ટુ ધ પોઇન્ટ - અજિત પોપટ
'ઉન દિનોં ગંગા મૈયા કા તટ સહી માયનેમેં સ્વર્ગીય થા... મૈયા પતિતપાવની થી... મૈં તો બહુત છોટી સી બચ્ચી થી... ગંગા મેં તૈરને જાતી થી ઔર મછલિયાં ભી પકડતી થી... આપ શાયદ માનેંગે નહીં, મછલી કો તડપતી દેખકર મુઝ સે રહા નહીં જાતા થા,
મૈં મછલી કો વાપસ ગંગામેં ડાલ દેતી ઔર મેરી નજરોં કે સામને વો ગહરે પાની મેં ચલી જાતી... લેકિન વો તડપન બાદ મેં સઘન રિયાઝ કે બાદ મૈં અપની ગાયકી મેં લાયી...' પાણીની બહાર તરફડતી માછલીને જોઇને વિરહિણી નાયિકાની વેદના કંઠમાંથી પ્રગટ કરનારા આપાજી અર્થાત્ ગિરિજાદેવી કહી રહ્યાં હતાં. નિખાલસ, ખૂબ પારદર્શક અને બાળસુલભ એવાં આપાજીએ કારતક સુદ ચોથના દિને વિદાય લીધી. આપા મૂળ તો ઊર્દૂ શબ્દ છે. એનો અર્થ છે મોટીબહેન.
આજના શાસ્ત્રીય સંગીતના વિશ્વમાં એ સૌનાં મોટાંબહેન હતાં. અગાઉ સિદ્ધેશ્વરી દેવીને ઠુમરી સામ્રાજ્ઞાી તરીકે ઓળખાવાયાં હતાં. એ પછી આવ્યાં બેગમ અખ્તર જે ૩૦ ઓક્ટોબરે (ગઇ કાલે જ એ તારીખ ગઇ) અમદાવાદમાં કાર્ડિયાક એરેસ્ટથી સ્વરલોકમાં વિલીન થઇ ગયાં હતાં. અને બેગમ સાહિબા પછી ઠુમરી સામ્રાજ્ઞાી બન્યાં ગિરિજાદેવી, જે કોલકાતામાં કાર્ડિયાક એરેસ્ટથી સ્વરલોકમાં સિધાવ્યાં.
આપ્પાજી વિશે લખતી વેળા અનાયાસે આર ડી બર્મન પંચમ યાદ આવી જાય છે. પંચમે કહેલું કે સંગીતમાં આગળ વધવું હોય તો કાં તમે ગર્ભશ્રીમંત પરિવારના હોવા જોઇએ અથવા ફકીર હોવા જોઇએ. ૧૯૧૦ના દાયકાના ઉત્તરાર્ધમાં અત્યંત જૂનવાણી પરંતુ શ્રીમંત જમીનદાર પરિવારમાં જન્મ્યાં હોવાથી જ કદાચ ગિરિજાદેવીને સંગીત શીખવાની તક મળી. બાકી એ દિવસોમાં સંગીત શબ્દ સામે સંસ્કારી પરિવારોને સૂગ હતી.
સંગીતકારોને બહુ હલકી નજરે જોવામાં આવતા. ત્રણ બહેનોમાં આપાજી સૌથી નાનાં અને લાડકાં એટલે જિદ કરીને પોતાને જોઇતી વસ્તુઓ પિતા રામદેવ ૨ાય પાસેથી મેળવી લેતાં. 'ઉન દિનોં મૈં ટોમબૉયીશ થી. ઘુડસવારી ભી કરતી ઔર ખાનદાની ટાંગા ભી ચલાતી' આપ્પાજી હસતાં હસતાં કહેતા.
એવીજ એક પળે પિતા પાસે સંગીત શીખવાની માગણી કરી. મૈં તો લાડલી થી. પિતાને હાં ભર દી ઔર મૈં સંગીત શીખી. ઉન દિનો બડા કઠોર રિયાઝ કરના પડતા થા....' જો કે એ સમયના બનારસની આજે આપણે કલ્પના પણ ન કરી શકીએ.
