સ્વતંત્ર સંગીતકાર તરીકે મંથર ગતિએ કામ શરૃ તો થયું....

સિનેમેજિક - અજિત પોપટ
23 ઓક્ટોબર, 2015, શુક્રવાર

થોડું પણ સત્ત્વશીલ સંગીત પીરસનારા સંગીતકાર ખય્યામનાં ગીત સંગીતની વાત આગળ લંબાવીએ એ પહેલાં ઐાર એક વાત કહી દેવા જેવી લાગે છે. મૂળ ગુજરાત રાજ્ય સરકારના એેક વરિષ્ઠ સનદી અમલદાર અને ભારતીય સંગીતના ઊંડા અભ્યાસી એવા વિજય રંચન અમદાવાદમાં વસે છે. 

ગુજરાતી એમની માતૃભાષા નથી પરંતુ વરસોથી અહીં રહેતાં હોવાના કારણે ગુજરાતી ભાષા પર સારો એવો કાબુ છે. યોગાનુયોગે એ પણ નમ્રપણે પોતાને પંડિત અમરનાથજીના મુરીદ (શિષ્ય) ગણાવે છે. ગયા સપ્તાહે અચાનક એમનો ફોન આવ્યો. સ્વાભાવિક રીતેજ લખનારે ધન્યતા અનુભવી. 

સંગીત સમજનાર મહાનુભાવ આ કૉલમ વિશે ફોન કરે ત્યારે સ્વાભાવિક રીતેજ આનંદ થાય. વધુ આનંદ થવાનું કારણ એ કે એમણે થોડી નવીજ માહિતી આપી. એમના કહેવા મુજબ ખય્યામ સંગીત શીખતા હતા ત્યારે પંડિત અમરનાથ નામે બે સંગીતકાર હતા. 

એક ઉસ્તાદ અમીર ખાનના ગંડાબદ્ધ શાગિર્દ અને બીજા ફિલ્મ સંગીતકાર હુશ્નલાલ ભગતરામના મોટાભાઇ. બંને પંડિત અમરનાથ આકાશવાણી સાથે પણ સંકળાયેલા હતા. યોગાનુયોગે ખય્યામ જાણ્યે અજાણ્યે આ બંને પંડિત અમરનાથ સાથે સંકળાઇ ગયા હતા. શાસ્ત્રીય ગાયક પંડિત અમરનાથ પાસે દિલ્હીમાં એ પાંચ વર્ષ રહ્યા અને સંગીતની તાલીમ લીધી એ વાત આપણે કરી ગયા.

હુશ્નલાલ ભગતરામના મોટાભાઇ પંડિત અમરનાથ ટોચના વાયોલિનવાદક હતા અને એમણે મુંબઇમાં કેટલીક ફિલ્મોમાં સંગીત પણ પીરસ્યું હતું. દાખલા તરીકે મિર્ઝા સાહિબા (૧૦૪૭). આ ફિલ્મના સંગીતકાર તરીકે પંડિત અમરનાથ ઉપરાંત એમના બંને ભાઇઓ હુશ્નલાલ ભગતરામને પણ ક્રેડિટ અપાઇ હતી. 

આ ફિલ્મના સંગીતમાં અમરનાથજીએ નૂરજહાંના કંઠે સરસ ગઝલ રજૂ કરેલીઃ 'આજા તુઝે અફસાના જુદાઇ કા સુનાએ, જો દિલ પે ગુજરતી હૈ વો આંખોં સે બતાએ, ઓ જાનેવાલે ઉન કો યહ પૈગામ સુનાના, દુનિયા કી તરહ વો ભી મુઝે ભૂલ ન જાયે...' દિલ્હીમાં ખય્યામે ઉસ્તાદ અમીર ખાનના શાગિર્દ પંડિત અમરનાથ કને તાલીમ લીધી ત્યારબાદ મુંબઇમાં આવ્યા ત્યારે વાયોલિનવાદક પંડિત અમરનાથ અને હુશ્નલાલ ભગતરામના સહાયક બની રહ્યા હતા. 

