ટુ ધ પોઇન્ટ - અજિત પોપટ
તપશ્ચર્યા, સાધના, અભ્યાસ, અનુશીલન... જે શબ્દ કહો તે. દિવાળી નજીક આવે અને ઘરમાં સાફસૂફી કરવાનું શરૃ થાય ત્યારે અનાયાસે કહો કે અચાનક, ખ્યાલ આવે કે કેવો અમૂલ્ય ખજાનો એકવાર વંચાઇ ગયા પછી બારેમાંસ ધૂળ ખાતો કબાટમાં પડયો છે !
સંતુર સમ્રાટ પંડિત શિવકુમાર શર્માન ઓટોગ્રાફ સાથેની એમની આત્મકથા 'અ જર્ની વીથ હન્ડ્રેડ સ્ટ્રીંગ્ઝ', મૈહર ઘરાનાના ભીષ્મપિતામહ ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાન અને એમના અલૌકિક આભા ધરાવતાં પુત્રી અન્નપૂર્ણા દેવી વિશેનું ડૉક્ટર સુનીલ શાસ્ત્રીએ લખેલું 'સૂરોપનિષદ', એચએમવીમાં દાયકાઓ સુધી સાઉન્ડ એંજિનિયરની ફરજ બજાવ્યા બાદ બડે બડે ઉસ્તાદોનાં સંભારણાં લખનારા જી. એન. જોશીનું ડાઉન મેલોડી લેન,
ડૉક્ટર પ્રદીપકુમાર દીક્ષિતનું પંડિત ઓમકારનાથજીના જીવન વિશેનું પુસ્તક પંડિત ઓમકારનાથ ઠાકુર, હાથરસના સંગીત કાર્યાલયે પ્રગટ કરેલું દળદાર પુસ્તક હમારે સંગીત રત્ન, પ્રવીણ પ્રકાશનનું ભારતીય સંગીતકારો, સપ્તકના સ્થાપક પંડિત નંદન મહેતા અને મંજુ મહેતાની તપસ્યાને વર્ણવતું પુસ્તક બનારસ ઇન અમદાવાદ, પ્રોફેસર અભ્યંકરે લખેલી પંડિત ભીમસેન જોશીની જીવનકથા સ્વરભાસ્કર, વામનરાવ દેશપાંડેનું ઘરાનેદાર ગાયકી...ઉપરાંત ફિલ્મ સંગીતના ધુરંધરોની જીવનકથા, આત્મકથા તો અલગ !
ભારતીય સંગીત વિશેનાં કેટલાંક પુસ્તકો ટોચના નવલકથાકારોને ટક્કર મારે એવી રસપ્રદ શૈલીમાં લખાયેલાં હોય છે. કેટલાંક પુસ્તકોમાં છબરડા હોય છે. એ વિશે ફરી ક્યારેક વાત. તાજેતરમાં એવાં બે આગવાં પુસ્તકો અચાનક મળ્યાં. ભારતીય સંગીતની ખ્યાલ ગાયન શૈલીમાં આમૂલ પરિવર્તન સર્જનારા યુગસર્જક ઉસ્તાદ અમીરખાં વિશે એમના જ બે શિષ્યોએ લખેલાં પુસ્તકો છે.
આમ આદમી માટે વાત કરીએ તો ઉસ્તાદ અમીરખાં એટલે 'દયા કરો હે ગિરિધર ગોપાલ..' (ફિલ્મ શબાબ, રાગ મૂલતાની), 'ઘનન ઘનન ઘન બરસો રે' (ફિલ્મ બૈજુ બાવરા, રાગ મેઘ), 'ઝનક ઝનક પાયલ બાજે' (એજ નામની ફિલ્મ, રાગ અડાણા)...ના ગાયક ઉપરાંત ફિલ્મ બૈેજુ બાવરામાં તાનસેન તરીકે અને વિજય ભટ્ટની ગૂંજ ઊઠી શહનાઇમાં હીરો રાજેન્દ્રકુમારના ગુરુ અભિનેતા ઉલ્લાસ માટે કંઠ ઊછીનો આપનારા કલાકાર !
