સિનેમેજિક - અજિત પોપટ
22 સપ્ટેમ્બર 2017, શુક્રવાર
મૂમતાઝની જેમ ફિરોઝ ખાનનો એ સંઘર્ષનો તબક્કો હતો એટલે હોમી વાડિયા કે અન્ય ફિલ્મ સર્જકોની ગમે તે ગ્રેડની ફિલ્મો સ્વીકારી લેતો હતો. ગયા શુક્રવારે કહેલું એમ ફિલ્મ કોની છે, કલાકારો કોણ છે વગેરે પરવા કર્યા વિના જી એેસ કોહલી પૂરેપૂરી નિષ્ઠાથી પોતાનું કામ કર્યે જતા હતા.
ચાર દરવેશનાં બે ગીતોનો ઉલ્લેખ જરૃરી ગણાય. એક ગીત મુહમ્મદ રફીના કંઠમાં સોલો છે જ્યારે બીજું રફી સાથે આશા ભોંસલેનું ડયુએટ છે. પહેલું ગીત હું માનું છું કે તમે પણ ક્યારેક સાંભળ્યું હોવું જોઇએ. પ્રેમઘેલો યુવાન પ્રિયપાત્ર માટે જે શબ્દો વાપરે એવું એ ગીત છે.
અંજાનની રચનાને રફીએ જમાવ્યું હતું. 'ગુસ્સે મેં તુમ ઐાર ભી અચ્છી લગતી હો માશાલ્લાહ આસલામા લૈજુમ અજી ક્યા કહને સુભાનલ્લાહ...' પ્રેમમાં પડેલા યુવાનની મનોદશા આ ગીતમાં સરસ રીતે રજૂ થઇ હતી અને એનો યશ સંગીતકાર કોહલીને જતો હતો. બીજું ગીત રફી સાથે આશાજીના કંઠમાં હતું. એના શબ્દો રાજા મહેંદી અલી ખાનના હતા. 'પ્યાર કે દામન મેં લીપટે હમ કહાં તક આ ગયે, હમ નજર તક ચાહતે થે, તુમ તો દિલ પર છા ગયે...'
અગાઉ કહેલું એમ ચાર દરવેશની જેમ એડવેન્ચર્સ ઑફ રોબિનહૂડ પણ એક પ્રકારની ફેન્ટસી ફિલ્મ હતી. વિદેશી ધરતીના રાજરજવાડાની કથા હતી. શાસકની દ્રષ્ટિએ ડાકુ કે બહારવટિયા આમ આદમી માટે ગરીબનવાઝ ગણાતા હોય છે.
રોબિનહૂડ એવોજ એક ગરીબનવાઝ હતો જે ઇંગ્લેંડના પ્રિન્સની આંખોમાં કણાની જેમ ખૂંચતો હતો. રાજા રિચાર્ડ ફ્રેન્ચો સાથે લડવા ગયો હતો ત્યારે એની ગેરહાજરીમાં રાજગાદી પડાવી લેવાની રિચાર્ડના સગ્ગા ભાઇ જ્હૉનની પેરવી ફાવતી નથી એવી કથા ધરાવતી આ ફિલ્મનું ડાયરેક્શન બી જે પટેલનું હતું.
આ ફિલ્મને બી ગ્રેડની કહો કે સી ગ્રેડની પણ આવી ફિલ્મોનો પણ એક દર્શક વર્ગ હતો. આ ફિલ્મના હીરો પ્રશાંતનું આજે તો કોઇનેે નામ સુદ્ધાં યાદ નહીં હોય. સાથે હતી પરવીન ચૌધરી. ઉપરાંત નીલોફર, ભગવાન અને ઓપી રાલ્હનની ફૂલ ઔર પથ્થરમાં પરાકાષ્ઠાનાં દ્રશ્યોમાં ધર્મેન્દ્રની પહેલી મજૂરીના પૈસા પાણીમાં ફગાવી દઇને મારામારી કરતો શ્યામ કુમાર પણ આ ફિલ્મમાં હતો.
