અલવિદા, જી એસ કોહલી અલવિદા...

સિનેમેજિક - અજિત પોપટ
13 ઓક્ટોબર 2017

ફિલ્મ સંગીતના સુવર્ણયુગનો ઇતિહાસ લખાય ત્યારે બી સી ગ્રેડના સંગીતકારોનાં હિટ ગીતોને પણ યાદ કરવા પડશે

૧૯૪૭ના ઑગષ્ટની ૧૪મીએ મધરાતે દેશને રાજકીય આઝાદી મળી.  નવું પ્રભાત ઊગ્યું. સૂર્યનાં નૂતન કિરણોની સાથોસાથ માનવજીવનનાં વિવિધ ક્ષેત્રમાં નવી નવી પ્રતિભાઓનો ઉદય થયો. ફિલ્મ સૃષ્ટિમાં પણ નવી પ્રતિભાઓ દરેક કાર્યશાખામાં પ્રગટી. ઝંડે ખાન અને ખેમચંદ પ્રકાશના હાથ નીચે તૈયાર થયેલા નૌશાદ સ્વતંત્ર સંગીતકાર થયા.

આગ બનાવતી વખતે રાજ કપૂરે રામ ગાંગુલી સાથે કામ કરતા બે યુવાન- શંકર રઘુવંશી અને જયકિસન પંચાલની પ્રતિભા પારખીને એમને સ્વતંત્ર તક આપી. હેમંત કુમાર સાથે કામ કરીને રવિ અને કલ્યાણજી વીરજી શાહ સ્વતંત્ર સંગીતકાર બન્યા. એસ ડી બર્મન સાથે કામ કરતાં કરતાં જયદેવની પ્રતિભા પ્રગટ થઇ. લક્ષ્મીકાંત પ્યારેલાલે કલ્યાણજી આણંદજીના સહાયક તરીકે કામ કર્યું.

કારકિર્દીના મધ્યાહ્ન કાળે ટોચના બનેલા લગભગ દરેક સંગીતકારે કોઇ ને કોઇ સંગીતકાર સાથે કામ કર્યું. પોતાને  તક મળી ત્યારે સ્વતંત્ર કામગીરી શરૃ કરી. કેટલાક સફળતાના શિખરે પહોંચ્યા, કેટલાક વચ્ચેથી હાંફી ગયા.  

ગુલામ મુહમ્મદ નૌશાદના સહાયક હતા. દત્તા ડાવજેકરે સી રામચંદ્ર સાથે કામ કર્યું તો જી એસ કોહલીએ ઓ પી નય્યર સાથે કામ કર્યું. ટોચના સંગીતકારોની સાથોસાથ પછીની પેઢીના સંગીતકારો પણ તૈયાર થતા રહ્યા. ઉષા ખન્ના, એસ એન ત્રિપાઠી, ચિત્રગુપ્ત, હંસરાજ બહલ, રામ લક્ષ્મણ, ઇસ્માઇલ દરબાર, સોનીક ઓમી... આ યાદી ઘણી લાંબી થઇ શકે.

અંગ્રેજી ભાષામાં એક વિશિષ્ટ વાક્ય પ્રયોગ છે- 'ધે ઓલ્સો રેન...' મુખ્ય વિજેતાઓ સાથે સ્પર્ધામાં આ લોકો પણ દોડયા... ફિલ્મ સંગીતની વાત કરતી વખતે આ વાક્ય પ્રયોગ કામમાં નહીં આવે. એનું કારણ સમજવા જેવું છે. અંગ્રેજી વાક્ય પ્રયોગમાં એક ગૂઢાર્થ છે.

વિજેતાઓ સાથે આ લોકો પણ દોડયા એનેા અર્થ એ કે આ લોકો દોડયા ખરા પરંતુ વિજેતા ન બની શક્યા. ફિલ્મ સંગીતમાં જે લોકો એ લિસ્ટના સંગીતકારો ન બની શક્યા એમાંના કોઇ પરાજિત નહોતા. પુરુષાર્થ અને પ્રતિભા બંને દ્રષ્ટિએ આ લોકો પણ અવ્વલ દરજ્જાના સંગીતકાર હતા. એમની નબળાઇ એ હતી કે એમને નસીબનો સાથ ન મળ્યો.