આ રસપ્રદ માહિતી વિજય રંચનજીએ આપી. થેંક્યુ વિજય રંચનજી. શરૃમાં શર્માજી તરીકે થોડું કામ કર્યા બાદ ૧૯૫૨-૫૩માં ખય્યામને ઝિયા સરહદીની ફિલ્મ ફૂટપાથ મળી. ૧૯૪૩-૪૪માં બોમ્બે ટૉકિઝની જ્વારભાટા ફિલ્મથી અભિનય કારકિર્દી શરૃ કરનારા દિલીપ કુમાર હવે સ્ટાર બની ગયા હતા. રાજ કપૂર અને નરગિસ સાથેની મહેબૂબ ખાનની ફિલ્મ અંદાજ રજૂ થઇ ચૂકી હતી. દિલીપ કુમારનું નામ માનથી લેવાતું થયું હતું. હીરોઇન મીના કુમારી હતી જે હજુ ઠીક ઠીક નવી કહી શકાય એવી હતી. વિજય ભટ્ટ-શંકર ભટ્ટની ફિલ્મ બૈજુ બાવરામાં એ ભારત ભૂષણ સાથે ચમકી ચૂકી હતી. આ બે ઉપરાંત નરગિસના ભાઇ અનવર હુસૈને પણ આ ફિલ્મમાં એક રોલ કર્યો હતો. અચલા સચદેવ અને જાનકીદાસ પણ સાથે હતાં.
      
એક અભિપ્રાય મુજબ આ ફિલ્મમાં ખય્યામ ઉપરાંત સંગીતકાર તિમિર બરને પણ થોડું કામ કરેલું. જો કે મોટા ભાગના સંદર્ભોમાં સંગીતકાર તરીકે ખય્યામનું નામ આપવામાં આવ્યું છે. આ ફિલ્મમાં ખય્યામે તલત મહેમૂદ અને પ્રેમલતાના કંઠે ગવડાવેલું એક ગીત બહુ ગાજ્યું. આ ગીતના રચનાકાર તરીકે મજરૃહ સુલતાનપુરી અને સરદાર જાફરી એમ બે નામ પ્રગટ થયાં હતાં. શબ્દો અને તર્જ બંને હૃદયસ્પર્શી બન્યાં છે. તલત મહેમૂદના ચાહકો કને આ ગીત અચૂક હોવાનું. 

'શામ-એ-ગમકી કસમ આજ ગમગીન હૈં હમ, આ ભી જા, આ ભી જા, આજ મેરે સનમ, દિલ પરેશાન હૈ, રાત વીરાન હૈ, દેખ જા કિસ તરહ આજ તન્હા હૈં હમ, શામ-એ-ગમ કી... ફિલ્મોમાં પીરસાયેલી ગઝલોના તમે ચાહક હો તો મદન મોહન અને રોશનને આપો એટલાજ માર્ક આ ગઝલ માટે  ખય્યામને આપવા પડે. ખુદ દિલીપ કુમારે પણ એક ઇન્ટરવ્યૂમાં આ ગઝલની તર્જના વખાણ કરેલા. પરંતુ જેમ દેવ આનંદે જયદેવને આપેલા વચનને ભુલાવી દીધું અને જાગતે રહોના સંગીતને કારણે સલિલ ચૌધરીથી પ્રભાવિત થવા છતાં રાજ કપૂરે ત્યારબાદ સલિલદાને પોતાની ફિલ્મ આપી નહીં એમ દિલીપ કુમાર ખય્યામની કારકિર્દીને વેગ આપવામાં નિમિત્ત બની શક્યો નહીં. ખય્યામને પણ કોઇની ખુશામત કરવાનું કે કોઇના મોહતાજ બનવાનું ગમે એવું નહોતું. એ દિવસોમાં તો દિલીપ કુમારની મોટા ભાગની ફિલ્મોમાં સંગીત નૌશાદ સાહેબનું રહેતું. 

આ ફિલ્મમાં ખય્યામે એક લોરી પણ આપેલી. આશા ભોંસલેના કંઠે ગવાયેલી એ લોરી સોજા મેરે પ્યારે સોજા, અંખિંયોં કે તારે સોજા..પણ સરસ બની હતી. ક્યારેક ફિલ્મોમાં પીરસાયેલાં હાલરડાં વિશે પણ લખવું છે. આ ફિલ્મ આવી ત્યારે લતાજીની પ્રાઇઝ હજુ આસમાની બની નહોતી. પરંતુ શક્ય છે કે લતાજી સાવ નવોદિત સંગીતકારો માટે ઓછું ગાતાં હશે. ફૂટપાથનાં મોટા ભાગનાં ગીતો આશાજીના કંઠમાં છે. પાછળથી એ જ આશા સાથે ખય્યામે આપણને ઉમરાવજાનનું સંગીત આપ્યું. (ક્રમશઃ)

Comments