બાળ દિનની ઊજવણી આપણે કયા મોઢે, કઇ રીતે અને શા માટે કરવી ?


ટુ ધ પોઇન્ટ - અજિત પોપટ

આજે ચૌદમી નવેંબર છે. દેશના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની જયંતી છે. આપણે એને બાળ દિન તરીકે ઊજવીએ છીએ. આજની પરિસ્થિતિ પર એક ઊડતી નજર કરીએ તો પણ ખ્યાલ આવશે કે બાળ દિનની ઊજવણી કરવાની યોગ્યતા આપણે ગુમાવી ચૂક્યા છીએ. ફક્ત પંડિત જવાહરલાલ નહેરુની જયંતી ઊજવો. એટલું બસ છે.

પંડિતજી વિદ્વાન અને વિચારક હતા. ડિસ્કવરી ઑફ ઇન્ડિયા વાંચનારને એમની વિદ્વત્તા અને વિચારશીલતાનો પરિચય થઇ જાય. એટલું બસ છે. એમના વંશવારસની ચર્ચામાં પડવાની પણ જરૃર નથી. કારણ કે એ પણ મારા તમારા જેવા કાળા માથાના માનવી હતા. એમના વ્યક્તિત્વમાં પણ ખૂબીઓની સાથોસાથ ખામીઓ પણ હતી. દરેક વ્યક્તિમાં આવા બે પાસા હોય છે. એમ પંડિતજીમાં પણ હતા. ઇતિશ્રી.

રહી બાળ દિનની વાત. જરા એક સ્થાને શાંતિથી બેસીને વિચારો: બાળકોની આજે આપણે શી સ્થિતિ કરી છે ! વૈષ્ણવો ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૃપને પૂજે છે. બાલં મુકુંદં મનસા સ્મરામિ કહીને વડના પાંદડા પર પેાઢેલા બાળકૃષ્ણની બિરદાવલી ગાય છે.

પરંતુ આજના બાળકૃષ્ણની સ્થિતિ કેવી છે ! હજુ ત્રણ ચાર દિવસ પહેલાંજ દસમા-અગિયારમા ધોરણના વિદ્યાર્થીએ પોતાના પિતાની હાજરીમાં કબૂલ કર્યું હતું કે સ્કૂલમાં પરીક્ષા ન લેવાય એવા હેતુથી મેં પ્રદ્યુમ્નની ધારદાર ચાકુ વડે હત્યા કરી હતી... એને ખૂન કર્યાનો કોઇ પશ્ચાત્તાપ નહોતો. આ છે આજનો ટીનેજર.

નીત સવારે દરેક સોસાયટીની બહાર નજર કરો. કેડેથી વાંકાં વળી જાય એવાં ભૂલકાં ભારે વજનદાર દફતરો લઇને ભૂલકાં સ્કૂલમાં જતાં દેખાશે. સ્કૂલ વાન કહેતાં રિક્શામાં ઘેટાંબકરાં કરતાં ખરાબ સ્થિતિમાં ટાબરિયાં પૂરેલાં હોય છે. કદી ઢોરઢાંખરને લઇ જતી માલગાડી જોઇ છે ? એક ડબ્બામાં દસ ગાય લઇ જવાની હોય તો દસ જ લઇ જાય. એક પણ વધારાની નહીં.

બીજી  બાજુ મારુતિ વાન કે રિક્શામાં એની ક્ષમતા કરતાં ત્રણસો ચારસો ગણા બાળકો  ભરેલાં હોય છે. એમાંય જોનારની નજર ઠરે એવાં રૃપકડાં બાળક પર ડ્રાઇવર અને ક્લીનરની મેલી નજર ત્રાટક કરતી લેતી હોય છે.

અનુભવી ડૉક્ટરો કહે છે કે થોડાં વરસો પછી કમરદર્દ હોય એવાં ટીનેજર્સની સંખ્યા અનેકગણી વધી જશે. પુસ્તકો અને એક્સસાઇઝ બુક્સ વધી છે, એના પ્રમાણમાં શિક્ષણ વધ્યું નથી. આટલું ઓછું હોય તેમ આપણે મોટેરાંઓ ભૂતકાળમાં જે સિદ્ધ ન કરી શક્યાં એ બાળકો પાસે સિદ્ધ કરાવવાની અપેક્ષા રાખીને બાળકના ચહેરા પરનું સ્મિત છીનવી લઇએ છીએ.

