સિનેમેજિક-અજિત પોપટ
8 જાન્યુઆરી 2016, શુક્રવાર
બહુ લાંબે ન જઇએ અને માત્ર ૧૯૪૭ પછીનાં એટલે કે આઝાદી પછીનાં ગીત સંગીતની વાત કરીએ તો એક અજીબોગરીબ હકીકત સામે આવે છે. અસંખ્ય વખત એવું બન્યું કે ફિલ્મ ટિકિટબારી પર ભૂંડે હાલે ધરાશાયી થઇ જાય. પરંતુ એનાં ગીતો અને સંગીત સદા યાદ રહે. એવા દાખલા ટાંકીને લેખને લંબાવવાની ઇચ્છા નથી એટલે આગળ વધીએ.
પોતાને હિન્દી ફિલ્મના પહેલવહેલા સુપરસ્ટાર ગણાવનારા રાજેશ ખન્નાનો સૂર્ય અસ્તાચળે ડૂબું ડુબું થઇ રહ્યો હતો અને આજે મેગાસ્ટાર ગણાતા અમિતાભ બચ્ચનની એંગ્રી યંગ મેનની ઇમેજને બળવત્તર બનાવે એવી ફિલ્મો ધડાધડ રજૂ થઇ રહી હતી ત્યારની વાત છે.
હિન્દુ મુસ્લિમ ભાઇચારો અને પ્રણય ત્રિકોણ, બે નામ ધરાવતી એક યુવતી. એક યુવાન કુલસુમને પ્રેમ કરે અને બીજો કુસુમને પ્રેમ કરે. કુલસુમ અને કુસુમ બંને એક જ યુવતી હોય એવા ભેળપુરી ટાઇપના પ્લોટને ગૂંથીને ફિલ્મ આવેલી. નામ પણ એવું જ- શંકર હુસૈન. આ ફિલ્મ ૧૯૭૭માં રજૂ થયેલી. કમાલ અમરોહી અને હરિ સિંઘે આ ફિલ્મ બનાવેલી. જો કે અમરોહીએ પોતાનું નામ ક્રેડિટમાં ફક્ત સંવાદો પૂરતું રાખેલું અને નિર્માતા તરીકે પોતાના પુત્ર તાજદારનું નામ મૂકેલું.
કદાચ ઇન્કમટેક્સમાં રાહત મેળવવા એવું કર્યું હોઇ શકે. ડાયરેક્ટર હતા યુસુફ નકવી. આ ફિલ્મમાં પરગજુ અને પીડિત બાળકને બચાવીને મોટો કરનારા સજ્જન તરીકે ડૉક્ટર શ્રીરામ લાગુ, દીનાબહેન પાઠક અને ગજાનન જાગીરદારનો જાનદાર અભિનય હોવા છતાં અને એક સમયના સૌથી હેન્ડસમ હીરોઝમાં મોખરે ગણાતા પ્રદીપ કુમાર અને કંવલજિત હોવા છતાં એંગ્રી યંગ મેનના પૂરમાં આ ફિલ્મ તણાઇ ગયેલી. યોગાનુયોગે આ જ સમયગાળામાં આવીજ એક ફિલ્મ શંકર શંભુ આવેલી. એ પણ બોક્સ ઑફિસ પર ચત્તીપાટ પડી ગયેલી.
પરંતુ ફિલ્મ શંકર હુસૈનનાં ગીત-સંગીત પીટાયાં નહોતાં. થેંક્સ ટુ ખય્યામ સાહેબ. અગાઉ પણ કહ્યું છે. આજે ફરી કહું છું. વધુ કામ કે વધુ દામ મેળવવાની લાહ્યમાં આ ખુદ્દાર સંગીતકારે કદી વિદેશી સંગીતનો ઉપયોગ ન કર્યો. શુદ્ધ ભારતીય સંગીતને વફાદાર રહ્યા. આ ફિલ્મનાં બે ત્રણ ગીતો ખરેખર યાદગાર બની રહ્યાં. એક ગીત મુહમ્મદ રફીના કંઠમાં અને બીજું લતાજીના કંઠમાં.
આ બંને ગાયકોને ન્યાય કરવા કહેવું પડે કે છેક ૧૯૫૦ના દાયકાથી સતત ગાતાં રહ્યાં હોવા છતાં બંનેના કંઠનો જાદુ અકબંધ હતો. એમાંય રફી સાહેબને વધુ દાદ આપવી પડે કારણ કે રાજેશ ખન્નાથી કિશોર કુમાર જબરો ઊંચકાયો હતો. જાણે બીજા કોઇ ગાયક હાજર કે હયાત હોયજ નહીં એે રીતે કિશોર કુમાર ધડાધડ ગીતો રેકોર્ડ કરતો હતો. આમ છતાં આ ફિલ્મનું રફીનું ગીત પણ ખૂબ હિટ થયું. આજે પણ સંગીત રસિકો એ ગીત ભૂલ્યા નથી.
