ધૂમનાં ગીતોએ ખરેખર પ્રીતમના નામની ધૂમ મચાવી...

સિનેમેજિક - અજિત પોપટ
29 સપ્ટેમ્બર 2017, શુક્રવાર

આજે મહિનાનો છેલ્લો શુક્રવાર અને હા, આ વર્ષની નવરાત્રિનું છેલ્લું નોરતું. આજે નોમ છે. આ કટાર માટે મહિનાનો છેલ્લો શુક્રવાર એટલે અચૂક ટીનેજર્સને ગમતાં સંગીત માટે લખવાનો દિવસ. ગયા મહિનાના છેલ્લા શુક્રવારે  આપણે નથીંગ સક્સીડ લાઇક સક્સેસ (ફાવ્યું વખણાય)થી વાતનો આરંભ કર્યો હતો.

યસ, યશ રાજે સંજય ગઢવી અને સંગીતકાર પ્રીતમને આપેલી મેરે યાર કી શાદી હૈ ફિલ્મની તકની વાત આપણે કરી હતી. યાર કી શાદી ફળી એટલે યશ રાજે સંજય અને પ્રીતમને ઔર એક તક આપી. ફિલ્મ હતી ધૂમ. (૨૦૦૪) ધૂમ માટે અંગ્રેજીમાં બ્લાસ્ટ પર્યાય વપરાય છે. બ્લાસ્ટ માટે ગુજરાતીમાં ઔર એક પર્યાય છે- વિસ્ફોટ.

આ ફિલ્મનાં ગીતોએ રીતસર એક વિસ્ફોટ સર્જ્યો હતો. જો કે એ માટે થોડોક યશ આપણે સલીમ સુલેમાનને પણ આપવો જોઇએ. સામાન્ય રીતે એવું બનતું હોય છે કે સંગીતકારે ફિલ્મનાં ગીતો તૈયાર કરવા ઉપરાંત ફિલ્મના બેકગ્રાઉન્ડ સંગીતને તૈયાર કરવાનું હોય. એ માટે ફિલ્મની દરેક ફ્રેમનો વિગતવાર અભ્યાસ કરવો પડે.

કયું દ્રશ્ય કયા સંદર્ભને રજૂ કરે છે, એનું લોકેશન કેવું છે, પ્રસંગમાં કયાં પાત્રો કેવા મૂડમાં રજૂ થયાં છે, ઘટનામાં કઇ લાગણીઓ (ઇમોશન્સ) રજૂ થયાં છે એ બધી વિગતોનો ઝીણવટભર્યો અભ્યાસ કરીને પછી  બેકગ્રાઉન્ડ સંગીત તૈયાર કરવામાં આવતું હોય છે. અમુક શોટ્સમાં પશુ-પંખીના ટહૂકા, વાહનોની ઘરઘરાટી, એક્શન સીન હોય તો એ પ્રકારના હથિયારોના ધડાકા વગેરે બાબતો પણ આમાં આવી જાય.

ફિલ્મ સર્જકે પ્રીતમને આ બધી જફાથી મુક્ત રાખ્યા હતા. બેકગ્રાઉન્ડ સ્કોર સલીમ સુલેમાને તૈયાર કર્યો હતો એટલે પ્રીતમને ગીતો પર સંપૂર્ણ ધ્યાન આપવાની આઝાદી મળી હતી. એનો એમણે પૂરતો લાભ પણ ઊઠાવ્યો હતો. આ ફિલ્મના સુનિધિ ચૌહાણે ગાયેલાં ધૂમ મચાલે.. ગીતને પછીના વરસે ૨૦૦૫માં બેસ્ટ સિંગરનો ઝી એવોર્ડ મળ્યો હતો.

