એમને નવોદિત સંગીતકારોમાં પ્રથમ ગણીએ તો કેમ ?

સિનેમેજિક - અજિત પોપટ
27 નવેમ્બર, 2015, શુક્રવાર

આદતના જોરે ગયા શુક્રવારે લખાઇ ગયું કે ખય્યામનાં અન્ય ગીતો વિશે આવતા શુક્રવારે વાત. પછી ખ્યાલ આવ્યો કે આજે તો મહિનાનો છેલ્લો શુક્રવાર છે એટલે આજના ટીનેજર્સને ગમતા નવા-યંગ સંગીતકારોની વાત કરવાની છે. શરૃઆત ક્યાંથી કરીશું ? થોડું વિચારતાં થયું કે મિલેનિયમના આગલા વર્ષથી એટલે કે વીતેલી સદીના સેકંડ લાસ્ટ યરથી શરૃ કરીએ તો કેમ ? જે સંગીતકારની વાત શરૃ કરવી છે એની પહેલાં એક આડવાત. આપણે જેને ગોલ્ડન પિરિયડ ઑફ મ્યુઝિક કહીએ છીએ એ સમયના લગભગ તમામ સંગીતકારોએ કારકિર્દીનો આરંભ સાજિંદા તરીકે કરેલો. 

શંકર જયકિસને એમના પુરોગામી રામ ગાંગુલી સાથે વાજિંત્રવાદક તરીકે કામ શરૃ કરેલું તો નૌશાદસાહેબે ઝંડે ખાનના પિયાનોવાદક તરીકે કામ શરૃ કરેલું. કલ્યાણજીભાઇએ અને સંગીતકાર રવિએ હેમંત કુમારના સહાયક તરીકે કામ કરેલું તો લક્ષ્મીકાંત પ્યારેલાલે લગભગ બધા ટોચના સંગીતકારો સાથે અનુક્રમે મેંડોલીન અને વાયોલિન વગાડેલું. ટૂંકમાં કહેવાનો ભાવાર્થ એ છે કે સ્વતંત્ર સંગીતકાર બનવા અગાઉ દરેક સંગીતકારે બીજા સિનિયર સંગીતકારના સાજિંદા તરીકે સેવા આપેલી. 

પંડિત હરિપ્રસાદ ચૌરસિયા અને પંડિત શિવકુમાર શર્માએ પણ સેંકડો ફિલ્મોમાં બીજા સંગીતકાર માટે વાજિંત્ર છેડેલું. યશ ચોપરાની ફિલ્મથી સ્વતંત્ર સંગીતકાર થયા. પરંતુ એ અગાઉના શંકર જયકિસન કે નૌશાદ કે સી રામચંદ્ર કે એસ ડી બર્મન યા ઓ પી નય્યર જેટલું લાંબું ખેંચી ન શક્યા. જો કે એમાં દોષ શિવ-હરિનો નહોતો. અમિતાભ બચ્ચનના એંગ્રી યંગ મેનનો યુગ શરૃ થવા સાથે આપણે જેને મેલોડી કહીએ છીએ એ બેક સીટ પર ચાલી ગયેલી. 

આજે એવાજ એક સંગીતકારની વાતનો આરંભ કરવો છે. એમની સંગીતકાર તરીકેની કારકિર્દી પણ અલ્પજીવી નીકળી. યોગાનુયોગે લક્ષ્મીકાંત પ્યારેલાલનો યુગ શરૃ થયો એ સમયગાળામાં આ સ્વરકારનો જન્મ થયેલો. લક્ષ્મીકાંત પ્યારેલાલે આમ તો 'પારસમણિ' ફિલ્મથી આરંભ કરેલો. પરંતુ એક પ્રજ્ઞાચક્ષુ અને એક શારીરિક અશક્ત એવા બે દોસ્તોની કથા રાજશ્રીના તારાચંદ બડજાત્યાની 'દોસ્તી' ફિલ્મથી આ જોડી ઊંચકાઇ તો એવી ઊંચકાઇ કે અ..ધ..ધ..ધ.. ફિલ્મો કરી નાખી. 

