દો દો બાર મેરી જમકર પીટાઇ હુયી હૈ, જાનતે હૈં આપ...?

સિનેમેજિક - અજિત પોપટ
9 ઓક્ટોબર, 2015, શુક્રવાર 

'નૌશાદ સાહબ તો ફિર ભી ખુશકિસ્મત થે...ઉન કે અબ્બા હુજુરને તો સિર્ફ હાર્મોનિયમ ઘર કે બાહર ફેંક દિયા થા.... મેરી તો દો દો બાર જમકર પીટાઇ હયી હૈં, જાનતે હૈં આપ...'મીઠ્ઠું મલકતાં એ પીઢ સંગીતકાર કહી રહ્યા હતા. આ લખનાર એમની સાથે બેઠો હતો. એ આપવીતી સંભળાવી રહ્યા હતા. 

પંજાબના જલંધરમાં એમના પિતા મુહમ્મદ અબ્દુલ્લા હાશમી જમીનદાર હતા. માતા હુરમત જહાં ખૂબ પ્રેમાળ. પિતા તો ગાંધીજીના રંગે રંગાઇને સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા હતા અને કોંગ્રેસી તરીકે ઓળખાતા હતા. 

રૃઢિચુસ્ત પરિવાર. પાંચ ભાઇ અને ત્રણ બહેનોમાં આ ભાઇનો ક્રમ પાંચમો. સાવ કૂમળી વયથી હીરો બનવાની ઘેલછા. ગામમાં પતરાના થિયેટરમાં ચોરીછૂપીથી ફિલ્મો જુએ. એકવાર અભિનેતા બનવાની ઘેલછામાં ઘેરથી નાસી ગયા. દિલ્હી પહોંચ્યા. ત્યાં એના કાકા રહે. આવડા અમથા છોકરાને એકલો આવેલો જોઇને કાકાને નવાઇ લાગી. થોડી આડીઅવળી વાતો થયા પછી પૂછ્યું, કૈસે આના હુઆ ? બાયોસ્કોપ મેં કામ કરના હૈ... છોકરાએ જવાબ વાળ્યો. 

કાકાનો પિત્તો ગયો. તુમ્હારા દિમાગ તો ઠીકાને હૈ ? અને બે ચાર થપ્પડોનો પ્રસાદ મળી ગયો. દાદીમા હાજર હતાં. એમણે છોડાવ્યો. કાકાએ છોકરાનાં માતા-પિતાને સમાચાર મોકલી આપ્યા અને છોકરાને દિલ્હીમાં સ્કૂલમાં દાખલ કરી દીધો. છોકરો દાદીમાને કહ્યા કરે, કાકાને સમજાવોને. મારે હીરો બનવું છે.
   
કંટાળીને કાકાએ ફિલ્મ સંગીતકાર હુશ્નલાલ ભગતરામના મોટાભાઇ પંડિત અમરનાથને ત્યાં મોકલ્યો. ફિલ્મ શબાબ, બૈજુ બાવરા, ઝનક ઝનક પાયલ બાજે જેવી ફિલ્મોમાં પોતાનો કંઠ આપનારા ઉસ્તાદ અમીરખાનના શિષ્ય એવા પંડિત અમરનાથજીએ દસ અગિયાર વર્ષના આ છોકરાના વિચારને બીજી દિશામાં વાળવા એને સમજાવ્યો કે જો, હીરો બનવા માટે પણ સંગીત-નૃત્યની ખપ પૂરતી જાણકારી જોઇએ. 

તું મારી પાસે સંગીત શીખી જા. પછી હું તને મારા ભાઇઓ પાસે મુંબઇ મોકલી આપીશ. હુશ્નલાલ ભગતરામનું નામ સાંભળ્યું છે ને ? એ બંને મારા સગ્ગા નાનાનભાઇઓ છે. એટલે છોકરો સંગીત શીખતો થયો. પાંચેક વર્ષ એમ ને એમ નીકળી ગયા. 'મેરે લિયે પંડિતજી ભગવાન થે. મૈને ઉન કી બહુત સેવા કી. ઉન કે પાસ મુઝે બહુત સીખને મિલા. બડે બડે ઉસ્તાદોં કો સુનને કે લિયે લે જાતે થે. ઉન કે વહાં બહુત અચ્છી લાયબ્રેરી ભી થી. 