આ ફિલ્મ માટે પ્રીતમે ઔર એક પ્રયોગ કર્યો હતો. મૂળ થાઇલેન્ડની પરંતુ અમેરિકી નાગરિક એવી એક આઇટમ ગર્લ તાતા યંગ પાસે પ્રીતમે અહીં 'ધૂમ ધૂમ...' આઇટમ સોંગ (જેને ટાઇટલ સોંગ પણ કહી શકાય) ગવડાવ્યું હતું. આ ગીતે વિદેશોના શરાબઘરો (પબ્સ)માં પણ ધમ્માલ મચાવી હતી. આ ગીતની તર્જ પ્રીતમની હતી કે તાતા યંગની હતી એ તો ઉપરવાળો જાણે, પરંતુ યશ પ્રીતમને મળ્યો એ હકીકત સ્વીકાર્યે છૂટકો. જો કે આરંભથી પ્રીતમ પર એવો ખરો-ખોટો આક્ષેપ થતો રહ્યો છે કે એ હિટ વિદેશી તર્જની ઊઠાંતરી કરતા રહ્યા છે.

અલબત્ત, અત્યાર અગાઉ એક કરતાં વધુ વખત સ્પષ્ટ કર્યું છે કે કોઇ પણ વિદેશી તર્જ એઝ ઇટ ઇઝ દેશી ફિલ્મમાં વાપરી શકાતી નથી. એમાં ઘણા ફેરફારો-ઇમ્પ્રોવાઇઝેશન કરવા પડે. ત્યારપછી જ એનો ઉપયોગ થઇ શકે. દત્તક લીધેલાં બાળકને પોતાનું કરવા માતાપિતા જે જહેમત ઊઠાવતાં હોય છે એવીજ જહેમત વિદેશી તર્જ પર આધારિત હિન્દી ફિલમ ગીત માટે ઊઠાવવી પડતી હોય છે.

એ તો જેના પર વીતે એ જ જાણે. એનો બેસ્ટ દાખલો સજ્જન સંગીતકાર અજિત મર્ચંટે આ લખનારને સમજાવ્યો હતો. એક વિદેશી તર્જ પરથી અજિતભાઇએ તારી આંખનો અફિણી બનાવ્યું અને શંકર જયકિસન ફેમ જયકિસને મેરા જૂતા હૈ જાપાની (ફિલ્મ શ્રી ૪૨૦) બનાવ્યું. ઝીણવટભરી સૂઝ સમજ ધરાવતી વ્યક્તિને સમજાઇ જાય કે બંને ગીતનું મૂળ એેક જ છે.

ધૂમ ધૂમ... ગીત સુપરહિટ નીવડયા બાદ તાતા યંગે પોતાની માતૃભાષા થાઇ અને ઇંગ્લીશમાં પોણો ડઝન આલ્બમ્સ રિલિઝ કર્યાં જે ધૂમ ધૂમ જેટલાંજ સુપરહિટ નીવડયાં. અગાઉ પણ આપણે ત્યાં આવા પ્રયોગો થયા છે.

માત્ર એક અને જબરદસ્ત દાખલો જોઇતો હોય તો ફિરોઝ ખાનની ફિલ્મ કૂરબાનીમાં પાકિસ્તાની ગાયિકા નાઝિયા હસને બીડ્ડુના સંગીતમાં ગાયેલું આપ જૈસા કોઇ મેરી જિંદગી મેં આયે તો બાત બન જાયે...નો દાખલો આપી શકાય. આમ તો કૂરબાની ફિલ્મમાં કલ્યાણજી આણંદજીનંુ સંગીત હતું.

નાઝિયાએ ત્યાર પછી પણ ઘણાં હિટ ગીતો આપ્યાં અને ૨૦૦૦ના ઑગષ્ટની ૧૩મીએ માત્ર ૩૫ વર્ષની વયે લંડનમાં અવસાન પામી. એ ફેફસાંના કેન્સરનો ભોગ બની હતી. નાઝિયાની જેમ તાતા યંગે એક ફિલ્મ ધૂમ માટે ગીત ગાયું. પછી ચાલી ગઇ. ધૂમ ધૂમ ઉપરાંત ફિલ્મમાં બીજાં છ ગીતો હતાં. એની વાત હવે આવતા મહિનાના છેલ્લા શુક્રવારે. તબ તક કે લિયે આજ્ઞા ચાહતા હું...

Comments