આ રહ્યાં સરદાર મલિકનાં કેટલાંક હિટ ગીતોઃ સાંભળો અને ગમે તો સાચવી રાખો


સિનેમેજિક-અજિત પોપટ
20 મે 2016, શુક્રવાર

થોડા સમય પહેલાં લિવિંગ લેજન્ડ કહેવાય એવા ફિલ્મ સર્જક વી. શાંતારામની આત્મકથા શાંતારામા ફરી એકવાર વાંચવાની તક મળેલી. એમાં શાંતારામે અલબત્ત, કોઇ ડંખ કે પૂર્વગ્રહ વગર એવો દાવો કરેલો કે વસંત દેસાઇના નામે ચડેલાં કેટલાંક હિટ ગીતોની તર્જ વાસ્તવમાં ગીતકાર ભરત વ્યાસની તર્જો હતી. એકવાર વસંત દેસાઇએ ભરત વ્યાસની અદેખાઇ કરતાં કહ્યું કે હું આવી એકસો તર્જો બનાવી શકું એટલે મેં (શાંતારામે) એમને ઠપકો આપ્યો... એ પછી કેટલાક સમય બાદ એ મારી કંપની છોડી ગયા. 

વસંત દેસાઇનું આ બાબતનું વર્ઝન અલગ હતું એ હું અગાઉ આ સ્થળેથી લખી ગયો છું... જો કે આવા આક્ષેપો એક કરતાં વધુ સંગીતકારો માટે થયા છે. નૈાશાદ સાહેબ નવા નવા હતા ત્યારે એમની તર્જો ડી. એન. મધોકે બનાવેલી એવા દાવા થયેલા...પાછળથી ગુલામ મુહમ્મદનું નામ નૌશાદ સાહેબનાં હિટ ગીતો માટે અપાયું હતું. સી રામચંદ્રની કેટલીક બંદિશો કવિ પ્રદીપજીએ તૈયાર કરી આપેલી. 

પ્રદીપજીની તો તેમણે પોતે ગાયેલાં ગીતોની એલપી પણ એચએમવી કંપનીએ રિલિઝ કરેલી. એટલે એમણે બંદિશો સાથે રચેલાં ગીતોની વાતો આપણને સાચી પણ લાગે. આ લખનારે સરોદ-મેંડોલીનવાદક કિશોર દેસાઇના ઘેર જોયેલી-માણેલી એક ડોક્યુમેન્ટરીમાં પ્રદીપજીએ જાતે 'અય મેરે વતન કે લોગો...'ની આરંભની પંક્તિઓ ગાઇને સંભળાવેલી જોઇ છે.  ઇન્ટરવ્યૂ લેનારને પ્રદીપજીએ કહેલું કે મેં અણ્ણાને આ રીતે ગાઇ સંભળાવેલું. પછી એણે બાકીનું અનુસંધાન અને ટચ અપ જોડયાં હતાં. 

પ્રદીપજીનો અપવાદ બાદ કરતાં અન્ય સંગીતકારો વિશેની આવી બધી વાતો ફિલ્મ સામયિકોની ગોસિપ કૉલમોમાં પ્રગટ થતી રહે છે. એક વાત નક્કી કે બધાં ગીતકારોને સંગીતનું પર્યાપ્ત જ્ઞાન હોતું નથી. એટલે બધાં કંઇ ગીતની સાથે તર્જ આપે નહીં. અહીં ઐાર એક વાત યાદ કરવા જેવી છે. સંગીતકાર નૌશાદ પોતે આલા દરજ્જાના શાયર અને વાર્તાકાર હતા એટલે કેટલાંક ગીતોનાં મુખડાં એમણે ગીતકારોને આપ્યાં હોય એવું પણ બનેલું. એવુંજ સંગીતકાર રવીન્દ્ર જૈન માટે કહી શકાય. એ સંગીતકાર હોવા ઉપરાંત અચ્છા ગીતકાર હતા. બાકી અન્ય સંગીતકારોની જેમ સરદાર મલિક સાથે પણ આવું બનેલું. સારંગાનાં અમુક ગીતો ગીતકાર ભરત વ્યાસે તર્જો સાથેે તૈયાર કરેલા એવી વાતો ગોસિપ કૉલમોમાં પ્રગટ થયેલી. 

