સિનેમેજિક-અજિત પોપટ
8 એપ્રિલ 2016, શુક્રવાર
કમાલ અમરોહીની મહત્ત્વાકાંક્ષી ફિલ્મ 'રઝિયા સુલતાન' માટે ખય્યામ સાહેબ મ્યુઝિક તૈયાર કરી રહ્યા હતા ત્યારે એમના મનની સ્થિતિ કેવી હશે ? મન એક પ્રકારની ગમગીની મહેસૂસ કરી રહ્યું હશે કારણ કે બોલિવૂડની મોટા ભાગની ફિલ્મોના સંગીતમાંથી મેલોડી અદ્રશ્ય થઇ રહી હતી.
અમિતાભ બચ્ચનનો એંગ્રી યંગ મેનની ફિલ્મો હિટ નીવડે એવો જમાનો હતો. એટલે બીજા ફિલ્મ સર્જકો પણ ઢિશૂમ ઢિશૂમ ટાઇપન એક્શન ફિલ્મો બનાવવામાં પડયા હતા. મુહમ્મદ રફી, કિશોર કુમાર, મૂકેશ જેવા ગાયકોની ફકત યાદ બાકી રહી હતી.
તેમના નિધને એક ગજબનો શૂન્યાવકાશ સર્જ્યો હતો. મહેન્દ્ર કપૂર છૂટાછવાયાં ગીતો ગાતા હતા. તલત મહેમૂદ અને હેમંત કુમાર લગભગ નિવૃત્ત જેવા હતા. રફીની કે કિશોર કુમારની નબળી નકલ જેવા ગાયકો ચાલે એવા નહોતા. એ સમયે ખય્યામ સાહેબે એક રિસ્ક લઇને વિવિધભારતીના એક અનાઉન્સર કબ્બન મિર્ઝા પાસે બે ગીતો ગવરાવ્યાં. એ વાતનો આરંભ ગયા શુક્રવારે આપણે કર્યો હતો. એ વાત આગળ ચલાવીએ.
કબ્બન મિર્ઝાએ ગાયેલું ફિલ્મ રઝિયા સુલતાનનું ઔર એક ગીત એટલે 'આયી જંજિર કી ઝંકાર ખુદા ખેૈર કરે, દિલ હુઆ કિસ કા ગિરફ્તાર ખુદા ખૈર કરે...' એક ગુલામની મનોદશાને પ્રગટ કરવામાં ગીતકાર જાં નિસાર અખ્તરે જે કામિયાબી હાંસલ કરી હતી એવીજ બલ્કે, આ લખનારના મતે ગીતકારની બરાબરીની ટક્કર લઇ શકે એવી સફળતા સંગીતકાર ખય્યામે પણ આ ગીતમાં મેળવી લીધી હતી. અમર પ્રેમનું ગીત સાંભળતાં હલેસાંનો અને વહેતાં પાણીનો કિલકાર સંભળાય એમ આ ગીતમાં ખય્યામે બેડી-સાંકળના ઝંકારને સ્વરો દ્વારા એવો ગૂંથ્યો કે સાંભળનાર સ્તબ્ધ થઇ જાય. આ ગીતમાં લયનો અનેરો મહિમા હતો.
આવો ઝંકાર 'મુઘલે આઝમ'ના એક પ્રસંગમાં પણ જોવા મળેલો. અનારકલીને લોઢાની સાંકળ વડે બાંધવામાં આવી છે અને એના ચહેરા પર જે વેદના પ્રગટી છે એ ત્યારપછી 'બેકસ પે કરમ કીજિયે સરકારે મદીના...' (રાગ કેદાર, તાલ છ માત્રાનો દાદરો) ગીતમાં અનુભવાઇ હતી. આવાં ગીતોમાં ગીતકાર, સંગીતકાર, ગાયક કે ગાયિકા, સિમેમેટોગ્રાફર, એડિટર અને ડાયરેક્ટર બધાંનો સહિયારો પરિશ્રમ ગૂંજી ઊઠતો હોય છે. કાશ, રઝિયા સુલતાને કમાલ અમરોહીની અપેક્ષા મુજબની સફળતા પ્રાપ્ત કરી હોત...
એક ગીત મહેન્દ્ર કપૂર અને ભૂપીન્દર સિંઘના કંઠમાં છે. મહેન્દ્ર કપૂર પ્રત્યેના પૂરેપૂરા આદર સહિત એક નિરીક્ષણ પ્રગટ કરવાની લાલસા રોકી શકાતી નથી. અંગત રીતે હું માનું છું કે રફી સાહેબ હયાત હોત તો આ ગીત કદાચ મહેન્દ્ર કપૂરને ન મળ્યું હોત.
