ટોપ્સીટર્વી - અજિત પોપટ
જુનાગઢમાં શાકની લારી ફેરવીને પેટિયું રળતા ધનજી (નામ બદલ્યું છે)ને અમદાવાદની સિવિલ હૉસ્પિટલના કેન્સર સેક્શનમાં લાવ્યા ત્યારે ઘણું મોડું થઇ ગયું હતું. ચાર પાંચ વર્ષની વયથી ચૂનામાં મસળીને તમાકુ ખાતા ધનજીને બાવીસ વર્ષની ભરજુવાનીમાં છેલ્લા તબક્કાનું કેન્સર થયું હતું.
ફરજ પરના ડૉક્ટરે ધનજીનાં સ્વજનોને નિદાન સંભળાવ્યું ત્યારે એનાં માબાપ તો ત્યાંજ ઢગલો થઇ ગયાં. દીકરો ઝડપભેર યમદ્વાર ભણી જઇ રહ્યો છે એ જાણીને કયાં માતાપિતા સ્વસ્થ રહી શકે ? સાથે છ સાત મહિનાનું બાળક લઇને આવેલી ધનજીની પત્ની પણ હતી.
આ સૌની મનોસ્થિતિ જોયા પછી ફરજ પરના ડૉક્ટરને સહાનુભૂતિ થઇ. એમણે એક સોશ્યલ વર્કરનેા સંપર્ક સાધ્યો. એ બહેન આ બધાંને લઇને કોમ્યુનિટી ઓન્કોલોજી સેન્ટર પર લઇ ગયાં. ધનજીના અંતિમ દિવસો આ સેન્ટરમાં સુધરી ગયા.
કરુણા મૂર્તિ મધર ટેરેસા યાદ છે ? સડક પર બીમાર પડેલા એક આદમીને ઉંદરો ફોલી ખાતા હતા ત્યારે મધરે એને પોતાના આશ્રમ નિર્મલ હૃદયમાં ખસેડયો હતો. કોલકાતાની સડક પર પડી રહેલા એ કમભાગી જીવનું મોત સુધરી ગયું હતું. ગાંધીવાદી કવિ કરસનદાસ માણેકના એક ગીતનો અંતરો છે-' આ થયું હોત ને, તે થયું હોત ને, જો પેલું થયું હોત, અંત સમે એવા ઓરતડાની, હોય ન ગોતાગોત, હરિ હું તો એવુંજ માગું મોત...' જેમનો મંદવાડ છેલ્લા તબક્કામાં છે,
જેમના ઊગરવાની આશા ટોચના ડૉક્ટરોએ પણ મૂકી દીધી છે, એવા દર્દી અને આઘાતથી અધમૂવા થઇ જતા દર્દીનાં કુટુંબીજનોને પ્રેમાળ સાંત્વના આપતી એક માનવતાવાદી પ્રવૃત્તિની વાત છે. દિવાળી તહેવારોનો રાજા હોવાથી મોટા ભાગનાં અખબારો જાહેરખબરથી ભરપુર હતા. પરિણામે ૧૪ ઓક્ટોબરે આ માનવતાવાદી પ્રવૃત્તિનો વર્લ્ડ ડે હતો એ તરફ ભાગ્યે જ કોઇનું ધ્યાન ગયું.
અંગ્રેજીમાં એને હોસ્પીસ એન્ડ પેલીએટિવ કેર તરીકે ઓળખવામાં આવે છે. સરળ ગુજરાતીમાં કહીએે તો જેમની આવરદા પૂરી થવામાં આવી છે, મંદવાડ છેલ્લા તબક્કામાં છે એમના અંતિમ દિવસોને પીડારહિત અને રાહતપૂર્ણ બનાવવાની આ વાત છે.
છેક ૧૯૮૮થી ભારતમાં આ પ્રવૃત્તિ શરૃ થઇ અને ૧૯૯૪માં એની રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા સ્થપાઇ. ગુજરાતમાં અત્યારે તો આ પ્રવૃત્તિ સરસ રીતે ચાલી રહી છે. સુખી અને સંપન્ન લોકોના દાન વડે આ સંસ્થા 'કોમ્યુનિટી ઓન્કોલોજી સેન્ટર' નભી રહી છે એમ સંસ્થાના સીઇઓ ડૉક્ટર ગીતા જોશીએ કહ્યું હતું.
