કે એક કરતાં વધુ કુશાંદે ફ્લેટસ્ છે. એની તુલનાએ શિક્ષણનું ધોરણ અગાઉ કરતાં આજે વધુ કથળેલું છે.

માતાપિતા કહે છે કે સ્કૂલના ટીચર્સ જ એવો આગ્રહ રાખતાં હોય છે કે અમારું ટયુશન લો. તમારા બાળકનું અમે રક્ષણ કરીશું (નબળું હોય તો પણ પરીક્ષામાં અમી નજર રાખીને પાસ કરી દઇશું). શિક્ષકો કહે છે કે બાળકોનો સ્કૂલમાં ભણવામાં રસ હોતો નથી. બાળકો મોબાઇલ ફોન પર ગેમ્સ રમતાં હોય છે. આમાં સો ટકા સાચી વાત કોની માનવી એ તમે જાણો.

પરંતુ એક વાત સાચી કે કોચિંગ ક્લાસ ધરાવતા શિક્ષકો અખબારોમાં જાહેર ખબર આપીને પોતાની 'સિિઓ' વર્ણવતા હોય છે. એમાંય કેટલાક શિક્ષકો એટલા બધા કામિયાબ થયા છે કે સ્કૂલની તગડા પગારની નોકરી છોડીને ફૂલટાઇમ કોચિંગ ક્લાસ ચલાવે છે. એનોય વાંધો નથી. પરંતુ તો પછી દિવસે દિવસે શિક્ષણનું ધોરણ કથળતું જાય છે એવી ફરિયાદનું શું ?

માતૃભાષાને બદલે અંગ્રેજી સ્કૂલોની સંખ્યા વધતી જાય છે એનું શું ? આ મુદ્દે પણ માબાપો અને કેળવણીકારો સામસામી છાવણીમાં છે. અંગ્રેજી સ્કૂલમાં ભણતાં બાળકો વધુ ચબરાક અને હોંશિયાર બને છે એવી ગેરસમજ મોટા ભાગના માતાપિતા ધરાવે છે, પછી ભલે પોતે માતૃભાષામાં ભણીને સફળ થયા
હોય !

વિધાનસભાની કે કોર્પોરેશનની ચૂંટણીના પગલે મોટા ભાગના શિક્ષકોને સરકારી કામમાં જોતરી દેવામાં આવ્યા છે. ઘણા શિક્ષકો આવાં કામ કરવાના મુદ્દે નારાજ રહે છે. એમની એ વ્યથા સાચી અને સમજવા જેવી હોવા છતાં એક સવાલ ઊભો રહે છે. કેટલા શિક્ષકો ખરેખર પૂર્વતૈયારી સાથે વર્ગમાં જઇને પોતાની પૂરેપૂરી ક્ષમતા સાથે ભણાવે છે ? પોતાના વિષયમાં રોજબરોજ થતાં નવાં સંશોધનો અને ઉપક્રમોથી કેટલા શિક્ષકો સજ્જ હોય છે ?

કેટલા શિક્ષકો અધ્યાપન કાર્યને ૧૦૦ ટકા સમર્પિત ભાવે વરેલા છે ? અન્ય કોઇ ક્ષેત્રમાં તક ન મળી એટલે ન છૂટકે આ ક્ષેત્રમાં આવવું પડયું એવા પૂર્વગ્રહથી કેટલા શિક્ષકો પીડાય છે ? આ બધા સવાલો કેળવણીકાર ઉપરાંત મનોચિકિત્સકોએ વિચારવાના છે. આપણે ત્યાં તો સૈકાઓથી એક લોકોક્તિ સંભળાતી રહી છે- એક માતા બરાબર સો શિક્ષક.

માન્યું કે મોંઘવારી અસહ્ય હોવાથી માતાઓ પણ પતિની હારોહાર નોકરી કરે છે એટલે બાળકને ભણાવવાનો સમય નથી. આ સંજોગોમાં તો શિક્ષકોની જવાબદારી અનેકગણી વધી જાય છે. ધારો કે ચૂંટણી જેવાં 'સરકારી કામો'થી મુક્તિ મળે તો શિક્ષકોની કાર્યક્ષમતા અત્યારે છે એના કરતાં અનેકગણી વધી જશે કે ? વિચારવા જેવું છે.


Comments