સિનેમેજિક-અજિત પોપટ
22 એપ્રિલ 2016, શુક્રવાર
સંગીતકાર નૌશાદની આત્મકથા ગુજરાતીમાં ઊતારવાની તક મળી એ આ લખનારના જીવનનો એક અજોડ સુવર્ણ પ્રસંગ હતો. કેટલીક એવી વાતો નૌશાદ અચાનક કરી બેસતા કે આપણને નવાઇ લાગે. એમની યાદદાસ્ત ફોટોજેનિક હોવા ઉપરાંત એ પોતે સારા વાર્તાકાર અને શાયર હોવાથી દરેક વાતને રસપ્રદ રીતે રજૂ કરતા. એકવાર એમને મોઢે સાંભળેલી વાતથી આજના એપિસોડનો આરંભ કરું છું.
કહે, 'વો જમાના અલગ થા, હમ સબ મૌશિકી નામકી માશુકા કે દિવાને થે.. ખાના, પીના, સોના, જાગના સબ ભૂલ કર કે ઉસ કે પીછે ભાગતે રહે...ઔર ઉસ ને હમ કો જો બક્ષિસ કિયા ઉસ કા નાપ તૌલ દુનિયા કે વ્યૌપારી-બનિયોં કી જુબાન મેં નહીં કિયા જા સકતા... આજ જબ પીછે મૂડ કર દેખતે હૈં ( આ વાત છે ૧૯૮૮-૮૯ની) તો કભી કભી અપને આપ સે પૂછ બૈઠતે હૈં, ક્યા યહ ગાના મૈંને બનાયા થા ? સુભાનલ્લાહ.. બહુત બહુત શુક્રિયા અલ્લાહતાલા તેરા......' જે સંગીતકારની વાત કરવી છે એની સાથે કેટલીક આડવાતો આપોઆપ સંકળાઇ જાય છે. આજે એવી એક રસપ્રદ આડવાત માંડીએ.
ક્યારેક એવું લાગે છે કે શાસ્ત્રીય સંગીતના મૈહર ઘરાનાએ પણ હિન્દી ફિલ્મ સંગીતના સુવર્ણ યુગમાં માતબર પ્રદાન કર્યું છે. બે ચાર દાખલા જુઓ. સિતારનવાઝ પંડિત રવિશંકર અને સરોદસમ્રાટ ઉસ્તાદ અલી અકબર ખાન તો એક સમયે ફિલ્મ સંગીતમાં સક્રિય હતા જ.
ત્યાર પછી કે આ બંનેની હાજરીમાં ફિલ્મ સંગીતમાં પ્રવેશેલા સંગીતકાર રોશન અને એમના આસિસ્ટન્ટ રહી ચૂકેલા સરોદ (તથા મેંડોલીન) વાદક કિશોર દેસાઇ ઉસ્તાદ અલી અકબર ખાનના સ્ટુડન્ટ હતા. હમ દોનો અને મુઝે જીને દો જેવી અઢળક ફિલ્મોના સંગીતકાર જયદેવ ઉસ્તાદ અલી અકબર ખાનના વિદ્યાર્થી હતા.
બાંસુરીનો પર્યાય બની ગયેલા પંડિત પન્નાલાલ ઘોષ ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાનના અને એમના અનુગામી પંડિત હરિપ્રસાદ ચૌરસિયા અન્નપૂર્ણા દેવીના વિદ્યાર્થી હતા, રાહુલ દેવ બર્મન ઉસ્તાદ અલી અકબર ખાન પાસે તાલીમ લઇ ચૂક્યા હતા.... યાદી લંબાવવાનો હેતુ નથી. વાતને ટૂંકાવતાં કહી દઉં કે જે સંગીતકારની વાત હવે હું શરૃ કરવાનો છું એ પણ ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાનના વિદ્યાર્થી હતા. શી રીતે એ પ્રસંગ પણ રસપ્રદ છે.
