ટુ ધ પોઇન્ટ - અજિત પોપટ
આમ આદમીની સમસ્યાનું નિવારણ સંતોષજનક રીતે ન થાય ત્યારે તોળાઇ રહેલી ચૂંટણી શાસક પક્ષે યાદ રાખવી જોઇએ
પંચતંત્રની એક-બે વાર્તા છે. ઘોડો લઇને જતા પિતાપુત્રને કોઇ કહે છે કે પિતાને ઘોડા પર બેસાડીને લઇ જા...કોઇ કહે છે કે બંને ઘોડા પર બેસી જાઓને, તડકામાં આમ કેમ ચાલો છો..., કોઇ કહે છે કે અરે, પિતાપુત્ર બંને એક ઘોડા પર...? બહુ કહેવાય.
બીજી વાર્તામાં ઘેટું ખરીદીને આવતા ભૂદેવને થોડાક ગઠિયા આ તો કૂતરો છે કહીને ભરમાવીને ઘેટું પડાવી લે છે એવી વાત છે.... નજીકના ભૂતકાળની વાત કરીએ તો જર્મનીના એડોલ્ફ હિટલરના સમયમાં નાઝી-પ્રચારવાદનો ઉદય થયેલો. એવી લોકવાયકા સર્જાઇ હતી કે એક લાખ વખત બોલાયેલું અસત્ય સત્ય બની જાય છે. ખરેખર ? અત્યારે એવા પ્રચારનો મારો થઇ રહ્યો છે. ટીકાકારોનો મોતિયો થયો છે અને શાસક પક્ષને સર્વત્ર વિકાસ દેખાય છે એવા પ્રચારનો એતિરેક થઇ રહ્યો છે.
રિઝર્વ બેંકના નિવૃત્ત થઇ ગયેલા ગવર્નર રઘુરામ રાજન, નિવૃત્ત થયેલા રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી, કોંગ્રેસ શાસન દરમિયાન મૌની બાબા તરીકે વગોવાયેલા વડા પ્રધાન કમ અર્થશાસ્ત્રી મનમોહન સિંહ અને હવે અટલ બિહારી વાજપેયીના શાસન દરમિયાન નાણાં પ્રધાન રહી ચૂકેલા અર્થશાસ્ત્રી યશવંત સિંહાએ નોટબંધી અને અન્ય કેટલીક સરકારી નીતિની ટીકા કરતાં અરુણ જેટલી છેડાઇ પડયા.
યશવંત સિંહાની ઉંમર અને અનુભવને ધ્યાનમાં લીધા વિના લક્ષ્મણ રેખા ઓળંગીને જેટલી બોલ્યા, સિંહાને નોકરી (પ્રધાનપદ એમ વાંચો) જોઇએ છે... જેટલી તો અભિનેતા કમ પોલિટિશ્યન શત્રુઘ્ન સિંહા માટે પણ આવું જ કહેશે.
બેશરમીની હદ હોય છે. સિંહાએ જે વાત કરી એ આમ આદમીના મનની વાત છે. વડા પ્રધાનની મન કી બાતમાં અને એમના દરબારીઓની વાતોમાં નરી ખુશામત હોય છે. અમે આમ કર્યું અને અમે તેમ કર્યું...નાં નોબત-નગારાં વગાડવામાં આવે છે. યુનોના પદાધિકારીએ પણ આપણા અર્થતંત્રની ટીકા કરી. પણ રાજાને કોણ કહે કે તમે બર્થ ડે સૂટમાં છો ?
