જોડી ખંડિત થયા પછી પણ નામ અને કામ ચાલુ રાખ્યું

સિનેમેજિક-અજિત પોપટ
29 એપ્રિલ 2016, શુક્રવાર

અંગ્રેજીમાં એક સરસ લોકોક્તિ છેઃ ટ્રુથ ઇઝ સ્ટ્રેન્જર ધેન ફિક્શન... ક્યારેક સત્યઘટના કાલ્પનિક કથા કરતાં વધુ વિસ્મયજનક હોય છે. આજે છેલ્લો શુક્રવાર એટલે ટીનેજર્સ વાચકો માટે લખતી વેળા એક સત્યઘટના યાદ આવી ગઇ. વાત સંગીતકાર જોડીની કરવી છે પરંતુ એની માંડણી સહેજ જુદી રીતે કરવી છે.

આડકથાથી જ વાત શરૃ કરું. શંકર જયકિસનની જોડીએ કારકિર્દી શરૃ કરી ૧૯૪૮-૪૯માં. દોઢસો-બસો ફિલ્મોમાં સુપર-ડુપર હિટ સંગીત પીરસ્યા પછી ૧૯૭૧માં જયકિસનનું અવસાન થયું એ સાથે શંકરની કારકિર્દીના પણ વળતાં પાણી થયાં. 

૧૯૬૩-૬૪માં પારસમણી અને રાજશ્રીની ફિલ્મ દોસ્તીથી લક્ષ્મીકાંત પ્યારેલાલની જોડીએ સંગીતકાર તરીકેની કારકિર્દી શરૃ કરી. એ જોડી ખંડિત થઇ ૧૯૯૮માં. એ વર્ષના મેની ૨૫મીએ લક્ષ્મીકાંતનું અવસાન થયું. આ સમયગાળામાં ફિલ્મ સંગીતના હાર્દ સમી મેલોડી ક્યારની વિરમી ચૂકી હતી એટલે પ્યારેલાલજીને શંકર (જયકિસનના સાથીદાર) જેવો વસમો સમય સહેવાનો ન આવ્યો. 

પરંતુ જે જોડીની વાત આજે યુવા વાચકોને ધ્યાનમાં રાખીને શરૃ કરું છું એ રામ લક્ષ્મણની વાત શંકર જયકિસન કે લક્ષ્મીકાંત પ્યારેલાલ કરતાં જુદી પડે છે.
    
અમિતાભ બચ્ચનના એંગ્રી યંગ મેનની ફિલ્મો ગજું કાઢી રહી હતી એ સમયગાળાની વાત છે. યશ ચોપરાની દિવાર હિટ નીવડી ચૂકી હતી, રમેશ સિપ્પીની શોલેના સિક્કા પડતા હતા, સતરામ રોહરા નામના સાવ નવા નિર્માતાની ફિલ્મ જય સંતોષીમા ધૂમ મચાવી રહી હતી... આ અને આવી સંખ્યાબંધ ફિલ્મો ૧૯૭૫માં ટિકિટબારી છલકાવી રહી હતી ત્યારે, મરાઠી નાટકો અને ફિલ્મોના એક ટોચના સંગીતકાર રામ કદમ અને લક્ષ્મણે એક ફિલ્મ સાઇન કરી.

આ લક્ષ્મણનુું મૂળ નામ વિજય પાટિલ. પરંતુ આજે આ નામથી એનાં સ્વજનો સિવાય ભાગ્યેજ કોઇને એનું સાચું નામ યાદ હશે. આ બંનેએ રામ-લક્ષ્મણ નામની જોડી સ્થાપીને એક ફિલ્મ એજન્ટ વિનોદ સાઇન કરી. એ ફિલ્મ બને, પૂરી થાય અને બંને સંગીતકારોને યશ મળે એ પહેલાં રામ કદમનું અકાળે અવસાન થયું.

 આમ શંકર જયકિસન કે લક્ષ્મીકાંત પ્યારેલાલ કરતાં આ જોડી જુદી રીતે ખંડિત થઇ. કારકિર્દીના સૂર્યોદય ટાણેજ એક તારલો ખરી પડયો. અલબત્ત, એ પહેલાં આ જોડીએ મરાઠી ફિલ્મોમાં ધૂમ મચાવી હતી ખરી. સૌથી મહત્ત્વની વાત તો એ કે રામના અવસાન પછી પણ લક્ષ્મણે રામનું નામ ચાલુ રાખ્યું અને કેટલીક સરસ ફિલ્મો કરી. એ વાત પર આવતાં પહેલાં થોડી પૂર્વભૂમિકા સમજવી રહી.

