સિનેમેજિક - અજિત પોપટ
30 સપ્ટેમ્બર 2016, શુક્રવાર
આજે મહિનાનો છેલ્લો શુક્રવાર. એટલે ટીનેજર્સ માટે કંઇક લખવાનું. ફિલ્મ ઉદ્યોગના સિનિયર સ્ટીલ ફોટોગ્રાફર કમ મ્યુઝિક ડિરેક્ટરીના એકલવીર સંપાદક સુરેશ જેઠવાનું પુસ્તક યાદ આવ્યું. એમાં નજર કરતાં બે યુવાન પ્રતિભા કલ્પનાચક્ષુ સામે આવી ઊભી. અત્યાર અગાઉ ફિલ્મ સંગીતમાં બે કચ્છી ભાઇઓનાં નામ મોખરે હતાં કલ્યાણજી આનંદજી (કે આણંદજી).
લગભગ ચારસો ફિલ્મોમાં સંગીત પીરસનારા આ બંને કચ્છી માડુએ સરહદ પરના જવાનો માટે પણ સુનીલ દત્ત અને નર્ગિસ સાથે સંખ્યાબંધ પ્રોગ્રામ્સ કરેલા. અસંખ્ય ચેરિટી શો દ્વારા વિવિધ સામાજિક-શૈક્ષણિર-સાંસ્કૃતિક કાર્યો માટે કરોડોનું ભંડોળ એકત્ર કરી આપેલું.
સૌથી મોટી વાત તો એ કે દરેક દાયકાના ટોચના ફિલ્મ સર્જકો અને ટોચના અભિનેતાઓ સાથે કામ કરવા ઉપરાંત તેમની સાથે ગજબની આત્મીયતા કેળવી હતી. એટલેજ કલ્યાણજીભાઇએ દેહત્યાગ કર્યો એેવા સમાચાર મળતાં તમામ કામ છોડીને એમના ઘરના દરવાજે સૌ પ્રથમ અમિતાભ બચ્ચન જઇ પહોંચ્યા હતા.
ઔર એક ક્ચ્છી બંધુ બેલડી છેલ્લા થોડા સમયથી ફિલ્મ સંગીતમાં સક્રિય થઇ છે. આમ તો ઇસ્માઇલી ખોજા પરિવારના છે આ બંને યુવાનો. હું એેમને પ્રેમથી 'ફ્યૂઝન બંધુ-બેલડી' કહું છું. એનું કારણ પણ તમે એમના પરિચયની વાતમાંથી સમજી જશો.
કચ્છી મેમણ અને કચ્છી ખોજા પરિવારોની કચ્છી બોલી ખૂબ મીઠ્ઠી હોય છે. એવીજ મીઠ્ઠી શરૃઆત આ બંને ભાઇઓએ કારકિર્દીની કરી. એમના પિતા આમ તો ઇસ્માઇલી સમાજના સ્કાઉટ ઓરકેસ્ટ્રાનું સંચાલન કરવા ઉપરાંત ફિલ્મ સંગીતકારો સાથે જુદા જુદા સાજ છેડતા. આમ ઘરમાંજ સંગીતનું વાતાવરણ હતું.
એટલે આ બંને છોકરાઓ માતાની કૂખમાં હતા ત્યારથી તેમનાં જિન્સમાંજ સંગીતના સૂરો ગંૂજતા હતા. પરંતુ કુદરત જુઓ, કેવા કેવા ખેલ કરે છે. આપણે ત્યાં દર વરસે હજ્જારો હોનહાર ગુજરાતી બાળકો લંડનની ટ્રિનિટી કૉલેજ ઑફ મ્યુઝિકની પાશ્ચાત્ય સંગીતની પરીક્ષાઓ આપતા હોય છે. તમારી જાણ સારુ કહી દઉં. આ લખનારને જાત અનુભવ છે. પાશ્ચાત્ય સંગીતની બારીકી સમજવાના પ્રયાસ રૃપે આ લેખકે પિયાનોની ત્રણ વર્ષની પરીક્ષા પાસ કરી છે. એ લોકો એને ગ્રેડ થ્રી કહે છે.
