ભોળાં પારેવાં શાં ભૂલકાં શા માટે....

ટોપ્સીટર્વી - અજિત પોપટ

હરિયાણામાં ઇસાઇ મિશનરી સ્કૂલમાં બીજા ધોરણમાં ભણતા પ્રધુમ્નનો કેસ ખૂબ ગાજ્યો. આવા તો રોજ ડઝનબંધ કેસ થાય છે પરંતુ ચોપડે ચડતાં નથી.

ટીનેજર્સ પર ગેંગરેપ અને છેડતીની ઘટનાઓ ઓછી હતી તે હવે બાળકો પરના અત્યાચારોની ઘટનાઓ વધવા માંડી છે. સાવ નિષ્પાપ, ભોળાં પારેવાં જેવાં બાળકોને પીંખી નાખતાં વિકૃત માનસવાળા અપરાધીઓ અચકાતાં નથી. આવી ઘટનાઓ કેમ બને છે એનો મનોવૈજ્ઞાાનિક અભ્યાસ કરવા જેવો છે.

અગાઉ એવી ખોટી માન્યતા હતી કે કૂટણખાનામાં જવાથી થયેલા જાતીય રોગો મટાડવા કુમળી બાળા સાથે સહશયન કરવું જોઇએ. તો એ રોગો મોટી જાય. સૈકાઓ જૂના આ ભ્રમને દૂર કરવાનો કોઇ ઉપાય ખરો ? આવા અપરાધો થવા પાછળનાં સામાજિક કારણો પણ સમજવા જેવાં હોય છે. હરિયાણાના પ્રધુમ્નવાળા કેસમાં તો હજુ તપાસ પણ પૂરી થઇ નથી એટલે એને કયા કારણે મારી નાખવામાં આવ્યો એ હજુ જાણવા મળ્યું નથી.

બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કામ કરવામાં એની સાથે ભણતા વિદ્યાર્થીઓ પણ હોય છે. સોશ્યલ મિડિયાના આ યુગમાં બાળક પોતાની એક આંગળીના ટેરવે દુનિયાભરના પોર્ન સાહિત્યને માણતો થઇ જાય છે. પોતે જે સમજતો નથી એવી સેક્સની બાબતો જોયા પછી પોતે મોબાઇલના સ્ક્રીન પર જે જોયું એવું કરવાની એની ઇચ્છા અદમ્ય બની જાય છે. એ ઇચ્છા સંતોષવાનું એક માત્ર સાધન સાથે ભણતો કોઇ રૃપાળો ટાબરિયો હોય છે.

માથાભારે વિદ્યાર્થીઓ એના પર તૂટી પડે છે. ઘણા કિસ્સામાં અપરાધીઓ પાડોશના રાજ્યોમાંથી આવેલા શ્રમજીવી હોય છે. સ્ત્રી-બાળકોથી દૂર કમાવા આવ્યા હોય. શરીરની ભૂખ અસહ્ય બની જાય ત્યારે એકલદોકલ બાળકીને ચોકલેટની લાલચ આપીને એકાંત સ્થળે લઇ જાય. પછી એનામાં રહેલું જાનવર બહાર આવી જાય.

અને શિક્ષકની ક્યાં વાત કરવી, સાંપ્રદાયિક સંસ્થામાં પણ આવું બનતું જોવા મળ્યું છે. થોડાં વરસો પહેલાં એક સંાપ્રદાયિક મંદિરમાં ચા આપવા આવતા ટીનેજર પર મંદિરના સાધુઓએ જ સામૂહિક અત્યાચાર કરેલો એ ઘટના મિડિયામાં ખૂબ ચર્ચાઇ હતી. ભગવાં પહેર્યાં એટલે તમામ ઇચ્છા-વાસના લુપ્ત થઇ ગઇ એવું માનવું એ સૌથી મોટો ભ્રમ છે.

તાજેતરની આશારામની અને બાબા રામ રહીમની ઘટનાઓએ એ પણ સાબિત કરી આપ્યું. મહત્ત્વની વાત બાળકો પરના અત્યાચારની છે. બાળક સ્કૂલની બસમાં હોય કે સ્કૂલના પ્રિમાઇસિસમાં, એના પર થતા અત્યાચારની જવાબદારી સ્કૂલની છે. તગડી ફી લેતી સ્કૂલો બાળકની સુરક્ષાની જવાબદારીમાંથી છટકી જઇ શકે નહીં. આવી ઘટના બાળકના જીવનમાં ઝંઝાવાત સર્જી શકે છે.

એ જીવે ત્યાં સુધી એના મનના વિવિધ પડમાં આ ઘટના જુદી જુદી રીતે ઝબક્યા કરે છે અને એને અશાંત કરી દે છે. આવી ઘટનાઓ માત્ર સામાન્ય અપરાધ નથી. એ બાળકના સમગ્ર જીવને ખેદાનમેદાન કરી નાખે છે. અપરાધી તો અમુક વરસની સજા ભોગવીને છૂટી જાય, બાળકના ચિત્ત પર લાગેલા ઘા જીવનભર એને શાંતિથી જીવવા દેતા નથી એવો ટોચના મનોચિકિત્સકોનેા અભિપ્રાય છે.

બાળક સહેલાઇથી આવા અત્યાચારનો ભોગ બની જવાનું કારણ કૂમળી વયના કારણે એની શારીરિક કમજોરી તો હોય જ. ઉપરાંત એ એકલું અને નિ:સહાય હોવાથી પ્રતિકાર કરી શકતું નથી. એમાંય સ્કૂલનો કોઇ કર્મચારી સંડોવાયો હોય તો એ અચૂક બાળકને મારી નાખે કારણ કે એને ઓળખાઇ જવાનો ડર રહે. આવી ઘટનાઓ વધી રહી છે એ આપણી સામાજિક મજબૂરી અને દુર્ભાગ્ય છે.

Comments