સ્થળસંકોચ છતાં અહીં એક આડવાત કરવી છે. પાર્શ્વગાયિકા કવિતા કૃષ્ણમૂર્તિએ ઉસ્તાદ અમીરખાંનો મદ્રાસ રેડિયો પર એક ઇન્ટરવ્યૂ લીધો હતો. કવિતાએ પૂછ્યું, 'શાસ્ત્રીય સંગીતના ટોચના કલાકારો ફિલ્મસંગીતને હલકું ગણે છે.
બીજી બાજુ તમે તો ફિલ્મોમાં છૂટથી ગાઓ છો. એવું કેમ ?' ઉસ્તાદજી હસી પડયા. બહુત અચ્છા સવાલ પૂછા હૈ બિટિયા... એમ કહીને ખુલાસો કર્યો- 'અમે વરસો સુધી તપસ્યા કરીને ગવૈયા બન્યા છીએ. દુનિયાભરમાં અમારી વાહ્ વાહ્ થાય છે.
છતાં ઘણીવાર, રિપિટ ઘણીવાર પોણોથી એક કલાક ગાવા પછી પણ અમે જે તે રાગની હવા સર્જી શકતા નથી. બીજી બાજુ આ ફિલ્મ સંગીતકારો અઢી ત્રણ કે સાડા ત્રણ મિનિટમાં આખોય રાગ તમારી સમક્ષ ઊભો કરી દે છે. ક્યા બાત હૈ... પછી ઉસ્તાદજીએ દાખલો આપતાં ઉમેર્યું, કર્ણાટક સંગીતનો એક રાગ ચારુકેશી મને ગમ્યો એટલે હું એને નોર્થમાં લઇ આવ્યો.
તમારા ફિલ્મ સંગીતકાર શંકર જયકિસને રામાનંદ સાગરની આરઝૂ ફિલ્મમાં લતાજી પાસે એક ગીતમાં માત્ર ત્રણ મિનિટમાં આ રાગને દુનિયા આખીમાં જાણીતો કરી નાખ્યો- 'બેદર્દી બાલમા તુઝ કો મેરા મન યાદ કરતા હૈ...' ફિલ્મ સંગીતમાં આ તાકાત છે, એક જાદુ છે. એના દ્વારા પણ શાસ્ત્રીય સંગીતનું જતન, પોષણ અને પ્રચાર થાય છે એવું મને લાગે છે માટે હું ફિલ્મોમાં ગાતો રહ્યો છું...'
વાત ઉસ્તાદ અમીરખાં વિશેના બે પુસ્તકોની છે. એક પુસ્તક હિન્દી ભાષામાં 'ઇંદોર કે મસીહા' પંડિત અમરનાથે રચ્યું છે. પંડિત અમરનાથ પાટનગર નવી દિલ્હીમાં આકાશવાણી પર અધિકારી તરીકે કામ કરતા હતા.
બીજું પુસ્તક પંડિત તેજપાલ સિંઘ નામના શીખ ગાયકનું છે. રાજકોટના એક વડીલે તાજેતરમાં ઝેરોક્સ કરાવીને મોકલ્યું કારણ કે બજારમાં ઉપલબ્ધ નથી. પંડિત અમરનાથ અને પંડિત તેજપાલ સિંઘ બંને અમીરખાંના શિષ્યો છે.
બંનેએ વરસો સુધી ગુરુ સાથે સ્વર સાધના કરી છે. બંને પુસ્તકો પેાતપોતાની રીતે અનોખાં છે. એક પુસ્તકમાં હિમાલયના હિમશિખરો પરથી ધડધડાટ ધસી આવતી ભાગીરથી જેવી શૈલી છે તો બીજામાં ઉત્તર ભારતના મેદાનોમાં વહેતી ધીરગંભીર પ્રગલ્ભા-પ્રૌઢા ગંગા જેવી શૈલી છે. બંનેની કથનશૈલી સંગીત રસિકને જકડી રાખે એવી છે.
તેજપાલ સિંઘે થોડા આગળ વધીને સંગીતના વિદ્યાર્થીને ઉપયોગી થઇ પડે એ રીતે મેરુખંડ (સરગમના પ્રકારો)નું રહસ્ય પ્રગટ કર્યું છે અને ઉસ્તાદજીએ ગાયેલી કેટલીક યાદગાર બંદિશોની સ્વરલિપિ પણ આપી છે. આ પુસ્તકો વિશે વધુ રસપ્રદ વાતો ભવિષ્યમાં ક્યારેક.
Comments
Post a Comment