સિનેમેજિક-અજિત પોપટ
15 એપ્રિલ 2016, શુક્રવાર
માણસમાં ભારોભાર પ્રતિભા હોય, ઓરકેસ્ટ્રેશનની આગવી સૂઝબૂઝ હોય, સંગીત હિટ થતું હોય અને છતાં એ ગ્રેડ તો ઠીક, બી પ્લસ જેવા ગુ્રપમાં પણ ન ગણાય, તો દોષ કોને દેવો ? અલબત્ત, જે ખરેખર પ્રતિભાશાળી લોકોને, કોણ જાણે કેમ, પણ ખુશામત ફાવતી નથી, ચમચાગીરી આવડતી નથી, પોતાનું માર્કેટિંગ કરવાની સમજ હોતી નથી. પરિણામે ક્યારેક ત્રણ સાડા ત્રણ દાયકાની કારકિર્દીમાં રોકડી પચીસેક ફિલ્મો કરી હોય એવું પણ બને.
જે સંગીતકારની વાત શરૃ કરવી છે એનો પરિચય આપવા પહેલાં કેટલીક આડવાત કરવી જરૃરી જણાય છે. બોલિવૂડમાં માત્ર કપૂર પરિવાર એવો છે જેની લગભગ ચાર પાંચ પેઢી ફિલ્મ સર્જનની વિવિધ કાર્યશાખામાં સફળ થઇ છે. પૃથ્વીરાજ કપૂરથી ગણીએ તો રાજ કપૂર, રણધીર અને રિશિ કપૂર, તથા આ બંને ભાઇઓનાં સંતાનો. આમ ચાર પેઢી તો હસતાં રમતાં થઇ જાય.
ધર્મેન્દ્રના પરિવારમાં હવે ત્રીજી પેઢી આગળ આવી રહી હોય એવું લાગે છે. અન્ય ફિલ્મી પરિવારોમાં આવું થયું લાગતું નથી. ચોપરા પરિવારમાં બી આર ચોપરા અને એમના ભાઇ યશ ચોપરાનાં સંતાનો આગળ વધ્યા. એજ રીતે રામાનંદ સાગર અને રાજશ્રીના તારાચંદ બડજાત્યાના સંતાનોની બાબતમાં કહી શકીએ.
સંગીતકારો પૂરતી વાત મર્યાદિત રાખીએ તો હુશ્નલાલ ભગતરામનાં સંતાનો સ્વતંત્ર સંગીતકાર ન બન્યાં પરંતુ સાજિંદા તરીકે ઘણું કામ કર્યું. એસ. ડી. બર્મન અને આર.ડી. બર્મન તો ગઇ કાલનો ઇતિહાસ છે. રાજુ નૌશાદે ફક્ત કે આસિફની અજોડ ફિલ્મ મુઘલે આઝમની રંગીન આવૃત્તિમાં પિતાનો સાથ આપ્યો.
પછી દેખાયા નહીં. સંગીતકાર રોશનના પુત્ર રાજેશ રોશને પણ થોડીક સારી ફિલ્મો કરી હતી. આજે એ બહુ ઓછું કામ કરે છે, મોટે ભાગે પોતાના હોમ બેનરની ફિલ્મોમાં સંગીત પીરસે છે. કેટલેક અંશે એવુંજ કલ્યાણજીભાઇના પુત્ર વીજુ શાહનું કહી શકીએ.
વીજુએ પણ થોડીક સારી ફિલ્મો કરી. અનિલ વિશ્વાસનાં પુત્રો અમર ઉત્પલે થોડો સમય ફિલ્મ સંગીતકાર તરીકે નસીબ અજમાવી જોયું. ચિત્રગુપ્તના પુત્રો આનંદ મિલિન્દ પણ થોડો સમય ઝળક્યા.સંગીતકાર ઓ. પી. નય્યર, રવિ, મદન મોહન વગેરેનાં સંતાનોમાં સંગીતની સૂઝબૂઝ હોવા છતાં ફિલ્મ સંગીતના સર્જન કાર્યથી દૂર રહ્યા.આ લખનારને એમ લાગે છે કે ફિલ્મ સંગીતમાંથી મેલોડીની વિદાય પછી ઘણા સંગીતકારો આપણી વચ્ચે હોવા છતાં એમની પ્રતિભા કે સર્જનશીલતાનો લાભ આપણને મળ્યો નહીં. રામ લખનમાંના એકનું અકાળ નિધન થઇ ગયું.
