પ્રાચીન રચનાઓ સાથે આ પ્રકારની છેડછાડ કેટલી હદે સહ્ય ગણી શકાય ?

ટુ ધ પોઇન્ટ - અજિત પોપટ

દોઢ બે વર્ષના બાળકને એની માતા સાથે કાલાઘેલા ઉચ્ચારોમાં વાત કરતાં જોયું છે કદી ? એ ખરેખર દિવ્ય દ્રશ્ય હોય છે.

બાળકના કાલાઘેલા બોલને મા (માં કે મૉં નહીં) બરાબર સમજી શકે છે, એ બાળક શું કહેવા માગે છે એ અન્ય કોઇને કદી સમજાય નહીં. મા બરાબર સમજી જાય છે. પરંતુ પુખ્ત વયના, પ્રૌઢ કે વયોવૃદ્ધ જનો જગતજનની માતા સમક્ષ મહિમાગાન કરતી વખતે મૂળ રચનામાં યથેચ્છ છૂટછાટ લે તો એ કેટલી હદે સહ્ય ગણવી ? એવો વિચાર ઘણા સમયથી આ લખનારને આવતો હતો. દુનિયાભરમાં હાલ ગવાતાં, ગૂંજતાં, બિરદાવાતાં નોરતાં ઊજવાઇ રહ્યાં છે.

રોજ હજ્જારો સ્થળે જગતજનની આદ્યશક્તિની આરતી 'ॐ જય આદ્યાશકતિ મા જય આદ્યાશક્તિ' લાખ્ખો શ્રદ્ધાળુઓ ભાવ-ભક્તિથી ગાય છે. સૂરતના વડનગરા નાગર એવા શિવાનંદ (પંડયા) સ્વામી રચિત આ આરતીમાં અઢાર- રિપિટ ફક્ત અઢાર કડી છે. આરતીની પૂર્ણાહુતિ 'ભણે શિવાનંદ સ્વામી, સુખ સંપત્તિ થાશે, હર કૈલાસે જાશે, મા અંબા દુ:ખ હરશે...'થી થાય છે. આરતીના ઉપાડની બીજી પંક્તિમાંજ પડવે પ્રગટયાં મા કહીને આસો સુદ એકમથી માતાજી પધાર્યાં એવો સ્પષ્ટ ઉલ્લેખ છે.  પૂનમે નોરતાંની પરાકાષ્ઠા આવે છે એવો શિવાનંદ સ્વામીના હૈયાનો ભાવ છે.

છેલ્લા ચાર પાંચ દાયકાથી આ આરતીમાં પૂનમ પછી બે ત્રણ કડી (સંગીતની ભાષામાં અંતરા) ઉમેરાઇને ગવાતી થઇ છે. સ્વામી શિવાનંદજીએે અંબાજી માતાનો સાક્ષાત્કાર કર્યા પછી આ આરતી લખી હોવાનું કહેવાય છે. શિવાનંદજીના વારસદારો કોઇ હોય અને એમણે આરતીમાં કરાયેલા ઉમેરા સામે વાંધો લીધો હોય એવું આ લખનારના ખ્યાલમાં આવ્યું નથી.

સવાલ એ છે કે આ રીતે પ્રાચીન રચનાઓમાં કરાતાં ઉમેરણો કેટલી હદે સ્વીકાર્ય ગણવા ? કોઇને પોતાના કૂળ દેવી- સમજો કે બહુચર મા કે ખોડિયાર માનો મહિમા વર્ણવવો હોય તો નવી આરતી રચવી જોઇએ. એમાં તમે કૂળદેવીનો મહિમા પ્રેમથી ગાઇ શકો. અન્યની પાંચસો વર્ષની જૂની પ્રાચીન આરતીમાં મન ફાવે તેવા ઉમેરા શી રીતે કરી શકાય ?  શિષ્ટ સાહિત્યની ભાષામાં એને ક્ષેપક કહે છે. આવું જો કે આજનું નથી.

છેક મહાભારત કાળથી ચાલ્યું આવે છે. પેલું મજાકમાં કહેવાય છે ને આગુ સે ચલી આતી હૈ.. જેવું છે. એમ કહેવાય છે કે મૂળ મહાભારત પચીસ હજાર શ્લોકોનું હતું. પાછળથી ઉમેરા થતા ગયા અને એક લાખ શ્લોકોનું થઇ ગયું.