કમાલ અમરોહીના શબ્દોને ખય્યામ સાહેબે અત્યંત મુલાયમ તર્જમાં ઢાળ્યા હતા. આજે ટોચના ટીવી સ્ટાર ગણાતા કંવલજિત અને મધુચંદાની એ ડેબ્યુ ફિલ્મ હતી. કંવલજિત ફિલ્મોમાં ચાલ્યો નહીં પણ ટીવીમાં જામી ગયો. ગીતના શબ્દો કંઇક આ પ્રકારના હતાઃ 'કહીં એક માસૂમ નાજુક સી લડકી, બહુત ખૂબસુરત મગર સાંવલી સી, મુઝે અપને ખ્વાબોં કી બાંહોં મેં પાકર, કભી નીંદ મેં મુસ્કુરાતી તો હોગી, ઉસી નીંદ મેં કસમસા-કસમસાકર સરહાને સે તકિયે ગિરાતી તો હોગી...' કમાલ અમરોહી પ્રત્યેના પૂરેપૂરા આદર છતાં લખવું પડે કે આ શબ્દોમાં કોઇ અવ્વલ દરજ્જાનું કાવ્યત્ત્વ નથી. પરંતુ ગીત લોકોને યાદ રહી ગયું, થેંક્સ ટુ ખય્યામ સાહેબ. ગીતમાં પ્રાણ પૂરવાનું એમનું કૌવત અનેરું હતું એ આવાં ગીતોથી સમજાય.
એવું જ એક ગીત લતાજીના કંઠમાં હતું. આમ તો લતાજીએ આ ફિલ્મમાં બે ગીતો ગાયાં હતાં. આપણે જેની વાત કરીએ છીએ એ ગીત જાં નિસાર અખ્તર (હાલના અભિનેતા-ગાયક ફરહાન અખ્તરના દાદા અને ગીતકાર જાવેદ અખ્તરના પિતા)એ આ ગીતના શબ્દો સર્જ્યા હતા. આ ગીતના શબ્દોમાં અનેરો જાદુ છે એમ કહું તો અતિશયોક્તિ નહીં ગણી લેતા. માણો તમે પણ બેચાર પંક્તિ.
મુખડું છે-'આપ યૂં ફાસલોં સે ગુજરતે રહે, દિલ સે કદમોં કી આવાઝ આતી રહી, આહટોં સે અંધેરે ચમકતે રહે, રાત આતી રહી, રાત જાતી રહી...' ક્યા બાત હૈ...તમે તો દૂર દૂરથી જતાં હતાં અને મારા હૈયામાં તમારો પદરવ સંભળાતો રહ્યો...શી કલ્પના કરી છે જાં નિસાર અખ્તરે ! અંતરામાં કહ્યું, 'ગુનગુનાતી રહી મેરી તનહાઇયાં, દૂર બજતી રહી કિતની શહનાઇયાં, જિંદગી, જિંદગી કો બુલાતી રહી, રાત આતી રહી રાત જાતી રહી...' (દાયકાઓ પછી એક ગીત એવું આવેલું એક લડકી કો દેખા તો ઐસા લગા....)
'જે કેટલાંક ગીતો મારા હૈયાને ઝકઝોરી ગયા હતા એમાંનું આ એક ગીત છે,' ખય્યામ સાહેબ કહે છે. અત્યારે ૮૮-૮૯ વર્ષની ઉંમરે સાંભળવામાં સહેજ તકલીફ અનુભવે છે. પરંતુ આવાં ગીતોની વાત નીકળતાં એમની આંખો તેજથી ચમકી ઊઠે છે. આવાં ગીતોની તર્જ શી રીતે બંધાઇ જાય છે એ કહેવું મુશ્કેલ છે એવું ખય્યામ માને છે. વાત સાચી છે.
કોઇ પણ સંગીતકારને પૂછો તો એમ જ કહેશે, આ ગીતની તર્જ એ સમયે શી રીતે બંધાઇ એ હું કહી શકતો નથી. વિશ્વવિખ્યાત અંગ્રેજ કવિ મિલ્ટને પેરેડાઇઝ લોસ્ટ કાવ્ય લખ્યું. થોડા સમય પછી પેરેડાઇઝ રિગેઇન્ડ લખ્યું. ત્યાર પછી એક ઇન્ટરવ્યૂમાં કહેલું, આ કાવ્યો રચાયાં ત્યારે બે જણ એના વિશે જાણતા હતા- કવિ અને ભગવાન ઇસા મસીહ. હવે ફક્ત એક જણ જાણે છે-ઇસા મસીહ... મને એની સર્જન પ્રક્રિયા વિશે પૂછો નહીં. ખય્યામનાં ગીત સંગીતની વાતો નીકળે ત્યારે કવિ મિલ્ટન જેવા પ્રસંગો અનાયાસે યાદ આવી જાય છે. (ક્રમશઃ)
Comments
Post a Comment