હમને જિતના ભી કામ કિયા, ઉસ સે હમે સંતોષ હૈ, ગિલા-શિકવા નહીં હૈ...

સિનેમેજિક - અજિત પોપટ
20 નવેમ્બર, 2015, શુક્રવાર

'દેખિયે, લોગોં કા કામ હૈ કહના, ઉસ સે હમેં કોઇ ફર્ક નહીં પડતા,' અધૂરી વાતનો છેડો સાંધી લેતા સિનિયર સંગીતકાર ખય્યામ કહે છે, 'શરૃથી જ એક લક્ષ્ય નક્કી કરી લીધું હતું કે કેટલી ફિલ્મો કરી એવી સંખ્યામાં પડવું નહીં, કામની ગુણવત્તામાં બાંધછોડ કરવી નહીં અને ખોટ્ટી હા એ હા કરવી નહીં.' પોતાની બાયોગ્રાફીમાં ખય્યામ સાહેબે જગવિખ્યાત ફ્રેન્ચ સાહિત્યકાર વિક્ટર હ્યુગોનું એક સનાતન સત્ય જેવું વિધાન ટાંક્યું છે. 

વિક્ટર હ્યુગોએ લખ્યું છે- 'મ્યુઝિક એક્સપ્રેસિસ ધેટ વીચ કેનનોટ બી પૂટ ઇનટુ વર્ડસ્ એન્ડ ધેટ વીચ કેનનોટ બી સાયલન્ટ...' એકદમ સરળ શબ્દોમાં કહીએ તો 'શબ્દોમાં વ્યક્ત ન થઇ શકે એને સંગીત રજૂ કરે છે, એ જે રજૂ કરી છે એ કદી મૌન રહી શકે નહીં... ' પોતાના વિચાર અને મૂગા નિર્ણયને એ સાતત્યપૂર્વક વળગી રહ્યા. પચાસ વરસમાં પૂરી પચાસ ફિલ્મો ય માંડ માંડ કરી. પરંતુ કદી પોતાના વિચારો સાથે બાંધછોડ કરી નહીં. 

આજે પણ ખય્યામ વાતવાતમાં કહે છે કે અમારે માટે સંગીત ઇબાદત છે જેને તમે ભક્તિ કહો છો. મેં ધાર્યું હોત તો બસો અઢીસો ફિલ્મો કરી શક્યો હોત, પરંતુ મારા સ્વભાવને એ માફક આવે એવી વાત નહોતી એટલે ફિલ્મોની સંખ્યાની દ્રષ્ટિએે હું નિર્ધન સંગીતકાર છું. પરંતુ દેશ-વિદેશમાંથી મારા સંગીતના દિવાના ચાહકો મને મળી આવે છે. જૂનાં ગીતોના કલેક્ટર પાસે મારાં પચીસ પચાસ ગીતો માંડ હોઇ શકે. તમે એમાંથી એકાદ ગીતની રેકર્ડ-કેસેટ કે સીડી માગી જુઓ. 

એ આપવા માટે જલદી તૈયાર નહીં થાય...બસ, આ છે અમારા સંતોષની વાત...આ સંગીતકારની ઔર એક ખૂબી પણ જાણવા જેવી છે. એમનાં પત્ની જગજિત કૌર પણ અચ્છી ગાયિકા. પરંતુ ખય્યામે કદી સામે પડીને કોઇ ફિલ્મ સર્જકને કહ્યું નહીં કે એકાદ ગીત મારી પત્ની પાસે ગવડાવી લઇએ.
    
ખય્યામ સાથે સંમત થતાં આપણે પણ એમનાં કેટલાંક યાદગાર ગીતોની વાત કરીને સંતોષ માનીએ. આરંભથી એમને રાગ પહાડી ખૂબ ગમતો રાગ રહ્યો છે. એમનાં હિટ નીવડેલાં ઘણાં ગીતો પહાડીમાં છે. ગીતનો ભાવ અને સિચ્યુએશન સમજી લીધા પછી એ મનગમતા રાગ પાસે કામ લેતા રહ્યા છે. આ બાબતમાં એમણે ઉસ્તાદ અમીર ખાંનું એક વિધાન યાદ કર્યું. 'કોઇ પણ રાગ કે બંદિશ સાંભળતી વખતે શ્રોતા પોતે કયા મૂડમાં છે એના પર રાગ દ્વારા નિષ્પન્ન થતા રસનો આધાર રહે છે. 

