'મૃત' મહિલાને ટ્વીન્સ જન્મ્યાં...!

ટોપ્સીટર્વી - અજિત પોપટ

કુદરતના ચમત્કાર સમો એક કિસ્સો તાજેતરમાં લંડનના ડેઇલી મેઇલ ટેબ્લોઇડ અખબારે પ્રગટ કર્યો હતો. કુદરત કેવા કેવા ખેલ કરે છે એ સુપર કોમ્પ્યુટરને પણ હંફાવતા માણસના દિમાગને આજ સુધી સમજાયું નથી. આ કિસ્સો ખરેખર કરોડોમાં એક કહેવાય એવો અજોડ છે. વાત માંડીને કરવા જેવી છે. સાઉથ બ્રાઝિલની માત્ર એકવીસ વર્ષની મહિલા ફ્રેન્ક્વીલીન (ફ્રેન્કી) પેડિલ્હા ખુશમિજાજ યુવતી હતી. ખૂબ સરસ એનું દાંપત્યજીવન હતું.

એને લગ્નથી એક સંતાન હતું. દરમિયાન, એ બીજીવાર પ્રેગનન્ટ થઇ. ડૉક્ટરોએ એને ખુશખબર આપ્યા કે તારી કૂખમાં તો જોડકું છે. એક દીકરો અને એક દીકરી છે. સમગ્ર પેડિલ્હા પરિવારમાં હરખની લહેરખી પ્રસરી ગઇ. પરંતુ પ્રેગનન્સીના માત્ર નવમા સપ્તાહમાં કોણ જાણે કેવી રીતે ફ્રેન્કીના દિમાગની એક રક્તવાહિની ફાટી ગઇ.

તબીબી ભાષામાં એને બ્રેઇન હેમરેજ કે સ્ટ્રોક કહેવાય. એને તત્કાળ હૉસ્પિટલમાં લઇ જવામાં આવી. ત્યાં ડૉક્ટરોએ એને તપાસીને કહી દીધું, સૉરી, શી ઇઝ નો મોર. સાવ સરળ શબ્દોમાં કહીએ તો એ બ્રેઇન ડેડ એટલે કે મરી ચૂકી હતી. ફ્રેન્કીના પતિએ ડૉક્ટરોને કહ્યું જરાત તપાસી જુઓને. હવે શું તપાસે ડૉક્ટરે કહ્યું ત્યારે પતિએ યાદ કરાવ્યું કે ફ્રેન્કી પ્રેગનન્ટ હતી.

તરત ટોચના ગાયનેકોલોજિસ્ટને બોલાવવામાં આવ્યા. એમણે તપાસીને કહ્યું કે વ્હૉટ અ મિરેકલ ! (શો ચમત્કાર છે) ગર્ભમાંનાં બાળકોનાં હૃદય હજુ ધબકે છે. તરત એક અજોડ પ્રયોગ કરવામાં આવ્યો. ફ્રેન્કીને ન્યૂરોલોજિકલ આઇસીયુમાં ખસેડીને એને વેન્ટિલેટર પર મૂકવામાં આવી. એક આખોય ઓરડો ફ્રેન્કી અને એના કુટુંબીઓના ફોટોગ્રાફ્સથી સજાવાયો. ગર્ભમાંના બાળકોને સતત ફ્રેન્કીનો કંઠ ટેપ રેકોર્ડર દ્વારા સંભળાવવામાં આવતો. ઓરડામાં સતત પોઝિટિવ વાઇબ્રેશન્સ રહે એવા સભાન પ્રયાસો કરાયા. રોજ તાજાં સુગંધી ફૂલો ત્યાં મૂકાતા.

હળવું સંગીત આ ઓરડામાં વહેતું રહેતું. બ્રેઇન ડેડ ફ્રેન્કીના ગર્ભમાં રહેલાં ટ્વીનને પોષક આહાર મળતો રહે એવી જોગવાઇ કરાઇ. આ ઘટના વિશે મિડિયામાં રિપોર્ટ પ્રગટ થયા ત્યારે ઘણાએ ફ્રેન્કીના પતિ મુરિયેલને અભિનંદન આપીને એવા સંદેશા મોકલ્યા કે અમારી કોઇ પણ પ્રકારની મદદની જરૃર હોય તો કહેજો. અમે તમારાં ટ્વીન માટે પ્રાર્થના કરીએ છીએ.

ગર્ભમાં બાળકો વિકસતાં રહ્યાં. સમય વીતતો ચાલ્યો. એક બે નહીં. પૂરા એકસો ને ત્રેવીસ દિવસ (આશરે ચાર મહિના) વીતી ગયાં. પેડિલ્હા પરિવાર રોજ હૉસ્પિટલમંા ચોક્કસ સમયે હાજર રહેતો. આખરે એક સમય એવો આવ્યો જ્યારે ડૉક્ટરોએ સિઝેરિયન ઓપરેશન દ્વારા ટ્વીનને આ દૂનિયામાં લાવવાનો નિર્ણય કર્યો. બીજો કોઇ મેડિકલ વિકલ્પ પણ રહ્યો નહોતો.

બંને બાળકોનેા પ્રિમેચ્યોર ડિલિવરી તરીકે જન્મ કરાવવામાં આવ્યો. પુત્રી ૧.૪ કિલોની અને પુત્ર ૧.૩ કિલોનો હતો. બંનેને ઇન્ક્યુબેટર્સમાં રાખવામાં આવ્યાં. બંને જીવી ગયાં અને  આજે તો કિલ્લોલ કરી રહ્યાં છે. વિશ્વની તબીબી આલમમાં આવો આ કદાચ પહેલો અને એકમાત્ર કિસ્સો છે જ્યારે મૃત માતાએે, અથવા કહો કે મૃત માતાની કૂખમાં કુદરતે, બે જીવોને પાંગરવા દીધાં.

આ બાળકોએ પોતાની જન્મદાતા માતાને નિહાળી નથી. હાલ ફ્રેન્કીની માતા સિવા આ બાળકોને સાચવે છે કારણ કે જમાઇ મુરિયેલને ત્યાં નવજાત બાળકોને સાચવી શકે એેવી કોઇ વ્યક્તિ નથી. પરિવારમાં બધાં નોકરી કરે છે. ફ્રેન્કીની માતા સિવાએ મુુરિયેલને હૈયાધારણ આપી છે કે તમે તમારે નિરાંતે નોકરી કરો. આ બાળકોની જવાબદારી મારી છે. મારી પુત્રી વતી હું એમની સારસંભાળ રાખીશ.

સાઉથ બ્રાઝિલની નોસ્સો સેન્હોરા દો રોશિયો હૉસ્પિટલના ડૉક્ટરો આખીય ઘટનાને તબીબી જગતના ચમત્કાર સમાન ગણે છે. એકસો ત્રેવીસ દિવસ સુધી બ્રેઇન ડેડ માતા  વેન્ટિલેટર પર રહી અને એની કૂખમાં બાળકો પાંગરતાં રહ્યાં એને ચમત્કાર નહીં તો બીજા કયા શબ્દથી વર્ણવવું ?

Comments