ટોપ્સીટર્વી - અજિત પોપટ
ગુજરાતની હાઇકોર્ટના કેટલાક માનનીય જજ સાહેબો રહે છે એવા અમદાવાદના પોશ એરિયામાં છેલ્લા દોઢ બે માસથી ટપાલો આવતી નથી.
પોતાની ઓળખ છૂપાવીને બોડકદેવ પોષ્ટ ઑફિસના એક સ્ટાફે માહિતી આપી: ૬૦ હજારનો પગારદાર એક કર્મચારી છેલ્લા બે માસથી કામ પર આવતો નથી... તમને ટપાલ મળે શી રીતે ? આ થયો એક દાખલો. વડોદરાથી છોટા ઉદેપુર જતાં માર્ગમાં કેટલાંય ગામડાં એવાં છે જ્યાં એસટીની બસોના સ્ટોપ નથી... આ બીજો દાખલો.
ભારતીય રેલવે રોજ સરેરાશ એક લાખ ઓગણીસ હજાર છસો ત્રીસ કિલોમીટરનું અંતર કાપે છે, વચ્ચે નાનામોટા ૭,૨૧૬ સ્ટેશન આવે છે. પરંતુ આજેય ફાટકમેન-સિગ્નલમેન હોવા છતાં રોજ ત્રણથી ચાર અકસ્માતો થાય છે. કોઇ કહેશે, આવડા મોટ્ટા દેશમાં આવું તો રોજ બને ને...તમેય શું ખોટી ફરિયાદો કરો છો ! દેશને આઝાદી મળ્યાંને સિત્તેર વર્ષ થયાં. છતાં આવું હોય તો આમ આદમી રાવ-ફરિયાદ ન કરે ?
લગભગ ૧૯૭૦ના દાયકાથી નાનામોટા દરેક સરકારી તંત્રમાં આવી લાપરવાહી ઘર કરી ગઇ છે. આજે તાર-ટપાલ ખાતું ખાડે ગયું છે. પરિણામે કુરિયર્સની બોલબાલા થઇ પડી છે. દેશના ખૂણે ખૂણે કુરિયર સેવા પહોંચી ગઇ છે. એવુંજ એસટી અને લક્ઝરી બસો વચ્ચેનું થયું છે. એસટી નથી જતી એવા સાવ નાનકુડા ગામડામાં પણ લક્ઝરી બસ પહોંચી છે.
રહી રેલવેની વાત. ખાસ્સા લાંબા સમયથી એવી વાતો થાય છે કે રેલવે તંત્રને ખાનગી ક્ષેત્રને સોંપી દેવું. પરંતુ રાક્ષસી સંખ્યા ધરાવતા કર્મચારી યુનિયનો એવું થવા દેતા નથી. પ્રધાનો આવે અને જાય છે. રેલવેના બાબુલોગ એના એ રહે છે. એક સાવ નાનકડો દાખલો લો. નામ છે વેસ્ટર્ન રેલવે પરંતુ એનું વડું મથક અમદાવાદને બદલે મુંબઇમાં છે.
ગુજરાતનાં મોટા ભાગનાં સ્ટેશનો પર ઉત્તર પ્રદેશના દુકાળમાંથી આવતા હોય એવા યુવાનો ટિકિટ કલેક્ટર કે સહાયક સ્ટેશન માસ્ટર છે. આવું શા માટે ? એમ કોઇ પૂછતું નથી. તાજેતરમાં એર ઇન્ડિયાના પાઇલટોએ અડીબાજી કરતાં કહી દીધું કે અમે વિમાન ઊડાડવા આવીએ ત્યારે શરાબ પીધો છે કે નહીં એની તપાસ નહીં કરવા દઇએ. લો બોલો ! કરોડો રૃપિયાનું વિમાન અને એમાં બેઠેલા સંખ્યાબંધ પેસેન્જર્સને શરાબી પાઇલટના હવાલે ભગવાન ભરોસે છોડી દેવાના...!
