સિનેમેજિક-અજિત પોપટ
6 મે 2016, શુક્રવાર
પહેલી બોલતી ફિલ્મ (ટૉકી) અરદેશર ઇરાનીની આલમઆરા ૧૯૩૧માં આવી અને પહેલું પ્લેબેક ૧૯૩૫થી શરૃ થયું. ૧૯૩૧થી છેલ્લાં એંસી પંચ્યાશી વરસની તવારીખ પર નજર નાખતાં ખ્યાલ આવશે કે શંકર જયકિસન જેવા એકાદ અપવાદને બાદ કરતાં લગભગ દરેક કલાકાર કસબીની આરંભની ફિલ્મો પીટાઇ ગયેલી. આજે મેગાસ્ટાર ગણાતા અમિતાભ બચ્ચન કે પોતાને બોલિવૂડના સુપરસ્ટાર ગણાવનારા રાજેશ ખન્નાની પણ આરંભની ફિલ્મો ફ્લોપ નીવડી હતી.
ફિલ્મ પીટાઇ જાય એટલે અદાકારોથી માંડીને સિનેમેટોગ્રાફર, ગીતકાર, સંગીતકાર, એડિટર વગેરે બધાંને સહન કરવું પડે. છેલ્લા બે શુક્રવારથી જે સંગીતકારની વાત માંડી હતી એને સાચ્ચા સંગીત રસિકો તો પહેલાજ એપિસોડથી પારખી ગયેલા કે આ વાત સંગીતકાર સરદાર મલિકની છે. એમની ત્રીજી પેઢી એટલે કે દેબુ મલિકના પુત્રો અયાન અને અરમાન અત્યારે ફિલ્મ સંગીત ક્ષેત્રમાં છે. સરદાર મલિક મુંબઇ આવ્યા એ સાલ હતી ૧૯૪૭ની.
રાજ કપૂરની ટીમના એક ટોચના ગીતકાર હસરત જયપુરીની બહેન સાથે લગ્ન થયાં. દેશ આઝાદ થાઉં થાઉં કરતો હતો એ સમયગાળામાં સરદારે શરૃની જે એકાદ-બે ફિલ્મો કરી એમાંની એક એટલે રૈનબસેરા. યોગાનુયોગ જુઓ કે રૈનબસેરા એટલે રાતવાસો.
પણ સરદાર કંઇ રાતવાસો કરવા મુંબઇ આવ્યા નહોતા. એમને તો ફિલ્મોમાં સંગીત પીરસવું હતું. ગાવાનોય શોખ ખરો. સારું ગાતા હતા. શરૃઆતમાં પોતે કેટલાંક ફિલ્મ ગીતો ગાયાં પણ ખરાં. પરંતુ બહુ જલદી એમને સમજાઇ ગયું કે મુહમ્મદ રફી, મૂકેશ કે મન્ના ડે જેવા ગાયકો પાસે પોતે બહુ ચાલી શકે એમ નથી એટલે સમયસર ગાવાનું છોડીને ફક્ત સંગીત પીરસતા થઇ ગયા.
આરંભની ત્રણ ચાર ફિલ્મોએ એમને બહુ કામિયાબી ન આપી. રેણુકા, રાઝ, સ્ટેજ વગેરે ફિલ્મોનાં આજે તો નામ પણ કોઇને યાદ નહીં હોય. ફિલ્મ સૃષ્ટિનો એેક વણલખ્યો નિયમ છેઃ ફિલ્મ હિટ થાય તો આખી ટીમ હિટ થાય, ફિલ્મ પીટાઇ જાય તો ટીમના કોઇ કહેતાં કોઇનું નામ યાદ ન રહે. સરદાર મલિકે પણ પહેલા ચાર પાંચ વર્ષ સંઘર્ષ કર્યો એમ કહીએે તો ચાલે. આ એવો સમયગાળો હતો જ્યારે નૌશાદ, સી રામચંદ્ર, એસ ડી બર્મન વગેરે ધીમે ધીમે પણ મક્કમ પગલે જામી રહ્યા હતા.
