સિનેમેજિક-અજિત પોપટ
13 મે 2016, શુક્રવાર
તાજેતરમાં સંગીતકાર નૌશાદનાં યાદગાર ગીતોના બે સ્ટેજ પ્રોગ્રામમાં હાજર રહેવાની તક મળેલી. નીલેશ અગ્રવાલ નામના સંગીતપ્રેમીએ પ્રયોગરૃપે આ શો યોજેલા. એ સમયે એક વિચિત્ર લાગે એવી ઘટના યાદ આવી ગઇ.
અભિનેતા કે ગાયક તરીકે બહુ મોટું નામ ન કહેવાય એવા કરણ દિવાને ૧૯૪૪માં રતન ફિલ્મ બનાવેલી. આ ફિલ્મ સુપરહિટ નીવડી. દિવાને નૌશાદ સાહેબને મૌખિક વચન આપેલું કે સંગીત હિટ થાય તો હું તમને નફામાંથી અમુક હિસ્સો આપીશ.
નૌશાદ સાહેબનાં માતા-પિતાએ એમનાં લગ્ન યોજ્યાં હતાં એટલે સંગીતકારને એમ કે બે પૈસા વધુ મળે તો પ્રસંગ પર વાપરી શકાય. કરણ દિવાનની તિજોરી છલકાઇ જાય એવી મબલખ આવક થઇ. પરંતુ નૌશાદ સાહેબને આપેલું વચન એ સ્વસ્થતાથી ભૂલી ગયા... નૌશાદ સાહેબની આંખના ખૂણા આ ઘટના યાદ કરતાં ભીના થઇ ગયેલા.
હમ દોનોં ફિલ્મ અને જયદેવજી વિશે અગાઉ હું લખી ગયો છું. આ ફિલ્મ માટે એમને રોકડા ૭૫૦ રૃપિયા મળેલા. એક ઇન્ટરવ્યૂમાં આવું જ કંઇક સંગીતકાર સરદાર મલિકે કહ્યું હતું. 'મારી ફિલ્મ સારંગાના સંગીતની રૉયલ્ટીની આવક ફિલ્મ સર્જકો અને રેકોર્ડ કંપનીને એ જમાનામાં ચાલીસ લાખ રૃપિયા થઇ હતી.
બીજી બાજુ હું અને મારો પરિવાર રીતસર ભૂખે મરતા હતા....ચાહકોના પત્રોના જવાબ હું આપતો નહોતો એટલે ઘણાને લાગતું કે આ માણસ ઘમંડી છે, હકીકત એ હતી કે પરિવારનું પેટ ભરવાના પૈસા ન હોય તો પોસ્ટલ સ્ટેશનરીના પૈસા ક્યાંથી કાઢવા ? ' આ વાત એ જમાનાની છે પ્રિય વાચક, જ્યારે એક રૃપિયાની બે રતલ (આજની ભષામાં એક કિલો ) ખાંડ મળતી હતી, એક રૃપિયામાં સારી ક્વોલિટીના પાંચ ડઝન કેળાં મળતા હતા. એવા સમયે ચાલીસ લાખ રૃપિયા એટલે શું કહેવાય !
પરંતુ ન તો સરદાર મલિકને ટોચના સંગીતકારનો દરજ્જો મળ્યો કે ન તો મબલખ આવક થઇ. સારંગા સાથે સંકળાયેલા બધા આર્થિક રીતે તરી ગયા. સૌથી રસપ્રદ વાત એ છે કે પોતાની સાથે આવી એક કરતાં વધુ ઘટના બનેલી છતાં સરદાર મલિકના બોલવામાં કદી કડવાશ આવી નહોતી.
એ સંજોગોને આધીન રહીને સમય વ્યતીત કરતા રહ્યા. આજે પણ આ વાત કરતી વખતે અનુ મલિક કહેશે કે અબ્બુ અજીબ કે ઇન્સાન થે...કભી શિકાયત યા ગીલા નહીં કરતે થે... ચૂપચાપ અપના કામ કરતે રહે... અનુ મલિક તો એમનો પુત્ર છે. એમના સહાયક સંગીતકાર રહી ચૂકેલા ગરવા ગુજરાતી મેંડોલીન-સરોદવાદક કિશોર દેસાઇ પણ આવું જ કહે છે.
