શિક્ષણ અને સંગીત બંનેમાં હાઇલી ક્વોલિફાઇડ વ્યક્તિ કદાચ આ એક જ મળી આવે...

સિનેમેજિક - અજિત પોપટ
20 ઓક્ટોબર 2017

'ભાઇ, તમે શું કરો છો, એ સમજો છો ? યાદ રાખજો, એની પસંદગી પ્રમાણે તમે એને આગળ વધવા દેશો તો આ છોકરો ગિરગામ ચોપાટી પર ચણા વેચતો દેખાશે... આપણે કચ્છી માડુ એટલે વેપારી માણસ. તમે પોતે સફળ અને સુખી વેપારી છો.

છોકરો તો નાદાન છે, પણ તમે તો સમજુ છો ને ! એને ગાંડોઘેલો નિર્ણય લેતાં રોકતાં કેમ નથી ?' એક નિકટના સગા કહી રહ્યા હતા. વાત છે લગભગ પંચોતેર-એંસી વર્ષ પહેલાંની. મુંબઇના એેક સુખી કચ્છી ભાટિયા પરિવારમાં બે સજ્જનો સામસામે બેસીને ખુલ્લા દિલે વાત કરી રહ્યા હતા. સફળ વેપારી એવા એેક સજ્જને પોતાના પુત્રને સંગીતની દુનિયામાં આગળ વધવાની પરવાનગી આપી છે એવી માહિતી મળતાં સગાંસંબંધી મળવા આવ્યા હતા.

જો કે સગાંની ચિંતા વાજબી પણ હતી. એ સમય એવો હતો જ્યારે સારા ઘરનાં દીકરા-દીકરીને સંગીત, નાટક કે સિનેમાના નામમાત્રથી દૂર રાખવામાં આવતાં હતાં. અલબત્ત, આમ જુઓ તો કચ્છી ભાટિયા પરિવારો સંગીતની જબરી સૂઝ ધરાવતા રહ્યા છે. પંડિત ઓમકારનાથ ઠાકુર તો મુંબઇમાં એવા એક કચ્છી ભાટિયા પરિવારને ત્યાંજ ઊતરતા.

ઠાકરસી ગુ્રપ, મોરારજી ગુ્રપ, મર્ચંટ ગુ્રપ (લિજેંડરી ક્રિકેટર વિજય મર્ચંટના વડીલો)- આ બધાનાં નામના બજારમાં સિક્કા પડતા હતા. એટલે પોતાના સમાજ-જ્ઞાાતિનો કોઇ યુવાન સંગીતક્ષેત્રમાં ઝંપલાવી રહ્યો છે એ વાતે વડીલો ચિંતા કરે એ સમજી શકાય એવી વાત હતી. પરંતુ અહીં તો ભીષ્મ પ્રતિજ્ઞાા જેવી સ્થિતિ હતી.

પુત્રને સંગીતની દુનિયામાં આગળ વધવાની પરવાનગી આપનારા પિતા અને પુત્ર બંને મક્કમ હતા. જો કે જ્ઞાાતિજનો અને સગાં-સંબંધીઓની સલાહને ધ્યાનમાં રાખીને પિતાએ એક શરત રાખી હતી: ભલે ત્યારે, છ મહિના માટે તું પરદેશ જા, ત્યાં પાશ્ચાત્ય શાસ્ત્રીય સંગીત શીખ. મને વાંધો નથી, પરંતુ છ મહિનામાં તને આગળ વધવાની સ્કોલરશીપ ન મળે તો તારે પાછા આવી જઇને મારા બિઝનેસમાં સાથ આપવાનો.

ડન, પુત્રે કહ્યું. એ લંડન ગયો અને રૉયલ સ્કૂલ ઑફ મ્યુઝિકમાં ઝળહળતા માર્કસ્ સાથે, ખરેખર તો ડિસ્ટીંક્શન સાથે ગ્રેજ્યુએટ થયો. પ્રતિષ્ઠિત રૉકફેલર સ્કોલરશીપ સહિત બીજી પણ બે ત્રણ સ્કોલરશીપ મળી.  સંગીત તો એવી કલા છે કે એકવાર તમે સ્વરોના મહાસાગરમાં ઝંપલાવો પછી બહાર નીકળવાની ઇચ્છા ન રહે.

