ઓવર કોન્ફિડન્સ, ઉતાવળ કે ભાવિએ ભાન ભૂલાવ્યું, ચડતીના ભ્રમમાં અટવાયા

સિનેમેજિક - અજિત પોપટ
06 ઓક્ટોબર 2017

એ લિસ્ટનો અભિનેતા હોય કે આલા દરજ્જાનો ડાયરેક્ટર હોય, ફિલ્મ સૃષ્ટિ છળયુક્ત અને ભરમાવનારી છે. ક્યારેક ઓવર કોન્ફિડન્સના કારણે, ક્યારેક વધુ ફિલ્મો મેળવી લેવાની ઉતાવળના કારણે અને ક્યારેક નસીબે તમારી સાથે રમેલી સંતાકૂકડી તમને શિખર પરથી ક્યારે તળેટીમાં ગબડાવી દે એનો ભરોસો નહીં.

૧૯૬૪-૬૫ની આસપાસ કદાચ વધુ કામ કરવાની હોંશના પગલે કે પછી શરૃમાં કહ્યું એમ નસીબે ભરમાવ્યા એટલે, જી એસ કોહલી વધુ ને વધુ સ્ટંટ ફિલ્મો તરફ ઢળતા ગયા અને એ પગલું એમની સંગીતકાર તરીકેની કારકિર્દી માટે ઘાતક નીવડયું એમ કહીએ તો ખોટું નહીં ગણાય. લગભગ ૧૯૬૬ની આસપાસ રજૂ થયેલી બે ફિલ્મો દો મતવાલે અને નૌજવાનમાં ખાસ નોંધ લેવી પડે એવું એકેય ગીત નહોતું એમ કહું તો કોહલીના ચાહકો કદાચ નારાજ થશે.

આ દિવસોમાંજ કોહલીએ એક ગીત એવું આપ્યું જે એમની કારકિર્દીને યથાર્થ રૃપે રજૂ કરતું હતું. એ ગીત એટલે ફિલ્મ સંગદિલનું રફીસાહેબના કંઠે રજૂ થયેલું આ ગીત- 'દિન બૂરે હોતે હૈં, હાલાત બૂરે હોતે હૈં, આદમી તો બૂરા નહીં હોતા...' અંજાનના શબ્દોને રફીએ દિલથી જમાવ્યા હતા. રફીના ચાહકો આ ગીતને ભાગ્યેજ ભૂલી શકે. સંગદિલમાં દારા સિંઘ સાથે અમિતા ચમકી હતી.

ત્યારબાદ રજૂ થયેલી દારા સિંઘને હીરો તરીકે ચમકાવતી બે ફિલ્મો જંગ ઔર અમન અને જાલસાઝ વિશે પણ નોંધ લેવી પડે એવું એના સંગીતમાં કશું નહોતું. પરંતુ ૧૯૯૬૮-૬૯ની આસપાસ રજૂ થયેલી ફિલ્મ ગુંડાનાં બેએક ગીતોની વાત કરી શકાય.

ગુંડામાં શેખ મુખ્તાર હીરો હતો અને હેલન હીરોઇન હતી. સાથે સુજિત કુમાર એક ગીત કવ્વાલી ક્વીન ગણાતી શકીલાબાનુ ભોપાલી પર ફિલ્માવવામાં આવ્યું હતું. આ ગીત લતાજીના કંઠમાં હતું. શાદાબ રચિત એ ગીત મુજરા ટાઇપનું કહી શકાય એવું હતું-'નજર ને ઊઠતે હી કુછ ઇસ અદા સે કામ કિયા, સુરાહી ઝુક ગઇ પૈમાનોં ને સલામ કિયા...' શબ્દોને લાડ લડાવે એવી તર્જ તથા લય કોહલી આપી શક્યા હતા.