આવા કેટલાક સંગીતકારો વિશે આપણે છેલ્લા થોડા મહિનાથી વાત કરી રહ્યા છીએ. આવા હજુ કેટલાક સંગીતકારો બાકી છે. આ લોકોની વાત કરવા પાછળનું કારણ એ નથી કે લેખકને ભૂતકાળ વાગોળ્યા કરવામાં આનંદ આવે છે.

સદ્ગત અભિનેતા ફિલ્મ સર્જક દેવ આનંદે આ લેખકને એક કરતાં વધુ વાર કહેલું કે ભૂતકાળને યાદ ન રાખો, ભવિષ્યની ચિંતા ન કરો. વર્તમાનમાં જીવો. બી આર ચોપરાના વક્ત ફિલ્મના ટાઇટલ ગીતના એેક ચરણને યાદ કરીએ તો 'જો ભી હૈ બસ યહી પલ હૈ...' દેવસાહેબની વાત સાચી હોવા છતાં એમાં સનાતન સત્ય નહોતું એમ આ લખનાર નમ્રપણે માને છે. એનું કારણ પણ સમજવા જેવું છે.

હાલ એક ટીવી ચેનલ પર લિટલ ચેમ્પ્સ નામનો સંગીતનો પ્રોગ્રામ ચાલે છે. એના એક એપિસોડમાં સલમાન ખાને એક ગાયક બાળકને પૂછેલું કે તારી  ઉંમર કેટલી છે ? અગિયાર વર્ષ પેલાએે જવાબ આપ્યો.

સલમાન ખાને નિર્ણાયકો સામે જોઇને કહ્યું કે કેવી કમાલની વાત છે... આ બાળકો પોતાના દાદાના સમયનાં ફિલ્મ ગીતો કેવા ઉમળકાથી ગાય છે... અગાઉ પણ આવું જુદી જુદી ચેનલો પર બનેલું જ્યારે સાવ કૂમળી વયનાં બાળકોએ પોતાના દાદા-દાદી કે નાના-નાનીના યુગનાં ગીતો ગાઇને પીઢ સંગીતકારો અને આશા ભોંસલે જેવી લિજેંડરી ગાયિકાની શાબાશી મેળવી હોય.

કહેવાનું તાત્પર્ય એ છે કે સંગીતકારે એ ગ્રેડની ફિલ્મો કરી હોય કે બી-સી યા ઝેડ ગ્રેડની, એનાં ગીતો યાદગાર બન્યાં હોય તો એની નોંધ લેવી પડે. ફિલ્મ સંગીતના સુવર્ણયુગનો  ઇતિહાસ લખાય ત્યારે બી સી ગ્રેડના સંગીતકારોનાં હિટ ગીતોને પણ યાદ કરવા પડશે.

અને હા, આપણા સૂફી કવિ મકરંદ દવેને યાદ કરીએ તો 'માણ્યું તેનું સ્મરણ કરવું એય છે એક લ્હાવો...' તાજેતરમાં રિશિ કપૂરે આર કે સ્ટુડિયોની આગ વખતે કહેલું કે સ્ટુડિયો તો અમે બીજો ઊભો કરી લઇશું. પરંતુ મારા પિતાનાં સ્મરણો અને સ્મૃતિ ચિહ્નો અમે ક્યાંથી લાવીશું ? અસલી બાત યહ હૈ...  વાત સો ટકા સાચી.

એટલેજ જી એસ કોહલીને વિદાય આપતી વખતે કહેવાનંુ કે ફિલ્મ સંગીતના સુવર્ણયુગ સાથે સંકળાયેલા હજુ થોડાક જવાંમર્દ સંગીતકારો બાકી છે.

હવે ઔર એક સંગીતકારની વાતનો આરંભ કરીશું. શક્ય છે, એમના પણ કેટલાંક ગીતો તમારા હૈયેથી હોઠે આવી જાય. ભલે ત્યારે, મળીએ આવતા શુક્રવારે.

Comments