મામકા: ચૈવ પાંડવા-સગાંવાદ તો દરેક પ્રવૃત્તિમાં હજારો વરસથી ચાલ્યો આવે છે

ટુ ધ પોઇન્ટ - અજિત પોપટ

નેશનલ એવોર્ડ વિજેતા અને વિવાદપ્રેમી અભિનેત્રી કંગના રનૌતે છેલ્લા કેટલાક મહિનાથી બોલિવૂડમાં પ્રવર્તતા સગાંવાદની ટીકા કરીને બિનજરૃરી વિવાદ છેડયો હતો. હિન્દુ નવા વર્ષના પહેલા મંગળવારે એ મુદ્દાની ચર્ચા કરવાની ઇચ્છા જાગી.

તાજેતરમાં ગયેલા નવા વરસે આપણે સગાં-સંબંધી-સ્નેહીઓને સાલ મુબારક કરેલા. એટલે આ મુદ્દો હાથવગો લાગ્યો. રાજકારણમાં પણ કોંગ્રેસના વંશવારસવાદની ચર્ચા સતત થતી રહી છે. આ લખનાર માને છે કે આપણા વડીલોએ ભલે એમ કહ્યું હોય કે પહેલો સગો પાડોશી. ખરા સગાં તો આપણા કુટુંબીજનોજ ગણાય.

આ વાત કંઇ આજની નથી. છેક મહાભારત કાળથી સગાંવાદ ચાલ્યો આવે છે. તમે યાદ કરો. કુરુક્ષેત્રમાં ૧૮ અક્ષૌહિણી સેના સામસામે ઊભી છે અને ભગવાને સંજયને દિવ્ય દ્રષ્ટિ આપીને ધૃતરાષ્ટ્રની સામે બેસાડી દીધો છે. પુત્રપ્રેમમાં અંધ એવા ધૃતરાષ્ટ્રનો પહેલોજ સવાલ આ રીતે શરૃ થાય છે- મામકા: ચૈવ પાંડવા, મારા પુત્રો અને પાંડવો... સૃષ્ટિનો પહેલો સગાવાદ કદાચ આ જ હતો.   

આમ જુઓ તો પિતાના પગલે પુત્ર ચાલે એ સ્વાભાવિક ગણાવું જોઇએ. ડૉક્ટરનો દીકરો ડૉક્ટર અને વકીલનો દીકરો વકીલ થાય એમાં નવાઇ ન લાગવી જોઇએ. એથી ઊલટું હોય તો વિચારવું પડે. માત્ર રાજકારણ નહીં, જીવનના તમામ ક્ષેત્રોમાં આ નિયમ વણલખ્યો અમલમાં મૂકાયેલો જોવા મળે છે. ફિલ્મ સૃષ્ટિમાં એ સ્વાભાવિક ક્રમ રહ્યો છે. પરંતુ ફિલ્મ સૃષ્ટિની વાત થોડી જુદી પડે છે. ટોચના તમામ કલાકારોના વંશવારસ એકસરખી કામિયાબી મેળવી શક્યા નથી. એમાં એકાદ બે અપવાદ છે.

રાજ કપૂર જેવી ઝળહળતી  સિદ્ધિ અને લોકપ્રિયતા એમના કોઇ પુત્ર પુત્રી મેળવી શક્યા નહીં. દેવ આનંદના પુત્રે તો રાજના પુત્રો જેટલીય સફળતા મેળવી નહીં. કેટલેક અંશે એવુંજ ધર્મેન્દ્ર અને જિતેન્દ્રના પુત્રો માટે કહી શકાય. આ બંનેની કારકિર્દી ૧૯૬૦ના દાયકામાં શરૃ થઇ. બંને પોતપોતાની રીતે ટોચના બની રહ્યા. પરંતુ એમના પુત્રો માટે એવું નહીં કહી શકાય.

લગભગ એવુંજ મિસ્ટર ભારત ઉર્ફે મનોજ કુમારના પુત્રોનું થયું. સૌથી વધુ આઘાત તો ગયા સપ્તાહે અમૃત મહોત્સવના અધિકારી બન્યા એવા મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના કિસ્સાનો લાગે. એમને જે સિદ્ધિ, સંપત્તિ અને લોકપ્રિયતા મળી એના એક હજારમા ભાગની પણ એમના પુત્રને મળી નથી.

