ઉમદા પ્રકારના કવિ-ગીતકારો સાથે વધુ ફાવ્યું

સિનેમેજિક - અજિત પોપટ
6 નવેમ્બર, 2015, શુક્રવાર

અભિનય સમ્રાટ ગણાયેલા દિલીપ કુમાર સાથે ફૂટપાથ ફિલ્મ કર્યા પછી પણ સંગીતકાર ખય્યામની ગાડી સડસડાટ દોડવા માંડી નહોતી. એ સમયગાળો જ એવો હતો. દાદુ સંગીતકારો જામેલા હતા. બીજી બાજુ ખય્યામનેા સ્વભાવ એવો થઇ ગયો હતો કે રેંજીપેંજી ગીતકાર કે શાયર સાથે એમને ફાવે નહીં. 

પંડિત અમરનાથને ત્યાં ટોચના ઊર્દૂ શાયરોના કલામ માણી માણીને એમનો ટેસ્ટ અલગ રીતે  ઘડાઇ ગયો હતો. તમે ખય્યામની સમગ્ર કારકિર્દી પર એક ઊડતી નજર કરો તો તમને એકાદ ગીત પણ હલકું કે શબ્દ રમત જેવું મળવું મુશ્કેલ થઇ પડે. એમણે જેમની રચનાઓ સ્વરબદ્ધ કરી અને જે હયાત શાયરો-ગીતકારો સાથે કામ કર્યું એમાં મિર્ઝા ગાલિબ, દાગ, વલી સાહેબ, મજરુહ સુલતાનપુરી, અલી સરદાર જાફરી, સાહિર લુધિયાનવી અને પાછળથી આવેલા નવોદિતોમાં નક્શ લાયલપુરી, અહમદ વારસી અને નિદા ફાઝલીનો સમાવેશ થયો હતો.

એમના ફાળે એાછી ફિલ્મો આવી એનું એક કારણ આ. બીજું કારણ એ કે સમયની સાથે ચાલવાની એમની તૈયારી કદાચ ઓછી હતી. એમની કારકિર્દી પર નજર નાખતાં ધ્યાનમાં આવશે કે એમણે ભાગ્યેજ કદી વેસ્ટર્ન ટાઇપની ધૂન બનાવી છે. 

એ ચુસ્તપણે ભારતીય સંગીતને વળગી રહ્યા. નૌશાદ સાહેબે તો રાજેન્દ્ર કુમાર અને સાયરાબાનુને ચમકાવતી ફિલ્મ સાથીમાં પોતાની અગાઉની તર્જો કરતાં કંઇક જુદું કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ ખય્યામ તો પોતાની શૈલીનેજ વળગી રહ્યા હતા. અલબત્ત, એમાં એમણે કશું ગુમાવ્યું નથી. એમણે આપણને જે સંગીત પીરસ્યું એ આલા દરજ્જાનું નીવડયું. 

'ફૂટપાથ' પછી કરેલી 'ગુલબહાર' ફિલ્મ પણ ખય્યામને બહુ યશદાયી ન નીવડી. પરંતુ ત્યારબાદ મળેલી ફિલ્મ 'ફિર સુબહ હોગી' એમના સંગીત માટે યાદગાર બની રહી. ખય્યામની વાત શરૃ કરી ત્યારે તમને યાદ કરાવેલું. 'રાજસા'બ આવ્યા અને ઓરડાના એક ખૂણામાં પડેલો તાનપુરો જોઇને મને કહ્યું, અરે, આટલો સરસ તાનપુરો અહીં છે...કંઇક સંભળાવો...' મજાની વાત એ કે સંધ્યાકાળ હોવાથી ખય્યામે ગાયેલો રાગ પુરિયા ધનાશ્રી સાંભળીને પ્રશંસાના બે શબ્દો માંડ બોલીને તરત રાજ કપૂરે કહ્યું કે આપે ફિલ્મનાં ગીતોની જે તર્જો તૈયાર કરી હોય એ સંભળાવો. આપણી પાસે મૂકેશ અને આશા ભોંસલેએ ગાયેલા ફિર સુબહ હોગીના ટાઇટલ ગીતની જે તર્જ છે એવી પાંચ છ તર્જ આ ગીત માટે ખય્યામે બનાવેલી. 

