સિનેમેજિક-અજિત પોપટ
1 એપ્રિલ 2016, શુક્રવાર
તૂર્કી કે પર્શિયન પ્રિન્સેસ અને એના હબસી ટાઇપના નોકરની પ્રેમકથા 'રઝિયા સુલતાન'ની વાત આપણે આજકાલ કરી રહ્યાં છીએ. આ પ્રકારની ફિલ્મોનું સંગીત પીરસતી વખતે સંગીતકારની અનેક રીતે કસોટી થતી હોય છે.
બૈજુ બાવરા કે મુઘલે આઝમમાં એ દ્રષ્ટિએ સંગીતકારને ઘણી છૂટ મળી જાય કારણ કે કથાના કેન્દ્રમાં આડકતરી રીતે શાસ્ત્રીય સંગીતનો પ્રભાવ હોય. બૈજુ બાવરા કે મુઘલે આઝમમાં શહેનશાહ અકબરના દરબારનો ઉલ્લેખ આવે એટલે આપોઆપ તાનસેનનો સંદર્ભ આવે અને તાનસેન આવે એટલે એના ગુરુ હરિદાસ સ્વામી તેમજ શાસ્ત્રીય સંગીતનો સંદર્ભ આવે.
પરંતુ લવ ઇન ટોકિયો, જોહર મહેમૂદ ઇન ગોવા કે સિકંદર-એ-આઝમ જેવી ફિલ્મ હોય ત્યારે સંગીતકારે જે તે વિસ્તારના સંગીત પર પણ વિચાર કરવો પડે. પીઢ સંગીતકાર અનિલ વિશ્વાસ પહેલીવાર હિન્દી ફિલ્મ સંગીતમાં અરબી મ્યુઝિકની અસર લઇ આવ્યા, ગુલામ હૈદર અને ઓ પી નય્યર પંજાબી ઠેકા લઇ આવ્યા એમ ખય્યામ સાહેબે પોતાની તમામ સર્જન શક્તિ કામે લગાડી અને રઝિયા સુલતાનનું સંગીત તૈયાર કર્યું.
રઝિયા પોતાના પ્રદેશમાંથી હાથી ઘોડા ઊંટની મદદથી સેંકડો માઇલ દૂરનો પ્રવાસ કરીને ભારત પર આક્રમણ લઇ આવી. અહીં એકાદ દાયકા સુધી રાજ કર્યું એ ધ્યાનમાં લઇએ તો ખય્યામ સાહેબે રઝિયાના મૂળ જન્મસ્થાન અને એના લશ્કરની પદયાત્રાના વિસ્તારોથી માંડીને ભારતમાં વસવાટ સુધીના બધા તબક્કાને અનુરૃપ સંગીત તૈયાર કરવું પડે.
જે તે વિસ્તારના લોકસંગીતને પણ ધ્યાનમાં રાખવું પડે. રઝિયા સુલતાનનું સંગીત તૈયાર કરતી વખતે એમણે કેટલાક પ્રયોગો પણ કર્યા. પ્રયોગો કરતી વખતે એ જોખમી લાગેલા- માત્ર સંગીતકારને નહીં, કમાલ અમરોહીને પણ. એવા એક પ્રયોગની વાત આજે કરીએ.
બિનાકા ગીતમાલા રજૂ કરનારા અમીન સયાની કે રેડિયો સિલોનના બીજા ઉદ્ઘોષક (અનાઉન્સર) ગોપાલ શર્માના કંઠમાં ગજબનો જાદુ હતો એ સાચું,પરંતુ આ ઉદ્ઘોષકો ગીત પણ ગાય એવી કલ્પના કરી શકાય ખરી ? મોટા ભાગના વાચકો નકારમાં જવાબ આપશે.પરંતુ ખય્યામ સાહેબે કરેલો એક પ્રયોગ અનાઉન્સરના કંઠે ગીત ગવડાવવા જેવો હતો.
૧૯૬૦ના દાયકામાં અભિનય ક્ષેત્રે પ્રવેશેલા ધર્મેન્દ્ર માટે મોટે ભાગે મુહમ્મદ રફીએ ગીતો ગાયાં હતાં. (ફિલ્મ દેવરમાં બે એક ગીતો મૂકેશના કંઠમાં હતાં એ અપવાદ ગણાય). રઝિયા સુલતાન બની રહી હતી ત્યારે મૂકેશ કે મુહમ્મદ રફી હયાત નહોતા.