જો કે ગીત સંગીતમાં જુદી રીતે વાત આગળ વધી.જાં નિસાર અખ્તર કરતાં જાવેદ અખ્તરને વધુ યશ મળ્યો. અંજાન કરતાં એમના પુત્ર સમીરને વધુ યશ અને નાણાં મળ્યાં. સંગીતમાં બે નામ જરૃર લેવાં પડે. એસ. ડી. બર્મન અને આર.ડી બર્મન- આ બંનેમાં કોને ચડિયાતા ગણવા એ મીઠી મૂંઝવણનો વિષય થઇ પડે. સરદાર મલિક કરતાં અનુ મલિકને વધુ યશ અને નાણાં મળ્યાં. એવું અનિલ વિશ્વાસ કે ચિત્રગુપ્તના સંતાનો માટે કહી શકાય નહીં.

બેઉ બળિયા બાથે વળગ્યા પંક્તિ માત્ર લતાજી અને આશાજીને લાગુ પાડી શકાય. બંને બહેનો પ્લેબેક સિંગિંગની પોતપોતાની રીતે સામ્રાજ્ઞાી બની રહી. એવું મુહમ્મદ રફી, કિશોર કુમાર,તલત મહેમૂદ કે મૂકેશનાં સંતાનો માટે નહીં કહી શકાય. ફિલ્મ સર્જકો રામાનંદ સાગર અને બી આર ચોપરા કે યશ ચોપરાના સંતાનો પોતપોતાની રીતે આગળ છે.

બોલિવૂડની બરાબરી કરી શકે એવું એક માત્ર ક્ષેત્ર પોલિટિક્સ છે એમ કહીએ તો ચાલે. ગાંધી પરિવાર, યાદવ પરિવાર, લાલુ પરિવાર, સિંધિયા પરિવાર, પવાર પરિવાર.... હજુ બીજાં કેટલાંક નામો ઉમેરી શકાય. પોલિટિક્સમાં તો દરેક નેતા એમજ માને છે કે મારા કરતાં મારાં સંતાનો વધુ કૌભાંડકારી બનવા જોઇએ. આમેય બાપ કરતાં બેટા સવાયા એવું કંઇ અમસ્તું કહેવાયું છે !

આમાં અપવાદ રૃપ માત્ર એક મહાત્મા ગાંધીના વારસો રહ્યા. સત્તાકારણથી એ મોટે ભાગે દૂર રહ્યા. ડૉક્ટર અબ્દુલ કલામ અપરિણીત અને હાલના વડા પ્રધાનની છતે લગ્ને અપરિણીત જેવા એટલે એમનાં સંતાનોનો સવાલ રહેતો નથી. પરંતુ અપવાદના નિયમ બની શકે નહીં. એટલે અપવાદ રૃપ કિસ્સાને બાજુ પર રાખીએ.

અન્ય ક્ષેત્રોમાં પણ ભારોભાર સગાંવાદ જોવા મળે. આપણે કંઇ યાદી બનાવવી નથી પરંતુ ભલભલા જજોને ધૂ્રજાવતા ધારાશાસ્ત્રી રામ જેઠમલાનીના સંતાનો પણ કાયદાના ખાં છે. ટોચના ડૉક્ટરોના સંતાનો પણ પિતાને માર્ગે ટોચના તબીબો બનવા તરફ ગતિ કરી રહ્યા છે.

એક ક્ષેત્ર એવું છે જ્યાં આ વાત ખરા અર્થમાં અપવાદ બની શકે એવી છે. રામાયણ-ભાગવત કે ભગવદ્ ગીતાના કથાકારોમાં આ વાત સહેલાઇથી લાગુ પાડી શકાય એવું નથી. એ એક બાબતમાં એવી રમૂજ કરી શકાય કે આ કથાકારો અજેય છે. બાકી આશારમના પુત્રના પરાક્રમો તો દુનિયાભરનાં મિડિયામાં ચમકી ચૂક્યા છે.

અંગ્રેજી ભાષામાં એક લોકોક્તિ છે જેનો સાર એવો છે કે પાણી કરતાં રક્ત વધુ ઘટ્ટ હોય છે. બીજા શબ્દોમાં એમ કહીએ કે સગાંવાદ તો હજારો વર્ષથી ચાલ્યો આવે છે. એનાં મૂળ પાતાળમાં એટલાં ઊંડાં ઊતરી ગયાં છે કે એને નિર્મૂળ કરવાની વાતો કરનારા પોતે નિર્મૂળ થઇ ગયા છે. બોલો, સિયાવર રામચંદ્ર કી ...જય !

Comments