આ જોડીએ એક ઓરકેસ્ટ્રા બનાવ્યું હતું. એને અમર-વિજય ઓરકેસ્ટ્રા નામ આપેલું. અમર રામ કદમના પુત્રનું નામ. વિજય પાટિલ રામનો સાથીદાર. ૧૯૭૦નો દાયકો દાદા કોંડકે નામના મરાઠી અભિનેતા-ફિલ્મ સર્જકનો સુવર્ણયુગ હતો. દ્વિઅર્થી સંવાદોના શહેનશાહ આપણા ગુજરાતી કોમેડિયન રમેશ મહેતાની યાદ તાજી કરાવે એવા આ દાદા કોંડકેએ અમર વિજયની પ્રતિભા પારખી લીધી. પોતાની એક મરાઠી ફિલ્મ 'પાંડુ હવાલદાર'માં એ બંનેને તક આપી. 

નસીબને કરવું ને ફિલ્મ તથા એનું સંગીત બંને હિટ  નીવડયાં. પછી તો એમની ગાડી ચાલી નીકળી. રામના અવસાન પછી પણ થોડો સમય દાદા કોંડકેએ આ બંનેને પોતાની સાથે રાખ્યા. દાદાની પોતાની આગવી સ્ટાઇલ હતી દ્વિઅર્થી સંવાદો સાથેની ફિલ્મો બનાવવાની. દાખલા તરીકે એક ફિલ્મનું ટાઇટલ હતું અંધેરી રાત મેં દિયા તેરે હાથ મેં. દિયા શબ્દ પર અહીં શ્લેષ હતો. 

એમાં પણ રામ-લક્ષ્મણનું સંગીત હતું. ખેર, કોઇ પણ વ્યક્તિની પ્રતિભા લાંબો સમય છૂપી રહેતી નથી. હિન્દી ફિલ્મોના ટોચના ફિલ્મ સર્જકોની નજર પણ આ બંને પર પડી. કૂલી, અમર અકબર એન્થની વગેરે ફિલ્મોના ટોચના સર્જક મનમોહન દેસાઇ, મહેશ ભટ્ટ, જી પી સિપ્પી વગેરે સર્જકોએ પણ આ બંનેને તક આપી. પરંતુ હવે 'બંને' શબ્દ વાપરવો યોગ્ય નહીં ગણાય. 

રામના અવસાન પછી પણ રામ લક્ષ્મણ નામે વિજયે આશરે સિત્તેર પંચોતેર ફિલ્મોમાં સંગીત આપ્યું. થોડીક અતિશયોક્તિ સાથે કહું તો એને સૌથી વધુ યશ મળ્યો રાજશ્રીની ફિલ્મોથી.  બાકી એેમની મોટા ભાગની ફિલ્મો બી કે સી ગ્રેડની હતી એમ કહીએ તો ચાલે. એમની કેટલીક ફિલ્મોનાં નામ પરથી પણ આપણને ખ્યાલ આવી જાય કે કેવી ફિલ્મો હશે. 

બે-ચાર દાખલા નોંધવા હોય તો નોંધી લો- ૧૦૦ ડેય્ઝ, ઐસા ક્યૂં, આગે કી સોચ, ઇંટ કા જવાબ પથ્થર સે, અંતિમ ન્યાય, દર્દે દિલ...વગેરે. પરંતુ એમને રાજશ્રીનો સાથ અને સહકાર ખૂબ ફળ્યાં. યશ અને કમાણી બંને દ્રષ્ટિએ આ સંગીતકારને રાજશ્રી ફળી. બીજી પણ કેટલીક ફિલ્મોનાં છૂટાંછવાયાં ગીતોએ આ સંગીતકારને યશ આપ્યો. એવાં થોડાંક ગીતોની વાત આપણે કરવાના છીએ. આવતા શુક્રવારથી માણીશું રામ-લક્ષ્મણનાં કેટલાંક ગીતોને. ફરી  મળીશું આવતા મહિનાના છેલ્લા શુક્રવારે.

Comments