જો કે અહીં મહેન્દ્ર કપૂર સાથે ગઝલ-ગાયક અને ગિટારવાદક ભૂપીન્દર સિંઘ પણ છે. (એક આડવાત. ભૂપીન્દરે આર ડી બર્મનનાં કેટલાંક યાદગાર ગીતોમાં ગિટાર છેડી હતી.) અહીં દૂલ્હો બનનારા યુવકના દોસ્તો એનાં લગ્નને બિરદાવતું ગીત ગાય છે એવો પ્રયોગ છે. અગાઉ આવાં ગીતો આવી ચૂક્યાં છે.
ફિલ્મ 'ચૌદહવી કા ચાંદમાં મેરા યાર બના હૈ દૂલ્હા ઔર ફૂલ ખિલે હૈં દિલ કે, મેરી ભી શાદી હો જાયે દુઆ કરો સબ મિલ કે' ગીત હતું જે જ્હૉની વૉકર પર હળવા મિજાજમાં ફિલ્માવાયું હતું... તો 'આદમી સડક કા' ફિલ્મમાં 'આજ મેરે યાર કી શાદી હૈ યાર કી શાદી હૈ દિલદાર કી શાદી હૈ...' ગીત હતું. એ પ્રકારનું આ ગીત છે- 'અય ખુદા શુક્ર તેરા, યે મેરા યાર ચલા, બાંધ કર સર પર સહેરા...' પ્રસંગને અનુરૃપ તર્જ-લય બાંધવામાં ખય્યામ સાહેબને ધારી સફળતા મળી છે.
'ચૂમ કર રાત જો સુલાયેલી તો નીંદ આયેગી, ખ્વાબ બનકર કોઇ આયેગા તો નીંદ આયેગી...' પરવીન બાબી અને હેમા માલિની પર ફિલ્માવાયેલું આ ગીત જાં નિસાર અખ્તરની કલ્પનાનું સર્જન છે. લતાજીના કંઠમાં રજૂ થયેલા આ ગીતની મનોહરતાને માણવા માટે તમારે એના લચકદાર લયને પકડવો પડે.
એકતરફી કે દ્વિતરફી પ્રેમમાં પડેલી મુગ્ધ વ્યક્તિના મનોભાવને રજૂ કરવામાં ગીતકાર જેટલીજ સહજતા સંગીતકારે પકડી છે એ ધ્યાનમાં લેવા જેવું છે. એથી ઊલટું લતાજીના કંઠે રજૂ થયેલા અન્ય ગીત (ખરેખર તો નૃત્ય ગીત) 'જલતા હૈ બદન'માં શબ્દોની સાથે સ્વરોનું સંયોજન દુગ્ધશર્કરા એટલે કે દૂધમાં ભળી ગયેલી સાકર જેવો અનુભવ કરાવે છે.
આ ગીતના ભાવ યૌવનની તડપને વ્યતીત કરે છેઃ 'પ્યાસ ભડકી હૈ સરે શામ સે જલતા હૈ બદન, ઇશ્ક સે કહ દો કિ લે આયે કહીં સે સાવન... શી અદ્ભુત કલ્પના છે. ઇશ્ક (પ્યાર)ને કહો કે ક્યાંકથી શ્રાવણના સરવરિયાં લઇ આવે... ખય્યામ સાહેબની સર્જનશીલતાની આ પરાકાષ્ઠા ગણાય. ફિલ્મને ભલે ધારી સફળતા ન મળી. ખય્યામ સાહેબે કરેલા પુરુષાર્થે આપણને આ અદ્ભુત ગીતો આપ્યાં.
આજે ખય્યામ સાહેેબ પાછું વળીને નીરખતાં હશે તો એમને જરૃર વિસ્મયનો અનુભવ થતો હશે. સર્જનશીલતા પરાકાષ્ઠાએ હોય ત્યારે જે કામ થાય એના વિશે પછીનાં વરસોમાં વિચાર કરતી વખતે સર્જકને પોતાને નવાઇ લાગેઃ આ કામ મે કરેલું, એમ ! ક્યા બ્બાત હૈ... સર્જક હળવું મલકી લે. જીવનસંધ્યાએ એવો મલકાટ અબજો રૃપિયાની સંપત્તિ કરતાં પણ વધુ મોંઘેરો હોય છે ! અલવિદા, ખય્યામ સાહબ...!
Comments
Post a Comment