અહીં તો પેશન્ટ ઉપરાંત એની સાથે આવેલાં સ્વજનોને પણ માનસિક સાંત્વના આપવાની હોય. પેશન્ટ રીબાતો પીડાતો હોય ત્યારે એની પીડા કઇ રીતે ઓછી થાય એના સંનિષ્ઠ પ્રયાસો અહીં થતા હોય છે. સાથોસાથ સ્વજન ગુમાવવાની પીડા ભોગવી રહેલાં સ્વજનોને સાંત્વન આપવાનું હોય.
વિવિધ પ્રકારનાં કેન્સર, યુરોલોજીના ગંભીર કેસ, કિડનીના છેલ્લા તબક્કાના કેસ જેવા કેટલાય કેસ રોજ હજારોની સંખ્યામાં પ્રગટ થતાં રહે છે. મૃત્યુ ભણી ધસી રહેલા પેશન્ટની પીડા ઘટાડવા ઉપરાંત એનાં સ્વજનોને હિંમત બંધાવવા માટે અહીં નિષ્ણાત તબીબો, નર્સો, ડાયેટિશિયન, ફિઝિયોથેરપિસ્ટ, મનોચિકિત્સક, સોશ્યલ વર્કર્સ અને વોલન્ટિયર્સ હાજર હોય છે.
દરેકને ખૂબ પ્રેમથી સાચવી લેવા અને ખાસ તો દર્દીની રીબામણી ઘટાડે એવાં ઔષધોથી સહાય કરવી, આ કામ ખરેખર કપરું છે. ઘણીવાર રોગના નિદાન માત્રથી પેશન્ટ અને એનાં સ્વજનો ભાંગી પડતાં હોય છે. એનાં સ્વજનોની માનસિક સ્થિતિ વધુ ખરાબ હોય છે. આપણા ગુજરાતી સમાજમાં એક વિચિત્ર અનિષ્ટ ઘુસી ગયું છે.
બીમારને જોવા આવનારા લોકો નેગેટિવ વાત વધુ કરતાં હોય છે- 'અમારા ફલાણા સગાને આવું થયેલું પછી છે ને તે...' એમ કહીને પેશન્ટના મનોબળને તોડી પાડનારા લોકોની કમી નથી. આવા લોકોની દર્દીને વહેલો મારી નાખે છે.
હોસ્પીસ એન્ડ પેલીએટિવ કેર સેન્ટરમાં આવા નેગેટિવ વિચારો રજૂ કરતા લોકોને સમજાવી પટાવીને દૂર રાખવામાં આવે છે. આ કામમાં અખૂટ ધીરજ અને અનંત સહાનુભૂતિ જોઇએ. પ્રતિ પળે ભાંગી પડતા દર્દી અને એના કુટંુબીજનોને સતત સ્વસ્થ રાખવામાં ભલભલા મનોચિકિત્સક કે સોશ્યલ વર્કરની આકરી કસોટી થઇ જાય. દર્દીઓની સંખ્યા રોજેરોજ વધતી જાય છે કારણ કે ગુજરાતમાં તમાકુનો વિવિધ પ્રકારનો વપરાશ પરીકથાની રાજકુંવરીની જેમ દિવસે દિવસે વધતો ચાલ્યો છે.
સમગ્ર ગુજરાતમાં તમાકુથી થતા રોગના દર્દીઓ સૌથી વધુ અમદાવાદમાં છે એવું છેક ૨૦૧૨ના રિપોર્ટમાં જણાવાયું હતું. છેલ્લાં ચાર પાંચ વર્ષમાં દર્દીઓની સંખ્યા ઘણી વધી છે. પરંતુ કોમ્યુનિટી ઓન્કોલોજી સેન્ટરના કાર્યકરોના ઉત્સાહમાં ઓટ આવી નથી એ બહુ મોટું આશ્વાસન ગણાય.
Comments
Post a Comment