મૂકેશનાં ગીતોના ચાહકો પાસે સારંગાના મૂકેશે ગાયેલાં ગીત અચૂક હોવાના. એ જ રીતે હેમંત કુમારના ચાહકો પાસે સરદાર મલિકે હેમંત કુમાર પાસે ગવડાવેલું 'મૈં ગરીબોં કા દિલ હું, વતન કી જુબાં હું... (ફિલ્મ આબ-એ-હયાત, ૧૯૫૫ ) હશે જ. પરંતુ એ ગીતોના સર્જક આજે લગભગ ભૂલાઇ ગયા છે.
સંગીતકાર રોશન વિશે વાત કરતી વખતે આજના ટીનેજર્સને એ રિતિક રોશનના દાદા હતા એમ કહેવું પડે તો કેટલું અજીબ લાગે... આજે સરદાર મલિકની વાત કરતી વખતે એવું કહેવું પડે કે એ અરમાન મલિકના દાદા હતા. ઘણા સંગીત રસિકોને લાગેલું કે સારંગા તેરી યાદ મેં...ગીતનું સંગીત રોશન સાહેબનું છે.
વાસ્તવમાં રોશન સાહેબે રાગ યમનમાં જે ગીતો સ્વરબદ્ધ કરેલા એવો જ રાગ યમન સરદાર મલિક આ ગીતમાં સર્જી શક્યા હતા. એટલે જ સરદાર મલિક વિશે લખવાનો આરંભ કર્યો ત્યારે પહેલા એપિસોડમાં કહેલું કે કોઇને એમના ગીતમાં રોશનની અસર વર્તાઇ તો કોઇને બીજા ગીતમાં સી રામચંદ્રની અસર વર્તાઇ... હજુ ગયા મહિને સિને મ્યુઝિશિયન્સ એસોસિયેશનની સંસ્થા સ્વર આલાપે મુંબઇમાં રાગ યમન પર આધારિત ગીતોનો એક શાનદાર પ્રોગ્રામ કર્યો હતો. લગભગ દરેક સંગીતકારે આ રાગનો પોતાની રીતે વિશિષ્ટ ઉપયોગ કરીને ગીતો રચ્યાં છે.
રોશન સાહેબે તો એક કવ્વાલી જેવા ગીતમાં પણ આ રાગને સરસ રીતે પ્રગટ કર્યો હતો. ફિલ્મ દિલ હી તો હૈ ફિલ્મનું આ ગીત યાદ કરી જો જો. નિગાહેં મિલાને કો જી ચાહતા હૈ... પછી સારંગા તેરી યાદ મેં, નૈન હુએ બેચૈન...ગણગણી જો જો.. કદાચ તમને પણ એવું લાગશે કે આ ગીત રોશન સાહેબે સ્વરબદ્ધ કર્યું હોવું જોઇએ.
હકીકતમાં એક સંગીતકારની સ્ટાઇલને અનુરૃપ તર્જો બીજો સંગીતકાર બનાવે ત્યારે આ પ્રકારની ગેરસમજ થતી હોય છે. એકવાર સંગીતકાર (શંકર જયકિસન ફેઇમ) જયકિસને ગરવા ગુજરાતી સંગીત-સમીક્ષક જીતુભાઇ મહેતાને કહેલું કે કલ્યાણજી આણંદજીએ મૂકેશ પાસે ઘણાં ગીતો એવાં ગવડાવ્યાં છે જે સાંભળનારને એવો અહેસાસ કરાવે કે આ ગીતો શંકર જયકિસનનાં છે... આવી ખેલદિલી એ સમયના સંગીતકારોમાં હતી. એકબીજાને મદદ કરવાનું ત્યારે સાવ સહજ હતું.
સી રામચંદ્ર ઘણીવાર અન્ય સંગીતકારોના રેકોર્ડિંગમાં પહોંચી જઇને વાદ્યવૃન્દનું સંચાલન કરવા માંડતા. સરદાર મલિકે પણ એ રીતે કેટલાક સાથીદારો સાથે કાર્ય સંકલન કરેલું. પરંતુ સરદાર મલિક પોતાની કારકિર્દીને વેગવંતી કરી શક્યા નહીં. હવેના એકાદ બે એપિસોડમાં એમનાં હિટ ગીતોની વાત કરીશું. (ક્રમશઃ)
Comments
Post a Comment