હજારો કર્મચારીઓ હોય ત્યાં યુનિયન રચાય એ સમજી શકાય પરંતુ એ યુનિયન પછી માથાભારે બનીને પોતાની આજીવિકા આપતા આમ આદમી સાથે સ્વચ્છંદી વર્તન કરે તો ક્યાં સુધી સહન કરવું એ વિચારવાનું છે. કુશળ વહીવટકર્તા મોરારજીભાઇ નાણાં પ્રધાન હતા ત્યારે એ સમયના વડા પ્રધાન ઇંદિરાજીને ચેતવેલા કે બેંકોનું નેશનલાઇઝેશન ન કરશો. પરંતુ ઇંદિરાજી માન્યા નહીં.
આજે 'સરકારી' બની ગયેલી બંેકોએ વિજય માલ્યા જેવા સંખ્યાબંધ ડિફોલ્ટર્સ પેદા કર્યા છે જે આમ આદમીના પસીનાના અબજો ખર્વો નિખર્વો રૃપિયા ચાઉં કરીને વિદેશ નાસી ગયા છે. કોના બાપની દિવાળી ? સાવ અભણ ગામડિયો પણ એ તો સમજી શકે કે બેંકના સ્ટાફના સહકાર વિના આ રીતે અબજો રૃપિયાની લોન પાસ થાય નહીં. ગાંધીવૈદના સહિયારા જેવો આ વ્યવહાર છે.
એનડીએ સરકાર સત્તા પર આવી ત્યારે બહુ મોટાં મોટાં વચનો આપ્યાં હતાં. એમાંનાં કેટલાં વચનોનું ખરેખર પાલન થયું છે એના આંકડા કોઇ ઇન્વેસ્ટિગેટિવ પત્રકારે મેળવીને પ્રગટ કરવા જેવા છે. જો કે કામ બહુ જોખમી છે. આવું કરવા જતાં જાન પણ જાય. આ તો ફેક ન્યૂઝનો જમાનો છે, ભૈ... સરકાર માઇબાપ આપે એ આંકડાને સો ટકા સાચ્ચા સમજી લેવાના. માંહ્યલા ગુણ મહાદેવજી જાણે.
જરા કલ્પના તો કરો સાહેબ, મહિને સાઠ હજારનો પગાર લેતો ટપાલી બબ્બે મહિના સુધી કામ ન કરે અને પોષ્ટ માસ્ટર લાચાર બનીને જોયા કરે એવું તો ભારતમાંજ બને. અન્યત્ર ક્યાંય આવું બન્યું હોવાનું કદી સાંભળ્યું છે ખરું ? અમેરિકા, ઇંગ્લેંડ અને અને યૂરોપિયન દેશોના પાઇલટો જેવા તગડો પગાર માગનારા ભારતીય પાઇલટોનેે શરાબ નથી પીધો એવો ટેસ્ટ આપવામાં ક્યાં પેટમાં દુ:ખે છે ? અકસ્માત થાય ત્યારે રેલવે પ્રધાન રાજીનામું આપી દે એ ઠીક છે. પરંતુ અકસ્માતોની વણઝાર સર્જાય ત્યારે લશ્કરી ધોરણે તપાસ ન થવી જોઇએ ? સોશ્યલ મિડિયા પર આવા સવાલોની ચર્ચા બહુ થાય છે.
એની નોંધ સરકારી તંત્ર કદી લેતું નથી. આ તો કુંભકર્ણની નિંદ્રા છે. એને ઊઠાડવા માટે માઇકલ જેક્સન પણ શરમાઇ જાય એવા હજારો ડેસિબલનાં અવાજે ઓરકેસ્ટ્રા વાગવું જોઇએ. કેટલેક અંશે-યસ, કેટલેક જ અંશે એવું ઓરકેસ્ટ્રા ન્યાયતંત્ર કન્ડક્ટ કરે છે ખરું. પણ એય કેટલે પહોંચે ? દેશની અડધાથી વધુ હાઇકોર્ટસ્માં જજો જ નથી.
Comments
Post a Comment