રમવાની અને સતત આનંદમાં રહેવાની ઉંમરે બાળક માતાપિતાની અપેક્ષા સંતોષાય એવું રિઝલ્ટ લાવવાના ટેન્શનમાં હોય છે. એવું રિઝલ્ટ ન લાવી શકે ત્યારે પોતાની જીવનદોરી ટૂંકાવી દે છે. ફક્ત છેલ્લાં પાંચ વર્ષના ટીનેજર સૂસાઇડ્સના આંકડા જુઓ. દેવાંદાર ખેડૂતો કરતાં બાળકો-ટીનેજર્સના આપઘાતના આંકડા વધી ગયા છે. કોઇ કહેતાં કોઇની આંખ ઊઘડતી નથી.

સ્કૂલમાં શિક્ષક તરીકે કામ કરતાં મનેખ પણ આપણા જેવા માણસ, એટલે કે ખૂબી-ખામીથી ભરેલા જીવો. દરેક શિક્ષક સવારે ઘેરથી નીકળે ત્યારે કેવા મૂડમાં હોય છે એની તો ફક્ત ઉપરવાળા ઠાકરને જાણ હોય. પરિણામે ક્યારેક કોઇ બાળક પર હાથ ઊપડે તો એવો ઊપડે કે પેલું બાળક અધમૂઉં થઇ જાય. ગાલ પર કે વાંસામાં સોળ ઊઠી આવે. રોજ દેશના કેાઇ ને કોઇ વિસ્તારના શિક્ષક સામે પોલીસ કેસ થયાના સમાચાર વાંચવા મળે છે.

ઘર પરિવારની કોઇ ઘટનાનો ગુસ્સો સ્કૂલના બાળક પર નીકળતો હશે ? વિચારવા જેવું છે. ઉપનિષદ (ગુરુની પાસે બેસીને ભણવું ) શબ્દ ક્યારનો ય અદ્રશ્ય થઇ ચૂક્યો છે.  

સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે રુમઝુમનેા યુગ ક્યારનો ય અસ્ત થઇ ગયો છે. આજે તો પરિસ્થિતિ એવી છે કે કાં તો શિક્ષકને કોચિંગ ક્લાસ દ્વારા અધધધ કમાણી કરવી હોય છે અને કાં તો વિદ્યાર્થીના બરડા પર ગુસ્સો કાઢવો હોય છે.

આ સ્થિતિમાં બાળ દિન ઊજવવો એ નર્યો દંભ અને દેખાડો છે. નિદા ફાજલી જેવા શાયરે તો બાળકને પ્રેમ કરવાની વાતને ભક્તિ કહી છે. 'ઘર સે મસ્જિદ તો બહુત દૂર હૈ, ચલો, યું કર લેં, કિસી રોતે હુએ બચ્ચે કો હંસાયા જાયે... રડતા બાળકના ચહેરા પર મલકાટ પ્રસરાવવો એ સાચી ભક્તિ છે. એ તરફ કોઇનું ધ્યાન છે ખરું ?

બાળકના જીવન સાથે આપણે સમાજ સેવા અને મધ્યાહ્ન ભોજનના નામે કેવા ખતરનાક ખેલ ખેલીએ છીએ ? જાનવર પણ ન સૂંઘે  એવું મધ્યાહ્ન ભોજન બાળકોને પીરસાય છે. બાળકો માટે ફાળવાયેલું અનાજ અને શાકભાજી વચ્ચેથી અલોપ થઇ જાય છે.

બાળકને પોષણ આપવાની વાત તો પછી, ઉકરડે નાખી દેવું પડે એવું ખાદ્યાન્ન આપણે એમને આપીને સમાજસેવા કર્યાનો સંતોષ અનુભવીએ છીએ. હાઉં કરો બાપલા. એક આખીય પેઢીનાં બાળકો ભવિષ્યમાં આપણને નીંદે નહીં એટલા ખાતર પણ બાળ દિનના આ દંભનો ધી એન્ડ લાવો.

Comments