સ્મૃતિ વંદનાનો સાચો અર્થ સમજીને આયોજન થાય તો સોનામાં સુગંધ ભળે...

ટુ ધ પોઇન્ટ - અજિત પોપટ

ગામડે ગામડે, નેસડે નેસડે, કસ્બે કસ્બે રઝળી રખડીને બાપુએ જે લોકસાહિત્ય એકઠું કર્યંુ એનોય જોટો જડે નહીં

'અહો રાત કરોડ ગરીબોના પ્રાણ ધનિકોને હાથે રમે ત્યારે હાય રે હાય કવિ, તને સંધ્યા ને તારાનાં શેણેં ગીત ગમે ?' આ કયા કવિનું ગીત છે ? ગુજરાતી ભાષા અને સાહિત્ય ભણાવતા કેટલા શિક્ષકોને યાદ છે ? સુગમ સંગીત સંધ્યા અને લોકસાહિત્યના ડાયરાએા ગજાવતા કેટલા ગાયકોને સાંભરે છે ? અને આ ગીત, 'ઘણ રે બોલે ને એરણ સાંભળે હો જી, બંધુડો બોલે ને બહેની સાંભળે હો જી...'  અને, 'ઓતરાદા વાયરા ઊઠો ઊઠો...' અને,

'કેવી હશે ને કેવી નૈં મા મને કોઇ દી' સાંભરે નૈં...' અને, 'છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ...' શિવાજીનું હાલરડું.., ચારણ કન્યા.., કસુંબીનો રંગ... બીજાં ઘણાં મુખડાં નોધી શકાય. પરંતુ હવે હાઉં કરીએ. આવાં અનેક ગીતો-કાવ્યો-સુભાષિતો એમણે રચેલાંં છે. 

કેટલીય તળપદી-જાનપદી નવલકથાઓ અને સૌરાષ્ટ્રની રસધારના ચચ્ચાર ભાગ સર્જ્યાં છે. યસ, રાષ્ટ્રપતિ ગાંધીજીએ જેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપેલું એ પત્રકાર, વાર્તાકાર, ચરિત્રકાર, લોકસાહિત્યના અમૂલ્ય વારસાના જતનકાર અને કવિ-ગીતકાર ઝવેરચંદ મેઘાણીની આ વાત છે.

તાજેતરના ભૂતકાળમાં મેઘાણીના નામે થયેલા ઓછામાં ઓછા અડધો ડઝન કાર્યક્રમોમાં હાજરી આપવાની તક મળી. નામ મેઘાણીનું પરંતુ માત્ર એક ગીત 'મન મોર બની થનગાટ કરે...' થી વાત આગળ વધે નહીં. ખૂબ નવાઇ લાગી.

આંચકો પણ લાગ્યો. સંજય લીલા ભણસાલીએ મન મોર બની થનગાટ કરે...ગીતને ફિલ્મમાં  રજૂ કરીને વધુ લોકપ્રિય બનાવ્યું એવો ઘણાને ભ્રમ છે. ઓછામાં ઓછાં પાંત્રીસ વર્ષ પહેલાં આશિત દેસાઇના કંઠે આ ગીત આ જ તર્જ લયમાં મુંબઇના ભાઇદાસ હૉલમાં માણ્યું હતું. આજે મેઘાણીબાપુના નામે થતી સંગીત સંધ્યામાં એમનાં ઘણાં ગીતો ભૂલી જવાય છે. કબૂલ છે કે દરેક ટોચના કવિનું એકાદ ગીત લોકજીભે ચડી જતું હોય છે.

બોટાદકરનું નામ લ્યો એટલે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ તરત યાદ આવે. કરસનદાસ માણેકનું નામ પડે એટલે તે દી' આંસુભીના રે હરિનાં લોચનિયાં તરત યાદ આવે, ઉમાશંકરનું નામ લ્યો કે તરત 'કહેવું પડે કવિ કોકિલાએ કે પંચમી આવી વસંતની' તરત હૈયેથી હોઠે આવે...નિરંજન ભગતનું નામ પડે અને ચલ મન મુંબઇ નગરી જોવા પુચ્છ વિનાની મગરી યાદ આવે...તુષાર શુક્લને યાદ કરો કે તરત દરિયાનાં મોજાં કંઇ રેતીને પૂછે તને ભીંજાવું ગમશે કે કેમ ગીત સાંભરે...