આપણે એવી મલ્લિનાથીમાં પડયા વિના હિટ ગીતોને મમળાવીએ. આ જ ફિલ્મનું મૂકેશના કંઠે રજૂ થયેલું ઐાર એક યાદગાર ગીત એટલે આઃ 'હાં દિવાના હું મૈં, ગમ કા મારા હુઆ, ઇક દિવાના હું મૈં...' મહેબૂબ ખાનની ફિલ્મ અંદાજમાં દિલીપ કુમાર માટે મૂકેશે ગીતો ગાયાં હતાં એ તમને યાદ હશે. સારંગામાં જો દિલીપ કુમાર, રાજ કપૂર કે રાજેન્દ્ર (જ્યુબિલી) કુમાર  જેવો કોઇ હીરો હોત તો... ટોચના પાંચ સંગીતકારોમાં સરદાર મલિક આવી ગયા હોત. જો કે ઇતિહાસમાં 'જો' કે 'તો' હોતાં નથી. મૂકેશજીએ પોતાની સમગ્ર કારકિર્દીમાં હજારેક ગીતો ગાયાં. સંખ્યાને ઝાઝું મહત્ત્વ ન આપીએ. તો પણ એમનાં કેટલાંક ગીતો ભલભલા પથ્થર-દિલ ઇન્સાનની આંખો પણ ભીંજવી દે એવાં છે. આ લખનાર નમ્રપણે માને છે કે એવાં ગીતોમાં હાં દિવાના હું મૈં ગીતનો સમાવેશ કરી શકાય. 

જો કે સારંગા ફિલ્મનાં મોટા ભાગનાં ગીતો આવાં સરસ બન્યાં હતાં એમ કહીએ તો એ અતિશયોક્તિ નહીં ગણાય. આપણા ગુજરાતી સર્જક ધીરુભાઇ દેસાઇ નિર્દેશિત આ ફિલ્મમાં પૌરાણિક ફિલ્મોની જાણીતી અભિનેત્રી જયશ્રી ગડકર અને બી કે સી ગ્રેડનો ગણાયેલો અભિનેતા સુદેશ કુમાર મુખ્ય રોલ કરતાં હતાં. મરાઠી વાર્તાકાર અનંત શ્યામની પટકથા પરથી આ ફિલ્મ બનેલી. ફિલ્મે બોક્સ ઑફિસ પર કોઇ વાઘ માર્યો નહોતો પરંતુ ગીત-સંગીત સોનાની લગડી જેવું હિટ નીવડયું હતું. 

સૌથી મહત્ત્વની વાત એ હતી કે આપણા બીજા ગરવા ગુજરાતી સંગીતકાર (અવ્વલ દરજ્જાના મેંડોલીન અને સરોદવાદક) કિશોર દેસાઇ આ ફિલ્મમાં સરદાર મલિકના સહાયક સંગીતકાર હતા. જે લોકો કિશોરભાઇને નિકટતાથી જાણે છે એમને ખ્યાલ છે કે વી (વિસ્તાસ્પ) બલસારાની જેમ કિશોરભાઇએ પણ કેટલીક ફિલ્મોમાં સ્વતંત્ર સંગીતકાર તરીકે કામગીરી બજાવી હતી. કિશોરભાઇએ એક વાત સરસ કરી. તેમણે કહ્યું કે સૈનિકો કામ ગમે તેટલું ઉત્તમ કરે, યશ સદાય સેનાપતિને મળતો હોય છે. 

જે તે ગીતમાં અલગ અલગ વાજિંત્ર વગાડનારા કલાકારો પોતે પણ ટોચના સંગીતકાર હોય છે. જેમ કે સારંગીવાદક પંડિત રામનારાયણ, સંતુરવાદક પંડિત શિવકુમાર શર્મા, બાંસુરીવાદક પંડિત હરિપ્રસાદ ચૌરસિયા. આ લોકોએ જે તે ગીતમાં માસ્ટરપીસ આપ્યા હોય પરંતુ યશ તો સંગીતકારના નામે જ ચડે. એટલે આવા બિનજરૃરી વિવાદનો ચગાવવાનો કશો અર્થ હોતો નથી. તમારી વાત સાવ સાચી કિશોરભાઇ...(ક્રમશઃ)

Comments