ચાલો માણીએ, જી. એસ. કોહલીનાં પાણીદાર મોતી જેવાં થોડાંક ગીતો

સિનેમેજિક - અજિત પોપટ
15 સપ્ટેમ્બર 2017 શુક્રવાર

કોઇ બિરદાવે કે વખોડે, આપણે આપણું કામ પ્રમાણિકતાથી કરી આપવું એવો મુદ્રાલેખ સંગીતકારોનો હતો

નજીકના સમયગાળામાં રજૂ થયેલી બંને ફિલ્મો શિકારી અને ફૌલાદનાં બધાં ગીતો હિટ નીવડયાં હતાં. આમ છતાં ગયા શુક્રવારે કહેલું એમ ગુરુ શરણ કોહલીને મોટાં બેનર્સની અને એ લિસ્ટના કલાકારોની બીજી ફિલ્મો મળી નહીં. આ માણસ ખરેખર સંતોષી જીવ હોવો જોઇએ કારણ કે એણે આ મુદ્દે ન કદી ફરિયાદ કરી ન પોતાને મળેલી ફિલ્મોના કામમાં વેઠ ઊતારી. ફિલ્મ સંગીતના સુવર્ણયુગના મોટા ભાગના સંગીતકારોની આ ખૂબી રહી છે.

કોઇ બિરદાવે કે વખોડે, આપણે આપણું કામ એકસો ટકા પ્રમાણિકતાથી કરી આપવું એવો મુદ્રાલેખ આ સમયગાળાના સંગીતકારોનો હતોે. ક્યારેક તો  મહેનતાણાના રકમની ચિંતા કર્યા વિના આ લોકોએ નિજાનંદ માટે કામ કરતાં હોય એ રીતે પોતાની જાતને નીચોવી દીધી છે. દરેક ફિલ્મના દરેક ગીતની ચર્ચા અહીં શક્ય હોતી નથી. એટલે હવે આપણે પાણીદાર મોતી જેવાં જી એસ કોહલીનાં કેટલાંક ગીતોનો આસ્વાદ માણીશું.

મુહમ્મદ રફીનાં ગીતોમાં એક ગીત જી. એસ. કોહલીનું પણ છે. કરુણતા એ હતી કે કોમેડિયન આય એસ જોહર ડબલરોલમાં હતા એવી ફિલ્મ મિસ્ટર ઇન્ડિયામાં આ ગીત હતું. બોલિવૂડના વણલખ્યા નિયમ મુજબ ફિલ્મ પીટાઇ જાય તો મોટે ભાગે એની બાકીની ખૂબીઓ વિસરાઇ જાય. સદ્ભાગ્યે મુહમ્મદ રફીએ ગાયેલા ગીત સાથે એવું ન થયું.

એ ગીત એટલે આ 'મત પૂછ મેરા હૈ કૌન વતન, ઔર મૈં કહાં કા હું, સારા જહાં હૈ મેરા ઔર મૈં સારે જહાં કા હું... અંજાનના આ ગીતને કોહલીએ એટલી સરસ રીતે જમાવ્યું હતું કે દેશભક્તિનું નહીં હોવા છતાં દેશભક્તિનાં ગીતોની એચએમવી દ્વારા ૧૯૮૦ના દાયકામાં રિલિઝ કરાયેલી કેસેટમાં એનો સમાવેશ કરાયો હતો.

આ ફિલ્મનાં બીજાં બે ગીતો પણ માણવા જેવાં હતાં. એક ગીત રફી સાહેબનું સોલો હતું, જ્યારે બીજું ગીત આશા ભોંસલે અને રફીનું ડયુએટ હતું. રફી સાહેબનું સોલો કેટલેક અંશેે જીવનની ફિલસૂફી જેવું હતું, 'ક્યા સોચ રહા હૈ મતવાલે, દુનિયા કે ખેલ નિરાલે...' જ્યારે ડયુએટનું મુખડું હતું 'નઝર યે તેરી તીખી ન માર બેઇમાન રે...' રસપ્રદ વાત એ હતી કે ૧૯૫૦ અને '૬૦ના દાયકામાં ટોચની ગણાતી અભિનેત્રી ગીતા બાલી આ ફિલ્મની હીરોઇન હતી. ગીતાની એક ખૂબી એવી કે એણે માસ્ટર ભગવાન સાથે 'અલબેલા' જેવી ફિલ્મ પણ કરી.

