ટોપ્સીટર્વી - અજિત પોપટ
બજરંગી ભાઇજાનમાં ટીવી રિપોર્ટરનો રોલ કર્યા પછી ટોચના કલાકારોમાં ગણાતા થઇ ગયેલા અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી સામેે તાજેતરમાં પોલીસ કેસ થયો. એ જ્યાં રહે છે એ સોસાયટીની એક મહિલાએ પોલીસને કહ્યું કે નવાઝે કમ્પાઉન્ડમાં આડેધડ કાર પાર્ક કરતાં મેં એને રોક્યો. એટલે એણે મને ગાળગલોચ કરી. લગભગ એવુંજ ગયા સપ્તાહે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારની એક સોસાયટીમાં બન્યું. આ સોસાયટીમાં ચાલીસ ફ્લેટ છે.
એની સામે લગભગ એંસી ટુ વ્હીલર અને ૬૫ ફોર વ્હીલર્સ છે. એલોટેડ પાર્કિંગ નથી એટલે વહેલો તે પહેલો ધોરણે જે વાહનો સોસાયટીના કમ્પાઉન્ડમાં આવી જાય એને પાર્કિંગ મળે. બીજાને ન મળે. કેટલાંક વાહનો તો બારેમાસ કમ્પાઉન્ડમાં પડયા રહે કારણ કે રોજ એને કામધંધે લઇ જનારા બહુ ઓછા હોય.
થોડાં વરસો પહેલાં એક ટોચના સાહિત્યકારે લખેલું કે આખું ઇંગ્લેંડ ઊધારિયું છે. કંઇક એવીજ સ્થિતિ હવે ભારતીય સમાજની થઇ રહી હોય એવું લાગે છે.
વરસમાં દસ મોટા તહેવાર આવતાં હોય ત્યારે અખબારોમાં કલરફૂલ અને આકર્ષક જાહેર ખબર પ્રગટ થાય- હોળીના રંગોત્સવને ફલાણી બાઇક કે કાર સાથે વધુ રંગીન બનાવો...ફક્ત સો રૃપિયા ભરો અને બાઇક/ કાર લઇ જાઓ... વ્યાજના દર ઝીરો પરસેન્ટ... આવી લોભામણી જાહેરખબર વાંચીને જેને કારની ભાગ્યેજ જરૃર પડતી હોય એવા પરિવારો પણ કાર ખરીદવા આકર્ષાઇ જાય.
મોંઘવારીને પહોંચી વળવા પતિપત્ની બંને નોકરી કરતાં હોય તો સહેલાઇથી ટુ વ્હીલર કે ફોર વ્હીલરના હપ્તા ભરી શકે. વ્યાજના કહેવાતા ઝીરો દર ખરેખર કેટલા હોય છે એનો જુદો લેખ થઇ શકે. આ રીતે સહેલાઇથી ઊધાર મળતાં વાહનોને કારણે મુંબઇ, અમદાવાદ સહિત ગુજરાતનાં શહેરો, દિલ્હી, કોલકાતા, ચેન્નાઇ અને બેંગલોરમાં છેલ્લા થોડા સમયમાં ત્રણ વિ..રા..ટ સમસ્યાઓ સર્જાઇ ગઇ.
સમસ્યા નંબર એક. ધસારાના સમયે ચારે બાજુ ટ્રાફિક જામ. બધાંની પાછળ જાણે વાઘ પડયો હોય એમ સુપર ફાસ્ટ વેગે કાર કે ટુ વ્હીલર હંકારે. સિગ્નલ ગ્રીન થાય એ પહેલાં સંખ્યાબંધ વાહનો બહાર આવી ગયાં હોય.
ગુજરાતનાં શહેરોમાં તો એવી અંધાધૂંધી પ્રવર્તે છે કે ફેસબુક પર સુદ્ધાં એની ચર્ચા થઇ છે. રેલવે ફાટક પાસે તો બંને બાજુ વાહનોનો જમેલો થઇ જાય. ફાટક ખુલે એટલે બે નહીં, ચાર લાઇન ચાલુ થાય. કોઇ કોઇને જવા ન દે. આપણે ગુજરાતના કોઇ શહેરમાં છીએ કે લાલુ પ્રસાદના બિહારમાં એ સમજાય નહીં. આ થઇ સમસ્યા નંબર એક.