રાજરજવાડાંના જમાનામાં ઘણું કરીને રોજ દિવસમાં એકાદ વાર રાજાની સવારી નીકળતી. રાજવીનો જેવો મૂડ. કોક દિવસ ઘોડેસવાર હોય તો કોક દિવસ હાથી પર બેઠાં હોય, ક્યારેક મોટર કારમાં નીકળે તો ક્યારેક બીજી કોઇ રીતે નીકળે. પંજાબના કપૂરથલા વિસ્તારના રાજવી પણ રોજ આ રીતે સવારી કાઢતા. એક દિવસ ગજબની ઘટના બની ગઇ. સડકની બંને બાજુ લોકો રાજવીને બિરદાવતા ઊભા હતા. વચ્ચે વચ્ચે રાજવી પોતે સવારી અટકાવીને કોઇ પ્રજાજનન પૂછી લે, કોઇ તકલીફ તો નથી ને ? એમની ચકોર નજર ચારે બાજુ ઘૂમતી હોય. લોકોના ચહેરા પરથી તારવી લે કે કેવું વાતાવરણ છે.
બે રસ્તા કાટખૂણે મળતા હતા એેવા મોખરાના સ્થાને સવારી પહોંચી ત્યારે અચાનક કશ્મીરી સફરજન જેવા ગુલાબી ગાલવાળો એક રૃપકડો કિશોર રાજવીના ઘોડા સામે પટકાયો. ઘોડેસવારીના અનુભવી રાજવીએ તો તરત લગામ ખેંચીને ઘોડાને અટકાવી દીધો. ઘોડો આગલા બે પગે ઊભો થઇ ગયો. હો હા મચી ગઇ.
સિપાહીઓએ છોકરાને પકડી લીધો. એ રાજવીઓ આજના હૈયાહીણા પોલિટિશિયનો જેવા નહોતા. પ્રજાવત્સલ હતા. આંખના ઇશારે સિપાહીઓને કહ્યું, છોડી દો એનેે. પછી સ્નેહાળ સ્વરે પૂછ્યું, કેમ બેટા મારા ઘોડાના પગ તળે કચરાવા આવ્યો ? બા બાપુ વઢ્યા છે ? નિશાળમાં કોઇ તોફાન બોફાન કર્યું છે? એવા બેચાર સવાલોના જવાબમાં પેલો ડોકું ધૂણાવતો રહ્યો. એટલે રાજવીએ એને હૈયાધારણ બંધાવતાં કહ્યું, જે હોય તે સાચું કહી દે. અમે તને બનતી મદદ કરીશુ.
'મારે ઉદય શંકરના સંગીત-નૃત્ય વૃન્દમાં જોડાવું છે. મારાં માતાપિતા એની ફી ભરી શકવાની આર્થિક સ્થિતિ ધરાવતા નથી. મને આપ મદદ કરો...' પેલો ડરતાં ડરતાં બોલ્યો. ઓત્તારીની, આ તો ખોદ્યો ડુંગર અને નીકળ્યો ઉંદર. મહારાજા ખડખડાટ હસી પડયા. માર્ગની બંને બાજુ એકઠા થયેલા સેંકડો લોકો પણ મહારાજાની સાથે હસી પડયા. મહારાજાએ કહ્યું, સારું સારું. કાલે કારભારી પાસેથી રાજનો લેટર લઇ જજે. પેલો તો હરખથી નાચી ઊઠયો.
બીજા દિવસથી એ ઉદયશંકરના ગુ્રપમાં ભરતી થઇ ગયો. ભરત નાટયમ શીખ્યો, કથકલી શીખ્યો. સાથોસાથ ગુ્રપના વડીલ સંગીતકાર ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાન સાહેબ પાસે સંગીત શીખવાની સુવર્ણ તક એને મળી ગઇ. મૈહર ઘરાનાએ વધુ એક સંગીતકાર તૈયાર કર્યો. ચોકલેટી હીરો જેવી પર્સનાલિટી અને સંગીત-નૃત્યમાં વિશારદ.
પછી તો પગમાં કીડી ચટકા ભરે ને કે ચલ મન મુંબઇ નગરી જ્યાં સિનેસૃષ્ટિ નામનું સુવર્ણમૃગ વસે છે. સીતામાતાએ પણ ભગવાન રામને સુવર્ણમૃગ પાછળ દોડાવેલા ને... તો આ તો મારા તમારા જેવો સીધોસાદો આદમી હતો. આ ભાવિ સંગીતકાર ચાલી નીકળ્યો મુંબઇ ભણી...(ક્રમશઃ)
Comments
Post a Comment