કિશોર કુમાર પાસે યાકુતના ગીતો ગવડાવવાની કલ્પના પણ દેખીતી રીતેજ ખય્યામ સાહેબ ન કરી શકે. રઝિયા સુલતાન ફિલ્મમાં ધર્મેન્દ્રનો રોલ હબસી જેવા એક ગુલામ જમાલ-ઉદ્-દીન યાકુતનો હતો. એટલે ખય્યામ સાહેબે કમાલ અમરોહી સાથે થોડી ચર્ચા કરીને અમરોહીને ગળે એ વાત ઊતારેલી કે યાકુતના પાત્ર માટે કોઇ બિનપરંપરાગત કંઠનો ઉપયોગ કરવો જોઇએ.
અમરોહીને શરૃમાં એ વાત કદાચ ગળે ઊતરી નહોતી. પરંતુ ખય્યામ સાહેબે એમને બે વિકલ્પો આપેલા. એક, આપણે નોન-ટ્રેડિશનલ કંઠમાં એક ગીત રેકોર્ડ કરીએ. એ ન જામે તો પરંપરાગત કંઠ વાપરીશું. અમરોહી સંમત થયા. જો કે ગીતો હિટ થયા બાદ અમરોહીએ મિડિયાને કહેલું કે બિનપ્રણાલિગત કંઠ વાપરવાનો આ વિચાર મારો હતો.
એ દિવસોમાં આકાશવાણીના મુંબઇ કેન્દ્રમાં વિવિધભારતી વિભાગમાં કબ્બન મિર્ઝા કરીને એક અનાઉન્સર હતા. એમણે સંગીતની પાકી તાલીમ લીધી હતી અને સારા ગાયક હતા. ખય્યામ સાહેબે કબ્બન મિર્ઝાને નોતર્યા અને પોતાનો કન્સેપ્ટ સમજાવ્યો. એમણે બે ગીતોની તર્જ કબ્બનને સંભળાવી અને કહ્યું કે આ બે ગીતો તમારા કંઠમાં ગવડાવવાની મારી ઇચ્છા છે.
રેકોર્ડિંગમા ઘણું કરીને કમાલ અમરોહી હાજર રહેશે. ધર્મેન્દ્રને પણ આ પ્રયોગનું વિસ્મય હતું. પરંતુ કબ્બને ગાયેલાં બંને ગીતો સુપરહિટ નીવડયાં. એ તો સંગીત રસિકોનું દુર્ભાગ્ય કે કબ્બન લાંબી આવરદા ભોગવી ન શક્યા. એમને કેન્સર થયેલું અને બહુ વહેલા ગુજરી ગયા. નહીંતર એમને ફિલ્મોમાં વધુ ગાવાની તક મળી હોત. ખેર એમણે ગાયેલાં બે ગીતો એટલે આ- 'તેરા હિજ્ર મેરા નસીબ હૈ, તેરા ગમ હી મેરી હયાત હૈ...મુઝે તેરી દૂરી કા ગમ હો ક્યૂં, તૂ કહીં ભી હો મેરે સાથ હૈ...' ઊર્દૂ અને પર્શિયન ભાષાના શબ્દોની ભરમાર હોવા છતાં આ ગીત આમ આદમીને સમજાઇ જાય એવું બન્યું હતું.
સાવ સરળ ભાષામાં કહીએ તો હું તારાથી દૂર જઇ રહ્યો છું એ મારા નસીબની વાત છે પરંતુ એ દૂરીનો મને કોઇ અફસોસ નથી કારણ કે દિલથી તો હું અને તું એકમેકની નિકટ છીએ. સંગીતની જરાક અમથી પણ સમજ હોય એવા લોકોને આ ગીતના છંદ (મીટર) પરથી ખ્યાલ આવી જાય કે છ માત્રાના દાદરા તાલમાં, સાત માત્રાના રૃપક તાલમાં અથવા પછી ચૌદ માત્રાના દીપચંદી તાલમાં આ પ્રકારનાં ગીતો ગોઠવવા પડે. યુ ટયુબ પર આ ગીત સાંભળો અને ખય્યામ સાહેબની સર્જનશીલતાને સલામ કરો. (ક્રમશઃ)
Comments
Post a Comment