આવી આઠ ગ્રેડની પરીક્ષા હોય છે. એમાં બાખ, બીથોવન, મોરિસ, બ્રાહ્મ્સ, જ્હૉન એડમ્સ, ચોપીન વગેરેના સંગીતને એકસો ટકા ઝીણવટભેર રજૂ કરવાનું હોય. આ પરીક્ષા લેવા ખાસ લંડનથી પરીક્ષકો આવે છે. તમને એક છાપેલી નોટેશનની કોપી આપે. એમાં વાંચીને તરત તમારે વગાડવાનું. કોપી વાંચવા વધુ સમય અપાતો નથી. એટલે જ સ્ટાફ નોટેશન જાણતી વ્યક્તિ ફિલ્મ સંગીતમાં તરત સાજંદા તરીકે પાસ થઇ જાય છે.
વિદેશી પરીક્ષકો કોઇની સાડીબાર રાખ્યા વિના કે વગવસીલાની પરવા કર્યા વિના ખૂબ આકરી પરીક્ષા લેતા હોય છે. લેખિત પેપર હોય તેમ સાજ છેડવાનાં પ્રેક્ટિકલ્સ હોય. મુંબઇમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના પ્રતીક્ષા બંગલા સામે પંડિત નિખિલ ઘોષની સંગીત મહાભારતી સંસ્થામાં ટ્રિનિટી કૉલેજના પરીક્ષકો પ્રેક્ટિકલ્સ માટે આવે છે.
જે બંધુ બેલડીની વાત મારે હવે કરવાની છે એમાંના એકે આ ટ્રિનિટી કૉલેજના આઠે આઠ ગ્રેડની પિયાનોની પરીક્ષા ઉચ્ચ માર્ક્સ સાથે પાસ કરીને પિયાનો પર સારો કાબુ મેળવ્યો. એણે ઘરમાં પિતા દ્વારા વારસામાં મળેલા ભારતીય સંગીત ઉપરાંત પાશ્ચાત્ય શાસ્ત્રોક્ત સંગીતના દિગ્ગજોને પચાવ્યા છે. અત્યાર અગાઉ ફક્ત બે ટોચના સંગીતકારોએ આ પ્રકારની પાશ્ચાત્ય સંગીતની પરીક્ષાઓ પસાર કરેલી.
એક વનરાજ ભાટિયા.એમના નેપિયન સી રોડ પરના સમુદ્રતટે વસેલા યૂરોપિયન શૈલીના ઘરમાં આ લખનારે ગ્રાન્ડ પિયાનો જોયો છે. આવા ગ્રાન્ડ પિયાનો ફક્ત ફિલ્મોમાં જોવા મળે અથવા ગર્ભશ્રીમંત પરિવારોમાં જોવા મળે. પાશ્ચાત્ય સંગીતની ડિગ્રી ધરાવનાર બીજો સંગીતકાર એટલે પંચમ-આર ડી બર્મન. ખેર, વાત આગળ વધારીએ.
બીજા ભાઇને થયું હશે કે મારો ભાઇ સૂરોની સાધના કરે તો હું લયની પાછળ દોડું એ સ્વાભાવિક રહેશે. એણે તબલાં પર પસંદગી ઊતારી. વિશ્વવિખ્યાત તબલાંવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈન અને એના નાનાભાઇ તૌફિક કુરૈશી પાસે તાલીમ લઇને આ ભાઇ તૈયાર થયા.
પિતા તો એક કરતાં વધુ વાદ્યો વગાડી શકતા અને અચ્છા કમ્પોઝર તેમજ ઓરકેસ્ટ્રા કન્ડક્ટર સાબિત થઇ ચૂક્યા હતા. મોરનાં ઇંડાંને કંઇ ચીતરવા પડે ? એમાંય કચ્છી માડુ તો પાટુ મારીને ધરતીમાંથી પાણી કાઢવાની હામ ધરાવતો હોય... એટલે બંને ભાઇઓ વરસોની તાલીમ અને આકરા રિયાઝ પછી તૈયાર થયા.
ત્યારબાદ ફિલ્મ સંગીતના સુવર્ણયુગની યાદ તાજી કરાવે એવું સંગીત પીરસવાનું બીડું ઝડપ્યું. આવતા મહિનાના છેલ્લા શુક્રવારે શરૃ કરીશું એમણે કરેલા કામની એટલે કે એમના સંગીતની વાતો... તબ તક કે લિયે આજ્ઞા દીજિયે...!
Comments
Post a Comment