શું કહેશું આને, નસીબના ખેલ કે યોગાનુયોગ...?

સિનેમેજિક-અજિત પોપટ
1 જાન્યુઆરી 2016, શુક્રવાર

આજે પણ સંગીતકાર ખય્યામની વાત નીકળે ત્યારે એકાદ ક્ષણ મેગાસ્ટાર પણ ગદ્ગદ થઇ જાય છે. પ્રકાશ મહેરાની જંજિર અને મુકદ્દર કા સિકંદર, મનમોહન દેસાઇની પરવરિશ અને યશ ચોપરાની દિવાર...આ બધી ફિલ્મો અમિતાભ બચ્ચનને એંગ્રી યંગ મેનની ઢાંસું ઇમેજ આપી રહી હતી. 

દેશમાં ત્યારના વડા પ્રધાન ઇંદિરા ગાંધીએ આંતરિક કટોકટી જાહેર કરી હતી ત્યારે એટલે કે લગભગ ૧૯૭૫ના ઉત્તરાર્ધમાં અને ૧૯૭૬ના પૂર્વાર્ધમાં યશજીએ ફિલ્મ 'કભી કભી' રજૂ કરેલી. યશજીએ ૧૯૫૯માં પહેલી ફિલ્મ બનાવી 'ધૂલ કા ફૂલ'. કુંવારી માતાની વાત એમાં હતી. 

'કભી કભી' આવી ૧૯૭૬માં. અગાઉ યશજીએ સંગીતકાર તરીકે ખય્યામ સાહેબ સાથે ભાગ્યેજ સાથે કામ કરેલું. પરંતુ યશ ચોપરા એ યુગના ફિલ્મ સર્જક હતા જ્યારે મોટા ભાગના ડાયરેક્ટર્સ પોતે 'કાનસેન' હતા. એટલે ચોપરા કેમ્પના માનીતા ગણાતા સંગીતકાર રવિ સાથે કામ કરવા ઉપરાંત એ બીજા ટેલેન્ટેડ સંગીતકારોને પણ તક આપતા રહ્યા.

શિવ-હરિ (સંતુરવાદક શિવ કુમાર શર્મા અને બાંસુરીવાદક હરિપ્રસાદ ચૌરસિયા)ને સ્વતંત્ર સંગીતકાર તરીકે પહેલી તક પણ યશજીએ આપેલી. એટલે કભી કભી બનાવતી વખતે યશજીના મનમાં સૌથી પહેલું નામ ખય્યામનું આવેલું. 

ખય્યામ સાહેબે એ વિશ્વાસને ધાર્યા કરતાં વધુ ઊજ્જવળ રીતે પુરવાર કરી બતાવ્યો. એ વરસે બેસ્ટ મ્યુઝિકનો એવોર્ડ ખય્યામ લઇ ગયા, બેસ્ટ ગીતકારનો એવોર્ડ કભી કભીના સાહિર લુધિયાનવીને મળ્યો તો બેસ્ટ મેઇલ પ્લેબેક સિંગરનો એવોર્ડ મૂકેશજીને મળ્યો. ફિલ્મનું ટાઇટલ ગીત કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હૈ...મૂકેશજી અને લતાજીના કંઠમાં હતું અને લગભગ આખું વર્ષ બિનાકા ગીતમાલામાં ટોચ પર રહ્યું હતું.

અમિતાભ બચ્ચન કહે છે કે હું કલ્યાણજી આણંદજી સાથે વિદેશ પ્રવાસે ગયેલો ત્યારે ઘણા સંગીતરસિકો આ ગીતની ફર્માયેશ કરતા એટલુંજ નહીં પણ મને પણ મુખ્ય ગાયક સાથે સાદ પુરાવવાની વિનંતી કરતા. પરંતુ મારી પોતાની વાત કરું તો આય વોઝ સો હિપ્નોટાઇઝ્ડ બાય મૂકેશજીસ્ વર્ઝન ધેટ આય કૂડ નોટ ડેર ટુ એકમ્પની મૂકેશજી...આ ગીત એવું સ્વર્ગીય બન્યું હતું કે હું પોતે જ સંમોહિત અવસ્થામાં હતો. 

મૂકેશજી સાથે સાદ પુરાવવાની મારી હિંમત નહોતી ચાલતી... અહીં એક રસપ્રદ વાત નોંધવા જેવી છે જે ફિલ્મ સંગીતના સિનિયર મોસ્ટ કહેવાય એવા સરોદ-મેંડોલીનવાદક કિશોર દેસાઇના મોઢે સાંભળેલી છે. ફિર સુબહ હોગીની જેમ કભી કભીના ટાઇટલ ગીત માટે પણ ખય્યામ સાહેબ પાસે એક કરતાં વધુ તર્જો હતી. 