સમસ્યા નંબર બે, એક ટોચના ડૉક્ટરે કહ્યું એમ પેલી પરીકથાની જેમ દિવસે ન વધે એટલું પ્રદૂષણ રાત્રે વધે છે. પ્રદૂષણને ખાળનારાં કુદરતી પરિબળ એવાં વૃક્ષોની સામૂહિક હત્યા થઇ ચૂકી છે. એક નાનકડો દાખલો લઇએ તો અમદાવાદના પ્રતિષ્ઠિત આશ્રમ રોડ પર કે સી જી રોડ પર ક્યાંય એક હરિયાળું ઘટાદાર વૃક્ષ ગોત્યું જડતું નથી.
ચાર પાંચ દિવસ પછી મંદિરોમાં તુલસીવિવાહ યોજાશે. તુલસી, આસોપાલવ,લીમડો અને પીપળા જેવાં વૃક્ષો સાવ મફત ઓક્સિજન પૂરો પાડે છે. પરંતુ આપણને જાણે પ્રાણવાયુની હવે જરૃર ન હોય એમ વૃક્ષોનું વિના વાંકે નિકંદન કાઢી રહ્યાં છીએ. પરિણામે કાયમી શરદી, ખાંસી, શ્વાસના રોગો વગેરે પગપેસારો કરી રહ્યા છે.
અને આપણને સૈાને લાગુ પડતી સમસ્યા નંબર ત્રણ. પાકિંર્ગ માટે ક્યાંય જગ્યા નથી. દેશનાં પાંચ મહાનગરોની કોઇ પણ સડક પર કે કોઇ પણ કોએાપરેટિવ સોસાયટીમાં કમ્પાઉન્ડમાં જઇને નજર કરો. મુંબઇના ભૂલેશ્વર કે અમદાવાદના માણેક ચોક વિસ્તારમાં હૈયે હૈયું દળાય એમ વાહનો બોનેટ ટુ બોનેટ ભીડ કરે છે.
ન સડક પર દોડાવવાની પૂરતી મોકળાશ ન સોસાયટીના કમ્પાઉન્ડમાં પાર્કિંગની સગવડ. સ્થાનિક વહીવટી તંત્ર બહુમજલી પાર્કિંગ ઊભું કરવાની વાતો કરે પરંતુ એ ક્યાંય જોવા મળે નહીં. આ પરિસ્થિતિ લાંબો સમય ચાલી શકે એમ નથી. ત્રણે ત્રણ સમસ્યા દિવસે દિવસે ગંભીર સ્વરૃપ પકડતી જાય છે. ન સરકારના પેટનું પાણી હાલે છે ન આપણને કોઇને ચિંતા છે.
આટલું ઓછું હોય એમ ટુ વ્હીલરચાલકો તો હવે કાનમાં હેડફોનના ભૂંગળા નાખીને નીકળે છે એટલે ગમે ત્યારે એક્સિડંટ થવાની પૂરેપૂરી શક્યતા. અને હા, લાંબે ગાળે કાનમાં સાંભળવાની ક્ષમતા નબળી પડવાની પણ પૂરેપૂરી શક્યતા. વાહનો ઊધાર મળે, ભવિષ્યમાં કદાચ પેટ્રોલ ડિઝલ પણ ઊધાર મળશે, તંદુરસ્તી દુનિયામાં ક્યાંય ઊધાર મળતી હોવાનું સાંભળ્યું નથી.
નક્કી આપણે સૌએ કરવાનું છે. આપણાં બાળકોનું ભાવિ આપણે કેવું ઘડવા માગીએ છીએ ? ભવિષ્યમાં એ યુવાન થાય ત્યારે આપણને કેવી રીતે મૂલવશે ? અત્યારેજ પરિવારો ભાંગી રહ્યાં છે અને વૃદ્ધાશ્રમો વધી રહ્યાં છે. દસ પંદર વર્ષ પછી પરિસ્થિતિ કેવી હશે એ વિચાર ધૂ્રજાવી દે એવો નથી લાગતો ? વિચારજો. વિચારવામાં કશું ગુમાવવાનું કે મેળવવાનું હોતું નથી. બેસ્ટ ઑફ લક ટુ યુ ઓલ...!
Comments
Post a Comment