એ હિસાબે એ લિસ્ટના કલાકારો સાથેજ ફિલ્મો કરવી એવો દંભ એ કરતી નહોતી. બહુ વહેલી મરણ પામી બાકી ગીતાબાલી ગજબની નટખટ અભિનેત્રી હતી. આ બંને ગીતો જાં નિસાર અખ્તરના હતા જેનો પુત્ર જાવેદ અખ્તર પાછળથી ટોચનો સ્ક્રીપ્ટ રાઇટર અને ગીતકાર પણ બન્યો. જાં નિસારની ત્રીજી પેઢીનાં સંતાનો અત્યારે બોલિવૂડમાં સક્રિય છે. ઝોયા અખ્તર ફિલ્મ સર્જક છે તો એનો ભાઇ ફરહાન અખ્તર અભિનેતા-ફિલ્મ સર્જક હોવા ઉપરાંત ગાયક પણ છે.

અહીં શિકારીના ઔર એક બે ગીતોની વાત કરવી અસ્થાને નહીં ગણાય. 'ચમન કે ફૂલ ભી તુઝ કો ગુલાબ કહતે હૈં, હમીં નહીં, હૈ સભી લાજવાબ કહતે હૈં ...'  લતાજી અને મુહમ્મદ રફીના કંઠે ગવાયેલું આ ગીત પણ લાંબા સમય સુધી લોકપ્રિય રહ્યું હતું. એનું ઓરકેસ્ટ્રેશન ખુદ ઓ. પી. નય્યરે બિરદાવ્યું હતું એમ કહેવાય છે.

લતાજીના સોલો 'બાજે ઘુંઘરું છુન છુન છુન, દિલ કી ધડકન સુન સુન સુન...'ને ફિલ્મનાં અન્ય ગીતોની તુલનાએ વધુ લોકપ્રિયતા મળી નહોતી એમ કહી શકાય. આ ફિલ્મના આશા ભોંસલેએ હેલન માટે ગાયેલા ગીતને યાદ કરવા જેવું છે. આ ગીતના ઓરકેસ્ટ્રેશનમાં ઓપી નય્યરની શૈલીના પંજાબી સૂર-લયની પ્રતીતિ થાય છે.  કમર જલાલાબાદીની આ રચનાનું મુખડું હતું 'યહ રંગીન મહફિલ ગુલાબી ગુલાબી, મેરે દિલ કા આલમ શરાબી શરાબી...'

મિસ્ટર ઇન્ડિયા, શિકારી અને ફૌલાદની તુલનાએે ૧૯૬૪માં રજૂ થયેલી હોમી વાડિયાની ફિલ્મ ચાર દરવેશના સંગીતને સરખાવી શકાય એમ નથી. છતાં આ ફિલ્મના એકાદ બે ગીતની વાત કરવી જરૃરી લાગે છે. પાછળથી આપણા સૌનો લાડકો અને એ લિસ્ટનો કલાકાર બની ગયેલો ફિરોઝ ખાન આ કોસ્ચ્યુમ ફેન્ટસી ફિલ્મનો હીરો હતો.

સઇદા ખાન હીરોઇન હતી. અરેબિયન નાઇટ્સમાં આવતી હાતિમતાઇ અને સાત સવાલોની કથામાં હોય છે એવી ટ્વીસ્ટ આ ફિલ્મની કથામાં હતી. દરિયામાં ફેંકી દેવાયેલો હીરો દરિયામાં ઊંડે આવેલી એક નગરીમાં પહોંચે, ગરદન સુધી પથ્થર બની ગયેલી એક યુવતીને દુષ્ટ જાદુગરની કેદમાંથી ઊગારવાની જહેમત ઊઠાવે... એવી મસાલેદાર વાર્તા હતી.              
(ક્રમશઃ)

Comments