માણસ ખૂબ ખુશમિજાજમાં હોય ત્યારે રાગ મારવા કે બૈરાગી સાંભળે તો એને વૈરાગ્ય રસનો અનુભવ ન પણ થાય....એમાં રાગનો કશો વાંક ન કાઢી શકાય...' આ સંદર્ભમાં રાગ પહાડી પર આધારિત એમનાં બે ગીતો જુઓઃ ફિલ્મ આખરી ખતનું 'બહારોં મેરા જીવન ભી સંવારો...' પંક્તિ પૂરી થયા બાદ ફરી બહારોં...શબ્દ રિપિટ થાય છે ત્યારે એક પ્રકારની ઘુંટાયેલી વેદના સાકાર થઇ જાય છે. છ માત્રાના દાદરા તાલમાં આ ગીત સાંભળનાર પર સખ્ખત અસર કરે છે. 

અંતરાના શબ્દોમાં પણ એ વેદનાસિક્ત શબ્દો પ્રગટ થયા છે-'તુમ્હીં સે દિલ ને સીખા હૈ તડપના, તુમ્હીં કો દોષ દૂંગી અય નઝારોં...બહારોં મેરા જીવન ભી સંવારો, કોઇ આયે કહીં સે યું પુકારો...' પરણવા યોગ્ય યુવતીના મનની વાત કૈફી આઝમીએ કેટલી હૃદયંગમ રીતે રજૂ કરી છે એ છેલ્લા અંતરામાં પ્રગટ થાય છે-'લગાઓ મેરે ઇન હાથોં મેં મહેંદી, સજાઓ માંગ મેરી, યા સિધારો...' અહીં યા સિધારો શબ્દોમાં કવિએ ફક્ત બે શબ્દોમાં જે તીવ્ર વેદના પ્રગટ કરી છે એ સંગીતકારે તર્જ દ્વારા અને લતાજીએ કંઠ દ્વારા અક્ષરસઃ જીવંત કરી છે.

એ જ રાગ પહાડીમાં મૂકેશના કંઠે જ્યારે કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હૈ...ગીત રજૂ થાય છે ત્યારે પણ પ્રણયના એકરાર સાથે એક પ્રકારનું છૂપું દર્દ તો પ્રગટ થયા વિના રહેતું નથી. યશ ચોપરાની આ યાદગાર ફિલ્મ કભી કભીનું આ ટાઇટલ ગીત એક કરતાં વધુ સેલેબ્રિટીઝ (અમિતાભ બચ્ચન, શશી કપૂર, રાખી ગુલઝાર, ખુદ યશ ચોપરા, ગાયક મૂકેશ-લતાજી અને ખુદ ગીતકાર સાહિર લુધિયાનવી)નું માનીતું રહ્યું છે. 

આ ગીતની તર્જ, ગીતના શબ્દો, એનું ફિલ્માંકન અને દાયકાઓથી ગાતા રહેલા મૂકેશના કસાયેલા કંઠ પાસે સંગીતકારે કરાવેલો ખાસ સ્વરલગાવ- એ દરેક બાબત પ્રશંસનીય બની રહી. સંગીતકાર કલ્યાણજીભાઇ કહેતા કે દરેક ગીતમાં દરેક ગાયકનો એક અલગ સ્વરલગાવ હોય છે. અગાઉ મન્ના ડેના સંદર્ભમાં મેં તમને એ વાત કરેલી. ફિલ્મ કાબુલીવાલાનું અય મેરે પ્યારે વતન...ફિલ્મ ઉપકારનું કસ્મે વાદે પ્યાર વફા સબ...અને વક્તનું અય મેરી જોહરાજબીં...ત્રણે ગીતો એકાગ્રતાથી સાંભળો. સ્વરલગાવમાં રહેલો ફરક તમારા ધ્યાનમાં આવ્યા વિના નહીં રહે. 

આજે આ બે ગીતની વાત કરીને અહીં અધૂરું રાખું છું. જેની વિગતવાર નોંધ કરી શકીએ એવાં ગીતો ખય્યામ સાહેબે સેંકડોની સંખ્યામાં નથી આપ્યા. એટલે આજે અહીં અટકીએ. ફિર મિલેંગે અગલે શુક્રવાર કો...

Comments