ગજબની પવિત્રતા હતી એ સમયે. ગંગા તટે બેસીને, ઘરમાં મોજમસ્તી કરતાં કરતાં અને માત્ર પંદર વર્ષની વયે લગ્ન થઇ જતાં શ્વસુરગૃહે ઘરકામ કરતાં આપાજી સતત ગાયા કરતા. સદ્ભાગ્યે એમને સાસરિયું પણ સંગીતપ્રેમી મળેલું એટલે સ્વરસાધના સામે કોઇએ મોઢું મરડયું નહીં.
શાસ્ત્રીય સંગીતના વિદ્યાર્થી તરીકે ફક્ત બે મહિલા નજર સામે આવે છે. આવરદાના નવમા દાયકામાં પણ કાંસાના રણકાર જેવો અને સોળ વર્ષની ટીનેજર જેવો કંઠ માત્ર બે મહિલા પાસે હતો. કિરાના ઘરાનાના વિદૂષી ગંગુબાઇ હંગલ અને બનારસ-સેનિયા ઘરાનાના ગિરિજા દેવી.
જો કે ગિરિજાદેવી અનન્ય હતાં કારણ કે ભારતીય શાસ્ત્રોક્ત સંગીતના ગાયકીના તમામ અંગો- ધુ્રપદ ધમાર અને એની અંતર્ગત હવેલી સંગીત, ખયાલ ગાયકી, ઠુમરી, દાદરા, ચૈતી, ટપ્પા, હોરી, ભજન, ઉત્તર ભારતનું લોકસંગીત અને ગઝલ એ તમામ અંગો પર આપ્પાજીનો ગજબનો કાબુ હતો.
ઔર એક ખૂબી હતી. એ હસતાં મોઢે ગાતાં. ચહેરા પર ભાગ્યેજ કદી વિકૃતિ આવે. બેગમ અખ્તરને સિગારેટ વિના ચાલતું નહોતું એમ આપાજીને છેલ્લી ઘડી સુધી પાન વિના નહોતું ચાલતું. એમને ખરેખર દિવ્ય કંઠ મળેલો બાકી સાઠ પાંસઠ વર્ષ કોઇ વ્યક્તિ પાન ચાવ્યા કરે તો એના કંઠ પર ગંભીર વિપરીત અસર પડી શકે.
પરંતુ આપાજીનો કંઠ છેલ્લી ઘડી સુધી રણકદાર રહેલો. પોતાના સમકાલીન કલાકારો સાથે એમને કુટુંબીજનો જેવો મીઠ્ઠો સંબંધ. 'કભીકભાર ઉન કે આઇટમ મેં મઝા નહીં આયા તો અલી અકબર ભૈયા ઔર રવિજી (રવિશંકર)કો મૈં મધુર ભાષામેં ઉલાહના (ઠપકો) ભી દેતી થી. ઐસા રિશ્તા થા ઉન દિનોં હમારે બીચ..' આપાજી કહેતાં.
ગુજરાતના સંગીત રસિકો તો નસીબના બળિયા છે. બેગમ અખ્તરે તો જીવનલીલા જ અમદાવાદમાં સંકેલી લીધી. તો આપાજી દર વરસે અચૂક જાન્યુઆરીમાં સપ્તકના સંગીત સંમેલનમાં રસિકોને રીઝવવા આવી જતા.
બનારસ એટલે આપ્પાજી, બનારસ એટલે કંઠે મહારાજ, કિસન મહારાજ, પંડિત રાજન સાજન મિશ્રા, અમદાવાદના બનારસી માહોલ સર્જનારા પંડિત નંદન મહેતા અને પંડિત છન્નુલાલ મિશ્રા. એ આપાજીને સગ્ગી મોટી બહેન કરતાં વધુ માનતા. જાહેરમાં બંને મળી જાય તો છન્નુલાલજી વાંકા વળીને આપાજીને પ્રણામ કરતા. એ હતી બનારસની તહેજિબ. આપ્પાજીના જવાથી શાસ્ત્રીય સંગીતના એક યુગનો શબ્દના ખરા અર્થમાં અસ્ત થયો.
Comments
Post a Comment