ટુ ધ પોઇન્ટ - અજિત પોપટ
મૂગે મોઢે અન્યાય સહન કરનાર વ્યક્તિ પોત્તે પણ અન્યાય કરનાર જેટલીજ જવાબદાર છે.
કાઉન્ટ ડાઉન શરૃ થઇ ચૂક્યું છે. ફફડાટ દરેક પક્ષ અને નેતા અનુભવે છે, પછી ભલે તમાચો મારીને ગાલ લાલ રાખતા હોય. અહમદ પટેલના મુદ્દે રાજ્યસભાની ચૂંટણી વખતે ફક્ત એક કે બે મત પણ કેટલું મોટું કામ કરી જાય છે એ દુનિયા આખીએ જોયું. એ પરથી બોધપાઠ લઇને કે બીજા કોઇ કારણે વડા પ્રધાન સિક્કે (સુદ્ધાંના અર્થમાં ) ભાજપના તમામ નેતાઓ અને સાથોસાથ કોંગ્રેસના ટોચની નેતાગીરીના ગુજરાતના આંટાફેરા વધી ગયા.
નવેંબરમાં વિધાનસભાની ચૂંટણી આવે છે ને ! પાંચ વર્ષમાં ફક્ત એકવાર અને ફક્ત બેએક મિનિટ આપણા સૌના હાથમાં અજોડ અને અમોઘ શસ્ત્ર આવી જાય છે. લોકશાહીમાં એને વોટ કે મત કહે છે. મારો-તમારો સમય શરૃ થાય છે હવે (આપ કા સમય શુરુ હોતા હૈ અબ્બ, કૌન બનેગા કરોડપતિના ઢાળમાં).
૨૦૧૭ના વર્ષમાં આમ આદમીએ ઘણું સહ્યું છે. દોષનો ટોપલો ભલે વરસાદ જેવા કુદરતી પરિબળ પર ઢોળવામાં આવ્યો હોય, હકીકતમાં ગેરવહીવટ અને લાપરવાહીના અનેક કિસ્સા છાપે ચડયા છે. મૂસળધાર વરસાદ વરસી ગયા પછી મહિના સુધી પાણી ન ઓસર્યાં હોય એવી તસવીરો તમે પણ અખબારોમાં નિહાળી હશે.
સડકો વાહનચાલકોની કરોડરજ્જુના મણકા ખોરવી નાખે એવી થઇ ગયેલી. સરકારી નીંભરતાનો એ બોલતો પુરાવો હતો. સમીક્ષકો ભલે એમ કહેતા હોય કે ખરો વહીવટ તો સનદી અમલદારો કરે છે. ધારાસભ્યો અને રાજ્ય સરકાર તો પાંચ વર્ષના ભાડૂત હોય છે. પાંચ વર્ષે તેમણે સ્થાનત્યાગ કરવો પડે. એ બધી સૂફિયાણી વાતો મન પર ન લાવશો.
હવે તો તૈયાર થઇ જવાનું છે. હાથમાં છાલિયું લઇને તમારે બારણે કે પોળ-મહોલ્લામાં ઉમેદવારો આવશે. ભલભલા અભિનય-સમ્રાટો શરમાઇ જાય એવા અભિનય સાથે તમારી પાસે યાચના કરશે- 'તમારો મત મનેજ આપજો હોં કે...' આપણે ફક્ત મૂંડી હલાવવાની. હોવ્વે. મોઢેથી હા કેના વદવાની નહીં. ભીતર ભરેલા આક્રોશને એક ચોકડી દ્વારા વ્યક્ત કરી દેવાનો છે. એ બે મિનિટની બાદશાહી મારું તમારું આવતા પાંચ વર્ષનું ભવિષ્ય ભાખવાની છે. આમ આદમી કહેતાં મતદાર કને ઢગલાબંધ ફરિયાદો છે. પોલિટિશ્યનો એ દરેક ફરિયાદથી સારી પેઠે પરિચિત છે.
એ દરેક ફરિયાદનું રામબાણ નિરાકરણ કરવાનાં મધમીઠ્ઠાં વચનો આપશે, ભાઇબાપ કરશે. આપણને સૌને ભોટ મામા સમજીને ઊંઠાં ભણાવશે. એકવાર ચૂંટાઇ જાય પછી એ જાદુઇ ચિરાગમાંના જિનની પેઠે અલોપ થઇ જશે. આપણને આપેલાં વચનો ઊકળતા પાણીની વરાળની પેઠે હવામાં ઊડી જશે. આપણને છેતરાઇ ગયાનો અહેસાસ થશે. પરંતુ તબ પછતાયે હોત ક્યા, જબ ચિડિયા ચૂગ ગઇ ખેત...
એવો પસ્તાવો ન કરવો પડે એ માટે અત્યારથી તૈયાર થઇ જાઓ. બની શકે તો તમારા વિસ્તારના લોકો સાથે મળીને એક એફિડેવિટ તૈયાર કરો. એમાં એવી નોંધ રાખો કે તમને આપેલાં વચનોનું પાલન હું અમુક તમુક સમયમાં ન કરી શકું તો મને પાછો બોલાવવાનો બિનશરતી અધિકાર હું તમને, મારા મતદારોને આપું છું. દરેક પક્ષના દરેક ઉમેદવાર કને એ એફિડેવિટ પર સહી-સિક્કા કરાવો અને એને તત્કાળ નોટરી કને રજિસ્ટર કરાવી દો. પછી નિરાંતે તમારા બેડરૃમમાં પોઢી જાઓ. હવે હુકમનું પાનું તમારી કને છે.
ચૂંટાઇ આવેલો એ પોલિટિશ્યન ફરજપાલનમાં ચૂકે કે તરત એને પાઠ ભણાવવાનો દસ્તાવેજ તમારા હાથમાં છે. એનેા ઉપયોગ કરો. એવી એફિડેવિટ તો અમે સેંકડોની સંખ્યામાં ઘોળીને પી ગયા છીએ એવો ફાંકો રાખતા પોલિટિશ્યનને આપણે નોટા દ્વારા પણ પાઠ ભણાવી શકીએ છીએ.
અહીં રાષ્ટ્રપિતા ગાંધીજીના નામે ચડેલું એક વિધાન યાદ આવે છે- મૂગે મોઢે અન્યાય સહન કરનાર વ્યક્તિ પોત્તે પણ અન્યાય કરનાર જેટલીજ જવાબદાર છે. એક વાર મત આપીને આંગળી પર ટપકું કરાવી લીધા પછી તમે મૂગા રો' તો એ માટે તમે પોતે જવાબદાર છો. સમય બદલાઇ રહ્યો છે. પાટનગર નવી દિલ્હીમાં દાયકાઓ જૂનું કોંગ્રેસ શાસન (યુપીએ) બદલાયું અને એનડીએ આવ્યું તેમ મતદારોએ પણ સંજોગોેને બદલવા માટે કટિબદ્ધ થવાનું છે.
એ ફરજ ચૂક્યા તો પછી ફરિયાદ કરવાનો અધિકાર પણ ગુમાવી બેસવાના છીએ. માટે સજાગ થાઓ અને સંગઠિત થાઓ. આપણે કશું ગુમાવવાનું નથી. હુકમનો એક્કો આપણી કને હશે તો લોકશાહીના સાચા શાસક આપણે હોઇશું. નહીંતર શાસક મટીને રૈયત બની રહેવાના છીએ. થોડામાં કહ્યું છે, ઝાઝુંં કરીને વાંચજો...!
Comments
Post a Comment