લગભગ બધી ફિલ્મોમાં ઊંચા દરજ્જાનું સંગીત પીરસ્યું, કારણ કે ગોલ્ડન પિરિયડના ટોચના બધા સંગીતકારો સાથે કામ કરેલું એટલે એ ખરા અર્થમાં 'કાન-સેન' બની ચૂક્યા હતા. અલબત્ત, એમની પોતાની સર્જનશીલતા પણ બેસુમાર હતી. જે નવા સંગીતકારની વાતનો આરંભ કરવો છે એમનો તો એ વર્ષમાં એટલે કે ૧૯૬૪માં હજુ ફક્ત જન્મ થયેલો. એટલે સંગીતની તાલીમ દરમિયાન એમને સંગીતના ગોલ્ડન પિરિયડનો ઉત્તરાર્ધ અને એંગ્રી યંગ મેનનો ઉદય એમ બંને પ્રકારનો અનુભવ મળેલો. મોટા ભાગના સંગીતકારોની જેમ આ કલાકારનો ઉદય પણ વાયોલિનવાદક તરીકે થયેલો. 

દુનિયાભરમાં  સૂરતનાં જમણ તરીકે જેના વખાણ થાય છે એવા સૂરતમાં જન્મેલા આ સંગીતકારે વાયોલિનની અને ખાસ તો ભારતીય સંગીતની તાલીમ પોતાના પિતા પાસે લીધી હતી. રાજ-રજવાડા જેવી અટક ધરાવતા આ સંગીતકારનો આરંભ જબરદસ્ત થયેલો એમ કહું તો અતિશયોક્તિ નહીં ગણાય. એમના પિતા હુસૈનભાઇ સૂરતના ટોચના ક્લેરીનેટ અને સેક્સોફોન પ્લેયર હતા. છેલ્લી ચારેક પેઢીથી સંગીત એમના લોહીમાં ઊતરી આવ્યું છે. 

સૌથી મોટી વાત તો એ હતી કે વાયોલિન પ્લેયર તરીકે આ સંગીતકારને ગોલ્ડન પિરિયડના એટલીસ્ટ ત્રણ ટોચના સંગીતકારો સાથે વાયોલિન છેડવાની તક મળેલી- કલ્યાણજી આણંદજી, લક્ષ્મીકાંત પ્યારેલાલ અને આર ડી બર્મન. 

આ ત્રણે સિનિયરની કામ કરવાની પદ્ધતિ, એમનાં સ્વર-નિયોજનો, એમનું ઓરકેસ્ટ્રેશન, બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને ટોચના ગાયકો પાસે કામ લેવાની વ્યવહાર કુશળતા આ યુવાને નજરે જોઇ હતી. એટલે સ્વતંત્ર સંગીતકાર થયા ત્યારે એમની કારકિર્દી ખાસ્સી લાંબી ચાલવી જોઇતી હતી. પરંતુ એવું ન બન્યું. આજના જે ટોચના ફિલ્મ સર્જકે એમને પહેલી તક આપી એમની સાથે જ આ સંગીતકારને મનદુઃખ થયું. 

અહીં એક વાતની નોંધ લેવી જોઇએ. ખુદ લતાજીએ જાહેરમાં કહ્યું છે કે રાજ કપૂર પોતે સંગીતનો અભ્યાસી હતી અને શંકર જયકિસન જે કંઇ કામ કરે એને રાજ કપૂર પોતે ઓક્કે કરે એ પછીજ ફાઇનલ રેકોર્ડિંગ થતું. બીજા શબ્દોમાં રાજ કપૂર પોતાની ફિલ્મોનું સંગીત પોતાના મનમાં જાતે તૈયાર કરતો હતો. એ વાતને મુદ્દો બનાવીને શંકર જયકિસન રાજ કપૂરથી છૂટા પડી શક્યા હોત. પણ ના. 

એમણે રાજ કપૂરના સંગીતના જ્ઞાનમાં રહેલી બારીકી અને વિશદતા પિછાણી હતી અને દિલથી સ્વીકારી હતી. એટલે જયકિસનના મૃત્યુ સુધી આ ટીમ ટકી રહી. બીજી બાજુ જે સંગીતકારની વાત હું શરૃ કરવા જઇ રહ્યો છું એને પોતાના પેટ્રન અને પહેલી તક આપનારા ફિલ્મ સર્જક સાથે મનદુઃખ થયું અને જોડી તૂટી ગઇ. આજે એ સંગીતકાર પાસે કદાચ સંગીતકાર તરીકે કોઇ મોટા બેનરની ફિલ્મ નથી. સારું ત્યારે સી યુ ઓન ધ લાસ્ટ ફ્રાઇડે ઑફ ડિસેંબર... (ક્રમશઃ)

Comments