માધુર્યના સ્થાને જ્યારે ધીમે ધીમે લયનું પ્રભુત્ત્વ વધતું ચાલ્યું

સિનેમેજિક - અજિત પોપટ
30 ઓક્ટોબર, 2015, શુક્રવાર

આજે ઓક્ટોબર માસનો છેલ્લો શુક્રવાર. અગાઉ જણાવ્યું હતું એમ દર મહિનાના છેલ્લા શુક્રવારે આજના ટીનેજર્સના માનીતા સંગીતકારો અને આજના ફિલ્મ સંગીતની વાત કરીશું. એ વિશે વાત કરવા અગાઉ થોડી પાર્શ્વભૂમિકા જોઇ લેવી જરૃરી જણાય છે. 

ફિલ્મ સંગીતના સુવર્ણ યુગ વિશે લખનારા મોટા ભાગના લેખકો એક વાતે સંમત છેઃ ફિલ્મ સંગીતનો સુવર્ણ યુગ ૧૯૪૫-૪૬ થી ૧૯૭૦ સુધી ગણી શકાય જ્યારે રાજેશ ખન્નાનો સૂર્ય સોળે કળાએ તપતો હતો. લગભગ એન્ગ્રી યંગ મેનનો ઉદય થયો એ સાથે ધીરે ધીરે ફિલ્મ સંગીતમાં માધુર્ય અને કાવ્યતત્ત્વનો અસ્ત થતો ચાલ્યો. આજે જે ગીતો ટીનેજર્સ માણે છે એમાં સ્વર કરતાં લયનું મહત્ત્વ વધુ છે એવું માનીએ તો ચાલે. 

જો કે અમિતાભ બચ્ચને પણ એંગ્રી યંગ મેનના રોલ્સ કરતી વખતે કેટલાંક યાદગાર ગીતો આપ્યાં છે એ હકીકત ઉવેખી શકાય નહીં. પરંતુ એને અપવાદ ગણવો પડે. સરેરાશ ફિલ્મ સંગીતમાં મેલોડી બેક સીટ પર ચાલી ગઇ એ હકીકત સ્વીકારવી રહી. જો કે એ દરમિયાન પણ રાજેશ રોશન, અનુ મલિક, રામ લક્ષ્મણ, કલ્યાણજી આણંદજી, લક્ષ્મીકાંત પ્યારેલાલ વગેરે સક્રિય હતા. પરંતુ જેને આપણે સુવર્ણ યુગ કહીએ છીએ એ લગભગ વિરમી ગયો હતો.

આજે જે સંગીતકારો ટોચના ગણાય છે એ લોકોનો ઉદય આ જ એક્શન પ્રચુર ફિલ્મોની વચ્ચે થયો છે એ હકીકત મહત્ત્વની છે. મોટી વયના સંગીત રસિકો જે કહે અને જે માને તે, પણ આજના સંગીતકારો કમ સે કમ આજના કૉલેજિયન ટીનેજર્સને ગમે એવી તર્જો તો બનાવે જ છે. એમના સંગીતની વાતના શ્રી ગણેશ માંડતાં પહેલાં એમના આરંભની ઊડતી ઝલક જોવી જરૃરી છે. દરેકની હિટ ફિલ્મથી વાતનો આરંભ કરીએ. ટી સિરિઝના ગુલશન કુમારની હત્યામાં કહેવાતી સંડોવણી બદલ વિદેશમાં રહેતા નદીમ સૈફી અને શ્રવણ રાઠોડની પહેલી હિટ ફિલ્મ મૈંને જીના સીખ લિયા (૧૯૮૧) હતી. 

આજે તો જો કે એ બંને ભૂલાઇ ચૂક્યા છે. એાસ્કાર વિજેતા સંગીતકાર એ આર રહેમાને આરંભ ભલે તમિળ ફિલ્મ રોજા (૧૯૯૨)થી કર્યો હોય, દીપા મહેતાની ફિલ્મ રંગીલા (૧૯૯૬) રહેમાનની પહેલી હિન્દી ફિલ્મ ગણવી પડે. હિમેશ રેશમિયા અને સાજિદ વાજિદ પ્યાર કિયા તો ડરના ક્યા (૧૯૯૮)થી જાણીતા થયા. જો કે એ ફિલ્મમાં આ બે ઉપરાંત જતીન લલિત પણ સંગીતકાર તરીકે જોડાયેલા હતા. 