ગુંડાનું જ ઔર એક ગીત ફરી શાદાબ રચિત, આશાજીના કંઠે રજૂ થયું હતું. 'નામ બાકી રહે સાકી તેરા મયખાને મેં, તૂ જો મયખાને ભર દે મેરે પયમાને મેં...' જો કે મુજરા કમ કવ્વાલી ટાઇપના લતાજીવાળા ગીતની તુલનાએ આ ગીત થો..ડું..ક નબળું ગણાય. કેટલાક વિદ્વાનોના મતે પરદા પર આ ગીત જામી જવાનું એક કારણ શકીલા બાનુ ભોપાલીએ ગીત સાથે કરેલો નખરાં-ભરપુર અભિનય હતું.

આમ તો કોઇ બે રિધમ પ્લેયરની તુલના થઇ શકે નહીં. અબ્દુલ કરીમે જે જાદુ નૌશાદના રાગ-રાગિણી આધારિત ગીતોમાં સર્જ્યો, દત્તારામે જે ઠેકાનો જાદુ શંકર જયકિસન અને ત્યારબાદ લગભગ બધા સંગીતકારો માટે સર્જ્યો એવોજ જાદુ ઘણે અંશે ઓ પી નય્યરના સંગીતમાં જી એસ કોહલીએ પોતાના ઢોલક દ્વારા સર્જ્યો હતો એમ કહી શકાય. પંજાબ ઘરાનાના ઉસ્તાદ અલ્લા રખ્ખાએ શાસ્ત્રીય સંગીતના સ્ટેજ પર દુનિયાભરમાં પોતાનાં તબલાંનો જાદુ પાથર્યો એ પહેલાં ઉસ્તાદજીએ ફિલ્મોમાં પણ ભાગ્ય અજમાવી જોયું હતું.

હગુ ઓછા લોકોને જાણ હશે કે તબલાંવાદક હોવા છતાં ઉસ્તાદ અલ્લા રખ્ખા ખાનને શાસ્ત્રીય સંગીતના વિવિધ ઘરાનાની બારસોથી પંદરસો બંદિશો કંઠસ્થ હતી. આ વાતના સાક્ષી સંતુર સમ્રાટ પંડિત શિવકુમાર શર્મા છે. પરંતુ દુનિયા ઉસ્તાદજીને તબલાંના શહેનશાહ તરીકે ઓળખે છે. એક વાત નક્કી છે. કમ્પોઝર (સ્વરનિયોજક) બનવા માટે સંગીતનું પૂરતું જ્ઞાાન જરૃરી હોય છે, તમે કયું સાજ વગાડો છો એ જરૃરી હોતું નથી.

ક્યારેક તો સાજ વગાડવાનો હુનર ન જાણતાં હોય એવા લોકો પણ સ્વરનિયોજન કરતાં હોય છે. અરે, ક્યારેક તો સંગીતના નીતિનિયમોથી સાવ અજાણ વ્યક્તિ પણ સ્વરનિયોજન કરતી જોવા મળી છે. અલબત્ત, આવા દાખલા એકાદ કરોડે એક વ્યક્તિના અપવાદ રૃપ હોય છે.

જી એસ કોહલીની વાત કરતી વખતે આ વિચાર મનમાં સતત ઘુંટાયા કરતો હતો. ૧૯૯૬ના જુલાઇની ૨૫મીએ જી એસ કોહલીનું અવસાન થયું ત્યારે ભાગ્યેજ ટોચના કોઇ કલાકાર હાજર હતા. અને એ સ્વાભાવિક ઘટના હતી કારણ કે કોહલીએ જે યુગમાં કામ કર્યું હતું એ યુગનો અસ્ત એંગ્રી યંગ મેનના આગમન સાથે થઇ ચૂક્યો હતો.

વળી, કોહલીએ કારકિર્દીના ઉત્તરાર્ધમાં જે ફિલ્મો કરી એ ભદ્ર લોક માટે બી અને સી ગ્રેડની ગણાતી હતી. આમ છતાં ફિલ્મ સંગીતનો ઇતિહાસ લખાય ત્યારે, જે થોડું કામ કોહલીએે કર્યું એની નોંધ લીધા વિના ચાલે નહીં.

Comments