લંડનથી એ ફ્રાન્સની રાજધાની પેરિસ ગયો અને પેરિસ કન્ઝર્વેટરીમાં પાશ્ચાત્ય સંગીતનો વધુ ગહન અભ્યાસ કર્યો. એ પોતાના અભ્યાસમાં એવો તો કાબેલ નીવડયો કે પેરિસના અધ્યાપકે ભારતના પાટનગર નવી દિલ્હીમાં દિલ્હી યુનિવર્સિટીમાં વેસ્ટર્ન મ્યુઝિકોલોજી વિભાગના રીડર તરીકે આ કચ્છી યુવાનની ભલામણ કરી. પોતાના પ્રોફેસરનું માન રાખવા આ યુવાને થોડો સમય યુનિવર્સિટીમાં કામ કર્યું. પરંતુ એનો માંહ્યલો એને ટોક્યા કરે, શું કરે છે તું અહીંયા ? તારું કામ સર્જન કરવાનું છે. યુ આર અ ક્રિયેટર. ભાગ અહીંથી...

એમ તો મુંબઇના હ્યુજિસ રોડ પર આવેલી ન્યૂ એરા સ્કૂલમાં કુલકર્ણી અટક ધરાવતા અને બાળકોને ભારતીય સંગીત તરફ આકર્ષતા એક સંગીત શિક્ષક કને એ ભારતીય સંગીત પણ શીખ્યો હતો. વિવિધ રાગ-રાગિણીથી પરિચિત હતો. પરંતુ પહેલેથી એનો ઝુકાવ પાશ્ચાત્ય સંગીત તરફનો રહેલો.

એમાં એક ઘટના નિમિત્ત બની. ૧૯૪૨માં રંગૂન પર બોમ્બમારો થતાં કેટલાક ચીની નાગરિકો ભારતમાં દોડી આવ્યા. એવી એક ચીની મહિલા નામે યેહો પિયાનો પર પાશ્ચાત્ય સંગીતકાર જોહાન સ્ટ્રોસની એક મેલોડી 'ધ બ્લુ ડેન્યુબ' વગાડતી. એ સાંભળીને આ કચ્છી ટીનેજર પાશ્ચાત્ય શાસ્ત્રીય સંગીત તરફ આકર્ષાયો હતો. એણે પિયાનોના લેસન્સ લેવા માંડયા હતા. આમ એનામાં ભારતીય અને પાશ્ચાત્ય બંને સંગીતની સૂઝ સમજ હતી. મૂળ વાત પર પાછા ફરીએ.     

માન મોભો આપતી અને નિરાંતે પગાર ખાઇ શકાય એવી દિલ્હી યુનિવર્સિટીની નોકરીને એણે તિલાંજલિ આપી. બોલિવૂડમાં સંઘર્ષ કરવા મુંબઇ દોડી આવ્યો. મુંબઇમાં તો ધુરંધરો મોજુદ હતા. ફિલ્મ સંગીતનો સુવર્ણ યુગ ચાલી રહ્યો હતો. કોઇ જાનપહેચાન વગર એમ કંઇ ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ મળે ? એમાંય આ ભાઇ તો પાછા ખુદ્દાર. સુખી વેપારી પરિવારના નબીરા.

માત્ર સંગીત નહીં, મુંબઇમાં ફ્લોરા ફાઉન્ટન પર કાલા ઘોડાની બાજુમાં આવેલી એલફિન્સ્ટન કૉલેજમાં એમ.એેે. વીથ ઇંગ્લીશ લિટરેચરની ડિગ્રી મેળવી હતી. વિશ્વ સાહિત્યનો ઊંડો અભ્યાસ કરેલો. એ કંઇ કોઇની પાસે કામ માગવા જાય ?
(ક્રમશ:)

Comments