ટોપ્સીટર્વી - અજિત પોપટ
દિવાળીની પૂર્વસંધ્યાએ આજે કાળી ચૌદશ છે. એને નરક ચતુર્દશી પણ કહે છે. આવું વાંચી કે સાંભળીને થોડું વિસ્મય અનુભવાય છે. હિન્દુ પંચાંગ પ્રમાણે વરસમાં ચોવીસ ચૌદશ આવે- બાર શુક્લ (સુદ) પક્ષમાં અને બાર કૃષ્ણ (વદ) પક્ષમાં. એક્કે ચૌદશને કાળી કે નરક ચૌદશ કહેતાં નથી.
આસો વિદ ચૌદશને આવો સિરપાવ શા માટે ? પુરાણ કથાઓને બાજુ પર રાખીએ. આજે ૯૫ ટકા ગૃહિણીઓ સંધ્યાકાળે મગની દાળના વડા ચાર રસ્તાની ચોકડી પર મૂકીને કે હનુમાનજીને તેલની પળી સાથે વડાં ધરાવીને કકળાટને વિદાય આપ્યાનો એક પ્રકારનો સંતોષ અનુભવશે. પરંપરા પાછળ જરૃર કોઇ નિમિત્ત કે કારણ હશે.
પરંતુ આજના ઇન્ટરનેટ અને સોશ્યલ મિડિયાના યુગમાં ટીનેજર્સને આ વાતો શી રીતે ગળે ઊતરે ? મસાણી તંત્ર સાધના વગેરે વાતો તો ઠીક જાણે સમજાઇ જાય. કોઇ સાત્ત્વિક સાધના કરે અને કોઇ તામસી સાધના કરે.
જેવાં જેનાં રસ-રુચિ. કપાળે કપાળે જુદી જુદી મતિ. ક્લેશ કંકાસની વાત કંઇકેય ગળે ઊતરે. ત્રણસો પાંસઠ દિવસમાં એકાદ દિવસ તો ઘરમાં વાસણ ખખડે. એ બહુ સ્વાભાવિક છે. આધુનિક મનોવિજ્ઞાાન કહે છે કે કોઇ વ્યક્તિનો અહંકાર વિરાટ સ્વરૃપનો હોય અને કોઇનો અહંકાર રજકણ જેવો હોય.
બે અહં ટકરાય ત્યારે ક્લેશ થાય. ઘરમાં દેરાણી જેઠાણી કે સાસુ-વહુનો અહં ટકરાય ત્યારે ક્લેશ થાય. પિતા પુત્રનો અહં ટકરાય ત્યારે પણ સહેજ ખખડાટ થાય. ક્લેશ અન્ય પ્રકારનો પણ હોય. પાડોશીના ઘરમાં કંઇક નવું આવે ત્યારે માનવસહજ ઇર્ષા અદેખાઇના કારણે પણ કોઇને માનસિક સંતાપ થાય. બીજાની પ્રગતિ ન જોઇ શકનારાને બારે માસ માનસિક ક્લેશ હોય છે.
મંત્ર-તંત્ર સાધકો માટે આસો વદ ચૌદશનો મહિમા વિશિષ્ટ હોય છે એવું કહેવાય છે. સાધક કઠણ કાળજાનો હોય તો એની સાધના પણ આકરી હોવાની. સાધક થોડો ભીરુ હોય તો એની સાધના થોડી હળવી હોવાની.
સાધનાનાય પાછા કેટલા બધા પ્રકાર છે ! શબ્દ સાધના (જેમાં યંત્ર, તંત્ર અને મંત્ર બધું આવી જાય), સ્વર સાધના (એમાં સંગીત ઉપરાંત યોગની સ્વરોદય સાધના પણ આવે), અધ્યાત્મ સાધના, જે તે કલાની કે વ્યવસાયનું નૈપુણ્ય મેળવવાની સાધના... આવા અનેક પ્રકારો સાધનાના છે. જેને જે સાધના કરવી હોય તે કરે. પરંતુ આસો વદ ચૌદશની સાથે કોણ જાણે કયાં કારણે મેલી સાધના શબ્દ વણાઇ ગયો છે !
મૂળ સંસ્કૃત સાધ્ ધાતુ પરથી સાધના શબ્દ આવ્યો છે. સાધ્ એટલે કંઇક મેળવવું. એ મેળવવાનો પુરુષાર્થ, તપ, ઉપાસના, સેવા કે કાર્યક્રિયા એટલે સાધના. પુરાણકાળની કથાઓનો સાર તો ઘણીવાર એવો નીકળે કે અસુરો સતત સાધના તપ કરતાં રહે. કૈલાસવાસી શિવ પ્રસન્ન થાય એટલે મનવાંછિત ફળ માગી લે.
પછી ચોમેર ત્રાસ વર્તાવે એટલે માતા મહાકાલીએ હાજર થઇને આસુરી વૃત્તિને ડામવી પડે. કોઇ અસુર તપ કરે એટલે સૌ પ્રથમ દેવરાજ ઇન્દ્રનું બ્લડ પ્રેસર વધી જાય કે આ મારું સ્થાન તો ખૂંચવી નહીં લે ને ? એટલે તપોભંગ કરવાના પ્રયાસો કરે. એમાં કોઇ હઠીલો સાધક ટકી જાય તો મનગમતું વરદાન મેળવવામાં સફળ થઇ જાય.
ક્યારેક વિચાર આવે કે ચાર માર્ગની વચ્ચોવચ મૂકાતાં મગની દાળના વડાં ભેગાં કરીને કોઇ અનાથાશ્રમ કે બાળ સુધાર ગૃહમાં મોકલી ન શકાય ? કેટલાં બધાં જરૃરતમંદ લોકેાને મનભાવતી વાનગીની મોજ દિવાળીની પૂર્વસંધ્યાએ માણવાની તક મળે ? ગુજરાતમાં ઘણાં સ્થળે શિવાલયમાં શિવજીને અર્પણ કરાતું દૂધ આ રીતે અગાઉ જરૃરતમંદ બાળકોને અપાયાના દાખલા નોંધાયા છે.
આગુ સે ચલવી આતી હૈ એમ માનીને અવિચારીપણે પરંપરાને અનુસરવાને બદલે પ્રણાલિભંજક બનીને નવી કેડી કંડારીએ તો કેમ ? એવો વિચાર પણ આવતો રહ્યો છે. આ વિચાર સાથે સામ્ય ધરાવનારા અનેક લોકો છે. ઇશાવાસ્ય ઉપનિષદ્માં સરસ કહ્યું છે,
તેન ત્યક્તેન ભુંજિથા: ત્યાગીને ભોગવી જાણો. આ વિચાર માત્ર ઉપનિષદનો છે એવુંય નથી. ગુરુ ગ્રંથસાહેબ, કુર્રાને શરીફ અને બાઇબલ( ઓલ્ડ એન્ડ ન્યૂ ટેસ્ટામેન્ટ બંને )માં પણ આ વાત જુદા શબ્દોમાં રજૂ થઇ છે. પહેલ કરનારની જરૃર હોય છે. આજના સંદર્ભમાં પરંપરાનો મર્મ સમજીને આવી પહેલ કરનાર કોઇ છે કે ?
હાલના વડા પ્રધાન ઘણી પરંપરાનું ખંડન કરવા માટે પંકાયેલા છે. આપણામાંથી કોઇ એવો વીરલો નીકળી આવે તો આ દિવાળીના દીપકોનું તેજ અનેરો પ્રકાશ પાથરશે એમાં કોઇ શંકા નથી.
Comments
Post a Comment