રાજ કપૂર પોતાની ટેવ મુજબ સાંભળતા રહ્યા. સિગારેટ ફૂંકતા રહ્યા...પછી ડાયરેક્ટર સાથે અંદરના રૃમમાં ગયા. ખય્યામનું બીપી જરૃર વધી ગયું હશે. સ્વાભાવિક છે. રાજ કપૂર અભિનય કરતો હોય એવી મોટા ભાગની ફિલ્મો- પછી એ આર. કે. બેનરની હોય કે બીજાની હોય, એમાં મોટે ભાગે શંકર જયકિસનનું સંગીત રહેતું. કેટલેક અંશે શમ્મી કપૂર સાથે પણ એવું જ કહી શકાય. આપણે અગાઉ વાત કરી ગયા છીએ. ફિલ્મ 'તીસરી મંજિલ' માટે શમ્મી કપૂરને શંકર જયકિસન જોઇતો હતો. ફિલ્મ સર્જકે આર ડી બર્મનને સાઇન કર્યા હતા. એ તો ભલું થજો અણ્ણા સાહેબ (સી રામચંદ્ર)નું કે મુંબઇમાં શિવાજી પાર્ક પરના દરિયા કાંઠે આવેલા પોતાના મ્યુઝિક રૃમમાં પંચમ અને શમ્મી કપૂરની બેઠક ગોઠવી અને વાત જામી ગઇ...

ખેર, વીસ પચીસ મિનિટ સુધી ખય્યામ ખરા-ખોટા ટેન્શનમાં રહ્યા. બહાર આવીને ફિલ્મ સર્જક રમેશ સહગલે કહ્યું, મુબારક હો આપ કો, ખય્યામ... રાજ સાહબ કો આપ કી સભી બંદિશે પસંદ આયી. અબ હમ કો તય કરના હૈ કિ કૌન સી બંદિશ ટાઇટલ સોંગ કે લિયે રખ્ખેં.. અને જે તર્જ પસંદ કરવામાં આવી એ આપણા ગોલ્ડન પિરિયડ ઑફ ફિલ્મ મ્યુઝિકના ખજાનામાં છે. જો કે આ ફિલ્મના ઔર પણ બે ત્રણ ગીતો ગાજ્યાં હતાં. 

એવાં ગીતોનો અછડતો ઉલ્લેખ કરવો જરૃરી જણાય છે- મૂકેશ અને મુહમ્મદ રફીના કંઠે ગવાયેલું આ લવ સોંગ 'ફિરતે થે જો બડે હી સિકંદર બને હુએ, બૈઠે હૈં ઉન કે દર પે, કબૂતર બને હુએ, જિસ પ્યાર મેં યહ હાલ હો, ઉસ પ્યાર સે તૌબા...,  મૂકેશના જ કંઠમાં ગવાયેલું આ ગીત-'આસમાં પે હૈ ખુદા ઔર જમીં પે હમ, આજ કલ વો ઇસ તરફ દેખતા હૈ કમ, આજ કલ કિસી કો વો ટોકતા નહીં, ચાહે કુછ ભી કીજિયે, રોકતા નહીં, હો રહી હૈ લૂટ-માર, ફટ રહે હૈં બમ, આસમાં પે હૈ ખુદા...' અને હા, મૂકેશે ગાયેલું અને સાહિરની કલમમાં કોઇને સામ્યવાદની ગંધ આવે એવા શબ્દો ધરાવતું આ ગીત-'ચીન ઓ અરબ હમારા, હિન્દોસ્તાં હમારા, રહને કો ઘર નહીં હૈ સારા જહાં હમારા, ખોલી ભી છીન ગયી હૈ, બેન્ચેં ભી છીન ગયી હૈ, સડકોં પે ઘૂમતા હૈ, અબ કારવાં હમારા, જેબેં હૈં અપની ખાલી, ક્યોં દેતા વર્ના ગાલી, વો સંતરી હમારા, વો પાસબાં હમારા, રહને કો ઘર નહીં હૈ સારા જહાં હમારા...'

ટિકિટબારી પર આ ફિલ્મે જે દેખાવ કર્યો તે, ફિલ્મનું સંગીત હિટ નીવડયું હતું. ખય્યામનું નામ પણ ઉમદા સંગીતકારોમાં ગણાતું થયું હતું. પરંતુ એટલા માત્રથી બોલિવૂડમાં કામના ઢગલા થાય નહીં. એમ તો આપણે અગાઉ જોયું હતું.  

જાગતે રહોમાં સલિલ ચૌધરીનું સંગીત પણ રાજ કપૂરે મુક્ત કંઠે વખાણ્યું જ હતું ને... પરંતુ સલિલને કદી આરકેની ફિલ્મ મળી નહોતી. એવું જ ખય્યામ સાથે પણ થયું.  રાજ કપૂરને ખય્યામની ટેલેન્ટ ગમી હતી પરંતુ પોતાની આરકેની કાયમી ટીમ નારાજ થાય એવું કોઇ પગલું એ લેવા માગતો નહોતો. પક્કો ગણતરીબાજ ફિલ્મ સર્જક હતો. (ક્રમશઃ)

Comments