પેલી લોકકથા યાદ છે ને ? નરી આંખે ન દેખાય એટલું ઝીણું વસ્ત્ર બનાવવાની ડંફાસ મારીને એક વણકરે રાજાને નિર્વસ્ત્ર રજૂ કર્યા ત્યારે એક અટકચાળો ટાબરિયો બોલી ઊઠેલો, 'રાજા નાગડો રાજા નાગડો...' આજે શાસક પક્ષને એ રીતે ઊઘાડો પાડી શકે એવો ટાબરિયો ક્યાંથી કાઢવો ? માથા પર પર્વરાજ દિવાળી તોળાઇ રહ્યો છે ત્યારે આમ આદમીને પૂછો- કેવું લાગે છે ? કાર્ટુનિસ્ટ આર કે લક્ષ્મણનો કોમન મેન વીલા મોઢે જવાબ આપે છે- આ વખતે પહેલાં જેવી ઝાકઝમાળ દેખાતી નથી... બધું ઠંડું છે.
નોટબંધી, જીએસટી અને અન્ય પગલાં કોમન મેન માટે માથાના દુ:ખાવા જેવાં હોય તો એનો કશો અર્થ નથી. ગુજરાતની વિધાનસભા અને ત્યારબાદ ૨૦૧૯ની સંસદીય ચૂંટણી પહેલાં કશુંક નક્કર કાર્ય નહીં થાય તો વડા પ્રધાન જેવા ભલભલા ચમરબંધીની મૂછ નીચી થઇ જવાની છે. માત્ર વાતોથી ગરીબોનું પેટ ભરાતું નથી. માત્ર વાતોથી બળાત્કારો અટકતા નથી, માત્ર વાતોથી આતંકવાદને ડામી શકાતો નથી, માત્ર વાતોથી કોમન મેનના હૈયા પર થયેલાં જખમો રુઝાતાં નથી. મોટી મોટી વાતોથી આમ આદમીના બેંક ખાતામાં પંદર લાખ રૃપિયા જમા થતા નથી.
બનારસ હિન્દુ યુનિવર્સિટી જેવી ઘટનાઓ સૂચવે છેે કે ધીમે ધીમે, નરી આંખે ન દેખાય એવી અરાજકતા પ્રસરવા માંડી છે. આમ આદમીનો અજંપો વધી રહ્યો છે. આમ આદમીની સમસ્યાનું નિવારણ સંતોષજનક રીતે ન થાય ત્યારે તોળાઇ રહેલી ચૂંટણી શાસક પક્ષે યાદ રાખવી જોઇએ.
આત્મવિશ્વાસનો અતિરેક તો ૧૯૭૭ની ચૂંટણી વખતે સમર્થ નેતા ઇંદિરા ગાંધીને પણ ભારે પડયો હતો. એ હકીકત ભૂલવા જેવી નથી. સરકારી તંત્ર પોતાની પ્રશંસા કરતા ગુણગાન ગાવામાંથી ઊંચું આવતું નથી. કોમન મેનની સમસ્યાઓે લોહીના પ્રત્યેક ટીપામાંથી પેદા થતા નવા રક્તબીજ રાક્ષસની જેમ વધતી જાય છે. દાઝ્યા પર ડામ જેવી સ્થિતિ લાંબે ગાળે શાસક પક્ષને ભારે પડવાની છે.
૨૦૧૪-૧૫માં તમે આપેલાં કેટલાં વચનોનું છેલ્લાં ત્રણ વર્ષમાં પાલન થયું છે ? તમારી ખાતાવહી તમે જાતે ચકાસો. યશવંત સિંહા જેવા તો તમારી સમક્ષ આયનો ધરે છે. આયનો માણસના અસલી ચહેરાનું પ્રતિબિંબ રજૂ કરે છે. એ પ્રતિબિંબ તમને બિહામણું લાગતું હોય તો ચહેરાની પ્લાસ્ટિક સર્જરી કરાવો. કોમન મેન સુધી પહોંચો અને તેની ભીતર રહેલા મતદારને ઢંઢોળો. કદાચ તમને દિશાસૂચન મળી જાય. અત્યારે તો અમાસની કાજળઘેરી રાત જેવું દ્રશ્ય અંધકારમય જણાય છે. કલ કી કિસ કો ખબર...!
Comments
Post a Comment