પરવીન ચૌધરી કદી એ લિસ્ટની હીરોઇન બની શકી નહીં. જો કે એની એક હિટ ફિલ્મ ૧૯૬૨માં આવી ગયેલી. શમ્મી કપૂર અને કલ્પના સાથે લલિતા પવારને રજૂ કરતી ફિલ્મ પ્રોફેસરમાં પરવીને એક સારો રોલ કર્યો હતો. પરંતુ એવી હિટ ફિલ્મો એના ભાગે બહુ ઓછી આવેલી. ફિલ્મમાં રફીના કંઠે રજૂ થયેલાં બે ગીતોની વાત જરૃરી લાગે છે. રફીના ચાહકો માટે આ ગીતો મેલોડીના વર્ગમાં આવે એવાં છે.
પહેલું ગીત યોગેશનું હતું. ગીતકાર તરીકે યોગેશનું આ પહેલું હિટ ગીત હતું. 'માના મેરે હસીં સનમ, તૂ રશ્કે માહતાબ હૈ, પર તૂ હૈ લાજવાબ તો, મેરા કહાં જવાબ હૈ...' એવુંજ બીજું ગીત રફીએ આપ્યું. એ રચના અંજાનની હતી. એના શબ્દો હતા 'સંવર દે જો પ્યાર સે, બહાર કી ભી જિંદગી, ઓ જાને જાં ઓ મેહરબાં, તુમ્હીં તો હો, તુમ્હીં તો હો...'
અહીં એક આડવાત જરૃરી છે. રોબિનહૂડ ફિલ્મ આવી એની પહેલાં એેજ વરસે ૧૯૬૫માં નમસ્તે જી ફિલ્મ આવેલી. પ્રસિદ્ધ કોમેડિયન મહેમૂદ અને અમિતા આ ફિલ્મના મુખ્ય કલાકારો હતા. આ ફિલ્મ ગમે તે ગ્રેડની હોય, એનું મહત્ત્વ એટલા માટે છે કે આ ફિલ્મમાં આનંદ બક્ષીએ રચેલાં બે ગીતો હિટ નીવડયાં હતાં.
જી એસ કોહલીને આનંદ બક્ષી જેવા ગીતકારનો સાથ મળ્યો એટલા પૂરતું એનું મહત્ત્વ વધી જાય છે. એક અભિપ્રાય મુજબ આનંદ બક્ષીને કારકિર્દીના આરંભે જે હિટ ગીતો મળ્યાં એમાં એક નમસ્તે જીનું હતું. મુહમ્મદ રફીના કંઠે ગવાયેલું એ ગીત એટલે આ- 'હમેં ક્યા જો હરસૂ ઊજાલે હુએ હૈં, કે હમ તો અંધેરોં કે પાલે હુએ હૈં...' આવાં ગીતો મૂકેશજીએ વધુ બહેલાવ્યાં અને જમાવ્યાં છે. પરંતુ અહીં રફીએ પણ ગીતની પાછળ રહેલી વેદનાને સાદ્યંત રજૂ કરી હતી.
મૂકેશ અને લતાજીના કંઠે એક રોમાન્ટિક ગીત આ ફિલ્મમાં રજૂ થયું હતું, 'બહારોં થામ લો અબ દિલ મેરા મહેબૂબ આતા હૈ, શરારત કર ના નાજુક દિલ શરમ સે ડૂબ જાતા હૈ...' પાછળથી મેરા મહેબૂબ આતા હૈ કે મેરા મહેબૂબ આયા હૈ શબ્દો ધરાવતાં અન્ય ગીતો પણ આવ્યાં. દાખલા તરીકે ફિલ્મ સૂરજમાં શંકર જયકિસને રાગ શિવરંજનીમાં અદ્ભુત બંદિશ સાથે બહારોં ફૂલ બરસાઓ મેરા મહેબૂબ આયા હૈ રજૂ કરેલું. સૂરજના આ ગીતમાં શરણાઇનો બેનમૂન ઉપયોગ કરાયો હતો.
(ક્રમશ:)
Comments
Post a Comment