એનો અર્થ એવો તો નહીં કે કવિએે બીજાં ગીતો કે કાવ્યો રચ્યાં જ નથી. જે કવિ ગીતકારના નામે સંગીત સંધ્યા રજૂ કરો એે કવિની બીજી સરસ રચનાઓનો આસ્વાદ પણ કરાવવો જોઇએ. એક માત્ર મન મોર બની થનગાટ કરેમાં મેઘાણીબાપુ શી રીતે સમાઇ જાય ? કવિ દૂલા ભાયા કાગથી માંડીને સુરેશ દલાલ જેવા નાના મોટા તમામ કવિઓએ મેઘાણીબાપુને અંજલિ આપતાં દૂહા-છંદ અને સરસ કાવ્યો આપેલાં. એમની સ્મૃતિના નામે થતા પ્રોગ્રામમાં માત્ર એક ગીત ! બહુ કહેવાય. કહેવાતા સાહિત્ય રસિકો કે સુગમ સંગીતના રસિયાએા આવું શી રીતે ચલાવી લે છે એની પણ નવાઇ લાગે છે.

બાય ધ વે, આ લખનારને કવિવર રવીન્દ્રનાથ ઠાકુર (ટાગોર)નાં કેટલાંક સુભાષિતોનેા મેઘાણીબાપુએ કરેલો ભાવાનુવાદ અત્યંત પ્રિય છે. એમાંય નરસિંહ મહેતાના લાડકા ઝૂલણા છંદમાં એક ભાવાનુવાદ આ લેખકનો સૌથી વધુ માનીતો-લાડકો છે. માણેા તમે પણ. 'અસ્ત થાતાં રવિ, પૂછતાં અવનિને, સારશે કોણ કર્તવ્ય મારાં, સાંભળી શબ્દ એ, સ્તબ્ધ ઊભાં સહુ, મોં થયાં સર્વના સાવ કાળાં, એ સમે કોડિયું, એક માટી તણું, ભીડને કોક ખૂણેથી બોલ્યું, મામુલી જેવડી,

મારી ત્રેવડ પ્રભુ, સોંપજો એટલું તો કરીશ હું...' ક્યા બાત હૈ ! સૂર્ય સમાન થવાની તો કોઇનીય ત્રેવડ ન હોય, ઘરદીવડો બનીને એક ખૂણો અજવાળી શકીએ તોય ઘણું. મેઘાણી બાપુનું સર્જન તો ખરા અર્થમાં વિપુલ છે, સમૃદ્ધ છે. એને વિસરીને હિન્દી ફિલ્મમાં આવ્યું એટલા માત્રથી ફક્ત એક ગીત જ હજ્જારો વાર રજૂ કર્યા કરવાનો શો અર્થ ? એમાંય કેટલાક ઉત્સાહી નવોદિતો તો ગીતને મારી મચડીને રજૂ કરતાં હોય એવી છાપ પડે.

ગામડે ગામડે, નેસડે નેસડે, કસ્બે કસ્બે રઝળી રખડીને બાપુએ જે લોકસાહિત્ય એકઠું કર્યંુ એનોય જોટો જડે નહીં. ચારણો, ગઢવીઓ, દળણાં દળતી વૃદ્ધાઓ, કોઇ ઓરકેસ્ટ્રા વગર બુલંદ કંઠે વગડો ગજવતા માલધારીઓ કનેથી સમજાવટ અને પ્રેમથી બાપુએ જે વિસરાઇ રહેલો ખજાનો એકઠો કરીને ગુજરાતની પ્રજાને ભેટ આપ્યો એની જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી ! ખરેખર તો એમ કહીએ કે માતૃભાષાની એ સેવા સાચા અર્થમાં અજોડ અને અમૂલ્ય છે. સુરેશ દલાલના શબ્દોમાં કહું તો 'છંદ દૂહા ને સોરઠા, સોરઠી સરવાણી, રોતાં રાતે પાણીએ મરતાં મેઘાણી....!'

Comments