વહાં મુઝે ઊર્દૂ શેરશાયરી કા શૌક મિલા...' સિનિયર સંગીતકાર ખય્યામ કહે છે. પંડિત અમરનાથને ત્યાં વ્યતીત કરેલા પાંચ વર્ષને ખય્યામ ખૂબ આદરપૂર્વક યાદ કરે છે. ઊર્દૂ ગઝલો અને શુદ્ધ શાસ્ત્રીય સંગીતની બારીકીઓ અહીં જાણવા-સમજવા મળ્યાં. એને પોતાનો અમૂલ્ય ખજાનો ગણાવતાં એમણે એક બહુ જાણીતો કિસ્સો જુદી રીતે કહ્યો.

આ કિસ્સો આમ તો ઘણો પાછળથી આવે. પરંતુ શાસ્ત્રીય સંગીતના સંદર્ભમાં અત્યારે એની ઝલક લઇએ. રમેશ સહગલની ફિલ્મ ફિર સુબહ હોગીમાં રાજ કપૂર હીરો હતા અને એ જ સંગીતકારની પસંદ કરવાના હતા. ખય્યામ વાત માંડતાં કહે, 'રાજ સા'બ આવ્યા ત્યારે હું જે ઓરડામાં હાર્મોનિયમ લઇને બેઠેલો ત્યાં એક ખૂણામાં તાનપુરો પડયો હતો. ફિલ્મ અને એનાં ગીત સંગીતની વાત પછી. રાજકપૂર કહે, અરે, ઇતના અચ્છા તાનપુરા યહાં પડા હૈ. 

આપ કુછ સુના દીજિયે...મેં મારા ગુરુને યાદ કરીને તાનપુરો મેળવ્યો. ઓરડામાં એનો ઝંકાર ગૂંજતો થયો. સંધ્યાકાળનો સમય હતો એટલે સ્વાભાવિક રીતેજ મેં રાગ પુરિયા ધનાશ્રી છેડયો. ગુરુજનોના આશીર્વાદથી સૂર સરસ લાગ્યો હતો. રાજસા'બ પણ ડોલતા હતા. 

વીસ પચીસ મિનિટ મેં ગાયું. પછી તાનપુરો મૂકીને પ્રશ્નસૂચક નજરે એમની સામે જોયું. તદ્દન ઠંડકથી એ કહે, અચ્છા અબ ફિલ્મ કે ટાઇટલ સોંગ કી તર્જ સુના દીજિયે...તમે કલ્પના કરી શકો છો ? હવામાં રાગ પુરિયા ધનાશ્રીની ઝલક હતી. સૂરો હજુ તો દિમાગમાં ગૂંજતા હતા ત્યાં ફિલ્મના ટાઇટલ સોંગ પર વાત આવી ગઇ...' 

આ વાતનો છેડો પછી મેળવશું. ખય્યામની આપવીતી આગળ ચલાવીએ. વાત ૧૯૩૦ના દાયકાના ઉત્તરાર્ધની છે. પંડિતજીએ આ છોકરાની ઘેલછા જોઇને લાહોર, કલકત્તા અથવા મુંબઇ જઇને નસીબ અજમાવવાની સલાહ આપી.  મજા જુઓ. કે એલ સાયગલ અને પહાડી સંન્યાલ જેવાનો એે સુવર્ણ તબક્કો હતો. ખય્યામ કોઇની મદદ મેળવીને લાહોર અને મુંબઇ આંટો મારી આવ્યા. જેમને મળ્યા એમણે નાપાસ કરતાં કહ્યું, 'તમે અત્યારે ન તો બાળ કલાકારના રોલ માટે ફિટ છો ન તો હીરો બનવા માટે ફિટ છો. યુ આર એડોલસન્ટ (તમે કૌમાર્યવસ્થામાં) છો. સોરી...' 

'ઔર મેરી દૂસરી બાર પીટાઇ હુયી...' ખય્યામે વાત આગળ વધારતા કહ્યું. (ક્રમશઃ)

Comments