શંકર જયકિસનનો સૂર્યોદય થઇ રહ્યો હતો. એવા સમયે નસીબના સાથ વિના કોઇ પ્રતિભા ટકી શકે એવી શક્યતા નહોતી. છેક ૧૯૫૩માં આવેલી લૈલા મજનુ ફિલ્મથી પહેલીવાર સરદાર મલિકનું નામ કેટલેક અંશે જાણીતું થયું. આ લૈલા મજુનનો હીરો પાછળથી ટોચનો ડાન્સર અભિનેતા ગણાયેલો શમ્મી કપૂર હતો. એની લૈલાનો રોલ કરેલો નૂતને. આ ફિલ્મમાં સરદાર મલિક એકલા સંગીતકાર નહોતા.
પાછળથી નૌશાદના સાથી ગણાયેલા ગુલામ મુહમ્મદ એમના ભાગીદાર હતા. હકીકતમાં સરદાર મલિકના ફાળે આ ફિલ્મમાં ફક્ત બે ગીતો આવ્યા હતા. એમાંનું વિરહલક્ષી પ્રણયગીત યાદગાર કહી શકાય એવું બન્યું હતું.
એ ગીત એટલે તલત મહેમૂદ અને આશા ભોંસલેએ ગાયેલું 'બહારોં કી દુનિયા પુકારે તૂ આજા, તેરે મુન્તઝિર હૈં સિતારે તૂ આજા, સદા ખુશ રહે તૂ ભૂલા દેને વાલે, દુઆ દે રહે હૈં દુઆ દેને વાલે...' આજે શમ્મી કપૂરના ચાહકો એવી કલ્પના પણ ન કરી શકે કે તલત મહેમૂદે એના માટે કંઠ આપ્યો હશે. સરદાર સાહેબના ભાગે આવેલું બીજું ગીત પણ પ્રણયભગ્ન દિલનું હોય એવું હતું અને એ પણ તલત-આશાના કંઠમાં હતું. એનું મુખડું આ રહ્યું, 'દેખ લી અય ઇશ્ક તેરી મહરબાની દેખ લી, ખાક મેં મિલતી હુઇ અપની જવાની દેખ લી...'
શમ્મી કપૂર માટે તલતે ગાયેલાં આ ગીતોએ ભલે સરદાર મલિકને મબલખ યશ ન આપ્યો. પરંતુ તલતના ત્યારપછીના એક ગીતે સરદાર મલિકના નામને જાણીતું કર્યું ખરું. એ ગીત એટલે ૧૯૫૪માં રજૂ થયેલી ફિલ્મ 'ઠોકર'માં ફરી એકવાર શમ્મી કપૂર માટે ગવાયેલું આ ગીતઃ 'અય ગમ-એ-દિલ ક્યા કરું, અય વહશત-એ-દિલ ક્યા કરું...મજાઝ લખનવીના શબ્દો ઊર્દૂપ્રચુર હતા. આ મજાઝ એટલે આજના ટોચના ગીતકાર જાવેદ અખ્તરના મામા. જાવેદના પિતા જાં નિસાર અખ્તર મજાઝ (એમનું પણ સાચું નામ અસરાર ઉલ હક)ની બહેનને પરણેલા. મજાઝને ઊર્દૂ ભાષાના કીટ્સ કહેવાતા.
કીટ્સ ઇંગ્લીશ કવિ હતા. આ મજાઝ કોઇ અકળ કારણે વારંવાર નર્વસ બ્રેકડાઉનનો ભોગ બની જતા. કે એલ સાયગલની જેમ શરાબની લત પણ લાગેલી. ૧૯૫૫માં ફક્ત ૪૪ વર્ષની વયે એમનું નિધન થયેલું. એ રોમાન્ટિક ગીતકાર-શાયર ગણાતા. તલતના મખમલી કંઠે રજૂ થયેલા આ ગીતની તર્જે ફિલ્મોદ્યોગના ખેરખાંઓનું પણ ધ્યાન તો ખેંચ્યું. પરંતુ હાય રે નસીબ ! ફિલ્મ 'ઠોકર' પણ ઠોકર રૃપ નીવડી. ફિલ્મ સાવેસાવ ફ્લોપ ન નીવડી પણ એને હિટ પણ ન કહી શકાય. આ ગીત લોકોને ત્યારે ગમેલું. તલતના ચાહકોને તો આજે પણ ગમે એવું છે. (ક્રમશઃ)
Comments
Post a Comment