પરંતુ રાગ પહાડીમાં પહેલી તર્જ સંભળાવી ત્યાં જ યશજીએ ઓક્કે કહી દીધું. એમનું જજમેન્ટ પણ વરસોના અનુભવે ઘડાયું હતું. એમણે ઓક્કે કરેલી તર્જ દેશ-વિદેશના કરોડો સંગીત રસિકોને પણ એટલીજ સ્પર્શી ગઇ. તર્જ સાવ સરળ છે પરંતુ હૃદયસ્પર્શી છે એ મહત્ત્વનું છે. 

એક સૌમ્ય પ્રણયકથા રજૂ કરતી વાર્તામાં આ બંદિશ સોનામાં સુગંધ ભળે એમ ભળી ગયેલી. ચારે તરફ એક્શન ફિલ્મોનો વંટોળિયો વાતો હોય ત્યારે આવી સૌમ્ય લવ સ્ટોરી રજૂ કરવાની યશજીની હિંમત પણ કાબિલ-એ-તારીફ હતી. સૌથી વધુ મહત્ત્વની વાત તો એે કે આ ગીત દરિયાનાં ઓટ સમયનાં મોજાંની જેમ અત્યંત ધીમા લયમાં હોવા છતાં એની માખણ જેવી મુલાયમતા હૈયાને શાતાનો અનુભવ કરાવતી હતી.

અહીં ઔર એક વાત કહેવી જોઇએ. પોતાની પહેલીજ ફિલ્મ બરસાતમાં શંકર જયકિસને (ભલે રાજ કપૂરના આગ્રહને કારણે) એેક કરતાં વધુ તર્જો ભૈરવી રાગિણી પર બનાવેલી એેમ અહીં ખય્યામ સાહેબે એક કરતાં વધુ તર્જ પહાડીમાં આપી અને છતાં બાજી મારી ગયા. 'મૈં હર એક પલ કા શાયર હું, હર એક પલ મેરી કહાની હૈ, હર એક પલ મેરી હસ્તી હૈ, હર એક પલ મેરી કહાની હૈ...' ગીત પણ પહાડીમાં છે અને છતાં ટાઇટલ ગીત કરતાં જુદી છટા સર્જે છે. 

આ હકીકત એ પણ પુરવાર કરે છે કે ખય્યામ અને એ સમયના અન્ય સંગીતકારોનો જે તે રાગ-રાગિણી પર કેટલો ગજબનો કાબુ હતો. એક ફિલ્મના એક કરતાં વધુ ગીતમાં એક જ રાગની બે ત્રણ તર્જો બનાવવી અને એ દરેકનું અલગ આગવું વ્યક્તિત્વ ઊપસે એ રીતે એને પીરસવી એ અનન્ય સિદ્ધિ ગણાય. પોતે લીધેલી શાસ્ત્રીય સંગીતની તાલીમને એ સંદર્ભમાં ખય્યામ સાહેબ મહત્ત્વની ગણાવે છે. 

અગાઉ એક વાર વાત કરેલી છતાં રિપિટ કરું કે ૧૯૩૦ના દાયકાના અંતિમ વર્ષમાં ઇન્દ્રસભા નામે ફિલ્મ આવેલી. ઇન્દ્રસભા હોય ત્યાં સંગીત-નૃત્ય તો હોય જ. નાનાં નાનાં ૬૯ ગીતો હતાં એ ફિલ્મમાં અને દરેક ગીત-રિપિટ, દરેક ગીત ભૈરવી રાગિણીમાં હતું. તો સંગીતકારે ભૈરવી કેટલી હદે પચાવ્યો હશે એ વિચારી જુઓ.

આજના સંગીતકારો ઇસ્માઇલ દરબાર, હિમેશ રેશમિયા, શંકર અહેસાન લોયથી માંડીને સલીમ સુલેમાન અને વિશાલ શેખર સુદ્ધાં એટલું તો કબૂલે છે કે ભારતીય શુદ્ધ શાસ્ત્રીય સંગીતની પૂરતી તાલીમ વિના ગાયન કે વાદન ક્ષેત્રમાં માહિર થવું મુશ્કેલ છે. વિદેશી તર્જોની સીધેસીધી ઊંઠાંતરી કરીનેય તમે લાંબો સમય ટકી શકો નહીં.  (ક્રમશઃ)

Comments