સાથે એવી લોકવાયકા જોડાઇ ગઇ કે મહાભારત વાંચો તો ઘરમાં મહાભારત થાય. અરે ભલા'દમી, એક લાખ શ્લોકનો અનુવાદ વાંચો તોય દોઢ બે વરસ થઇ જાય. દોઢ બે વરસમાં ઘરમાં એકાદોય ક્લેશ કંકાસ ન થાય ? એમાં મહાભારત બાપડું શું કરે ? મહાભારત જેટલે લાંબે ન જઇએ તો મીરાંબાઇનાં પદો કે કબીરજીને યાદ કરીએ. મીરાંના નામે પણ ઘણાં પદો ઘુસી ગયાં છે. પદ પૂરું થતું હોય ત્યાં બાઇ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર મૂકો એટલે મીરાંનું પદ થઇ ગયું.

મૂળ સવાલ માતાજીની આરતીનો છે. એવુંજ માતાજીની એક સ્તુતિ 'વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા...' (રચનાકાર કેશવલાલ દ્વિવેદી) સાથે થયું છે. કોઇ ઉત્સાહીએ એમાં એકાદ બે કડીઓ ઉમેરીને મૂકી દીધી છે. આવું તો ગુજરાતી ભાષામાંજ થઇ શકે. આ લખનારને યાદ છે. બંગાળી ભાષામાં ઘુંટાયેલા કંઠવાળા ગાયક સંગીતકાર પંકજ મલિકના કંઠે દુર્ગા સપ્તશતીના શ્લોકોનું ગાયન રેકોર્ડ થયાને આજે લગભગ સાઠ-સિત્તેર વર્ષ થયાં.

દર વરસે દુર્ગાપૂજાના દિવસોમાં આકાશવાણી પરથી આ રેકોર્ડિંગ નિયમિત પ્રસારિત થાય છે. એમાં એક શબ્દ પણ આઘો પાછો કરી તો બતાવો. બંગાળી પ્રજા ક્રોધથી રૌૈદ્ર રૃપમાં આવી જાય. ગણપતિનાં સ્તવનો આરતીમાં એક પણ કાના માત્રનો ફેરફાર કરી બતાવો. મરાઠી પ્રજા છત્રપતિ શિવાજીની તલવાર લઇને શેરીઓમાં આવી જાય. તો આપણે ગુજરાતીઓ માતાજીની આરતી સાથે આવી છેડછાડ કેમ ચલાવી લઇએ છીએ ?

અને દરેક કડીના અંતે 'જય હો જય હો મા જગદંબે'ને સ્થાને જયો જયો કે જ્યો જ્યેા શી રીતે ગાઇ શકાય ? લંકેશ રાવણના ભાઇ કુંભકર્ણને યાદ કરવા જેવો છે. એને જોઇતું હતું ઇંદ્રાસન અને જીભે લોચા વળી જતાં માગી બેઠો નિંદ્રાસન. માતાજીની પ્રાચીન આરતીનો મહિમા યથાવત્ જળવાઇ રહે એ બહુ મહત્ત્વની વાત છે. ઘરમાં કે ધર્મસ્થાનમાં જેમ મલાજો પાળીએ છીએ એમ ગાવામાં પણ મલાજો પાળીએ એ મહત્ત્વનું છે.

છેલ્લા થોડા સમયથી આપણે રોજબરોજના જીવનમાં એકમેકને કરાતાં સંબોધનમાં પણ આવી છૂટછાટ લેતાં થયાં છીએ. જય શ્રી કૃષ્ણને બદલે જેએસકે લખીને એસએમએસ કરવામાં આવે છે. સોશ્યલ મિડિયા પર પણ આવી ફૅશન ફાટી નીકળી છે. આ રીતે પ્રથમાક્ષર દ્વારા કોઇ મિત્રને બોલાવી શકાય ખરો ? વિચારજો. આ પણ એક પ્રકારની મર્યાદા છે, મલાજો છે. થોડામાં કહ્યું છે, ઝાઝું કરીને વાંચજો...

Comments