સંજય લીલા ભણસાલીની હમ દિલ દે ચૂકે સનમથી રાતોરાત હિટ નીવડેલા સંગીતકાર ઇસ્માઇલ દરબારનો ઉદય ૧૯૯૮માં થયો. વિશાલ શેખર પ્યાર મેં કભી કભી (૧૯૯૯) ફિલ્મથી જાણીતા થયા. આજે પણ સક્રિય છે. યશ રાજની આગામી ફિલ્મ સુલતાનમાં સલમાન ખાન માટે સંગીત તૈયાર કરી રહ્યા છે. શંકર અહેસાન લૉય મિશન કશ્મીર (૨૦૦૦)થી લાઇમલાઇટમાં આવ્યા. સલીમ સુલેમાન ભૂત (૨૦૦૩)થી હિટ નીવડયા અને લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ અમિત ત્રિવેદી દેવ ડી (૨૦૦૯)થી પ્રસિદ્ધિને વર્યા. હજુ એકાદ બે નામ ઉમેરી શકાય ખરા. પરંતુ અહીં ખૂબ જાણીતા નામો જ લીધાં છે. 

સુવર્ણ યુગના કોઇ સંગીતકાર સાથે આ યાદીમાંના એક પણ સંગીતકારને મૂકી શકાય એમ નથી. શંકર જયકિસન કે કલ્યાણજી આણંદજી કે લક્ષ્મીકાંત પ્યારેલાલ કે પછી બર્મન પિતા પુત્ર, ઓ પી નય્યર, સી રામચંદ્ર અને અન્ય સંગીતકારોનું હિટ અને લોકપ્રિય સંગીતનું સાતત્ય એકસરખું હતું. કેટલીક ફિલ્મો એવી પણ આવી જે બોક્સ ઑફિસ પર ન ચાલી હોય, પરંતુ એનાં ગીત સંગીત હિટ નીવડયાં હોય. 

આજના સંગીતકારો માટે કહેવું થોડું મુશ્કેલ છે. એાસ્કાર વિજેતા સંગીતકાર એ આર રહેમાન પ્રત્યેના પૂરેપૂરા માન-આદર છતાં એમ કહેવું પડે કે એમનાં કેટલાં મુખડાં તમને આંખના પલકારામાં યાદ આવે છે ? વિચારી જુઓ. બહુ મુશ્કેલ વાત છે. બીજી બાજુ આર. ડી. બર્મનના અકાળ અવસાન પછી આવેલી ફિલ્મ ૧૯૪૨ અ લવ સ્ટોરીનાં ગીતો રાતોરાત હિટ નીવડયાં હતાં અને લોકો ગણગણતા થઇ ગયા હતા. એ સંદર્ભમાં તાજેતરમાં ઇરફાન ખાને કરેલું વિધાન મહત્ત્વનું છે. ઇરફાન ખાને કહ્યું કે આપણા કલાકારોની પ્રતિભાનું મૂલ્યાંકન ઓસ્કાર એવોર્ડથી કરવાની જરૃર નથી. હોલિવૂડની ફિલ્મ સૃષ્ટિ અને આપણી ફિલ્મ સૃષ્ટિ બંને વચ્ચે આસમાન જમીનનો ફરક છે.

આજના સંગીત માટે એક વાક્યમાં કંઇ કહેવું હોય તો એમ કહી શકાય કે આજનું સંગીત લયપ્રધાન વધુ છે. વચ્ચે વચ્ચે અપવાદ સર્જાઇ શકે. મધુરતા પણ પીરસાઇ જાય ખરી. બાકી તમે સાંભળો તો ડાન્સ માટે તૈયાર કર્યાં હોય એવી તર્જો વધુ સાંભળવા મળે. વિવિધ ટેલિવિઝન ચેનલ પર રજૂ થતા ડાન્સ કે મ્યુઝિકના પ્રોગ્રામ્સ જુઓ-સાંભળો તો પણ ખ્યાલ આવી જાય કે આ સંગીત રિધમ-બેઇઝ્ડ એટલે કે લય પ્રધાન છે. 

મોટી વયના સંગીત રસિકોને ઘોંઘાટ જેવું પણ લાગે. ક્યારેક શબ્દો અને સૂરાવલિ કરતાં લયવાદ્યો વધુ ગર્જતાં હોય એવું પણ લાગે. આ તમામ મર્યાદા છતાં આજની યુવા પેઢી એની પાછળ પાગલ છે એટલે એમાં કંઇક સત્ત્વ તો છે. આપણને ન ગમે તો જનરેશન ગેપની દલીલ સ્વીકારી લેવી પડે. આજે નવી ફિલ્મોનું સંગીત કરોડો રૃપિયામાં વેચાય છે એ હકીકત પણ દર્શાવે છે કે ઊગતી પેઢીને આ સંગીત ગમે છે. એટલે હવે ટીનેજર્સની દ્રષ્ટિએ નવી ફિલ્મોના સંગીતની વાતો દર માસના છેલ્લા શુક્રવારે કરીશું. 

Comments