એવા સમયે એક એવા સંગીતકારની વાત શરૃ કરવા માગું છું જેની રાજ કપૂરની જેમ આજે ત્રીજી પેઢી કાર્યરત છે. બહુ વિરલ ઘટના છે. જો કે બીજી-ત્રીજી પેઢીનાં સંતાનોને જે યશ અને પૈસા મળ્યા એ સિનિયર સંગીતકારને મળ્યા નહીં. એમાં એમનો વાંક પણ નહોતો. અગાઉ મેં જયદેવ, એસ. એન. ત્રિપાઠી, ઉષા ખન્ના, ખય્યામ વગેરે કેટલાક સંગીતકારોની વાત તમને વિગતે કરી ત્યારે ખ્યાલ આવ્યો હશે કે હિન્દી ફિલ્મોદ્યોગ કદાચ એવી વ્યાવસાયિક કારકિર્દી છે જ્યાં અઢળક પ્રતિભા માત્રથી કશું વળતું નથી.
પ્રતિભા સાથે બે-ચાર આની પ્રારબ્ધનો પણ સાથ જોઇએ. થોડુંક વ્યવહારુપણું પણ જોઇએ. એનો સર્વશ્રેષ્ઠ દાખલો મેગાસ્ટાર અમિતાભ બચ્ચન છે. સંઘર્ષના દિવસોમાં આ કલાકારને ટોચના તમામ ફિલ્મ સર્જકોએ હડધૂત કરીને કાઢ્યા હતા. પછી એક સમય એવો આવ્યો જ્યારે એને દરવાજે ટોચના ફિલ્મ સર્જકો હાથમાં સ્ક્રીપ્ટ લઇને લાઇનમાં ઊભા રહેતા થઇ ગયા. આ માણસ પેલી ગ્રીક દંતકથાના પંખી ફિનિક્સની જેમ રાખમાંથી ઊભો થઇ ગયો. એબીસીએલ સ્થાપી ત્યારે સાવ દેવાળિયો થઇ ગયેલો અમિતાભ બચ્ચન આજે ફરી અબજોપતિ છે.
જે સંગીતકારની વાત કરવી છે એમનામાં માત્ર પ્રતિભા હતી, પ્રારબ્ધે એમને સાથ ન આપ્યો. ફિલ્મો મળતી ઓછી થઇ ત્યારે એમણે સંગીતનાં ટયુશનો કરવા માંડયા. સંગીતને છોડયું નહીં. કાશ, નસીબે એમને સાથ આપ્યો હોત. જેવા તેવા કલાકાર નહોતા.
પંડિત રવિશંકર અને ઉસ્તાદ અલી અકબર ખાનના ગુરુ ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાન સાહેબ પાસે સંગીત શીખવાની અને પંડિત ઉદય શંકર પાસે એક કરતાં વધુ શાસ્ત્રીય નૃત્યશૈલી શીખવાની એમને સુવર્ણ તક મળી હતી. સંગીત હિટ નીવડવા છતાં એમને ટોચના બેનર્સ તરફથી આમંત્રણ મળ્યું નહીં, એ પણ સ્વાભિમાન જાળવીને કોઇ પાસે કામ માગવા ગયા નહીં.
કોઇને એમના એકાદ ગીતમાં રોશનની અસર દેખાઇ તો કોઇને બીજા એકાદ ગીતમાં સી રામચંદ્રનો પ્રભાવ વર્તાયો. એવા એ અલગારી સંગીતકારની વાત શરૃ કરીશું આવતા શુક્રવારથી... તબ તક કે લિયે આજ્ઞા દીજિયે, શુક્રિયા...
Comments
Post a Comment