... મોટાભાઇની પીટાઇ કરતાં મહેણાંએ વધુ હર્ટ કર્યા

સિનેમેજિક - અજિત પોપટ
16 ઓક્ટોબર, 2015, શુક્રવાર

લગભગ ૧૯૩૭-૩૮ની આસપાસ આ ઘટના બની હશે એવું મને આછુંપાતળું યાદ આવે છે, વાતનો તંતુ સાંધી લેતાં ખય્યામે કહ્યું, બીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગતા હતા. એક દિવસ હું મોટાભાઇને મળવા ગયો. આદાબ...કૈસે હો... વગેરે ફોર્મેલિટિઝ પૂરી થઇ ત્યારે મોટાભાઇએે પૂછ્યું કે શું કરે છે ? કેટલી પ્રગતિ થઇ ત્યારે ખય્યામે સરળતાથી કહી દીધું, ફિલ્મોમાં પ્રવેશ મેળવવાના પ્રયાસો ચાલુ છે... સાંભળીને મોટાભાઇ ગુસ્સે થયા કે આ છોકરો જિંદગી ખુવાર કરી રહ્યો છે. બે ધોલ ફટકારી દીધી. 

'જો કે મને એમની થપ્પડો કરતાં એમના શબ્દો વધુ વાગ્યા, ખય્યામે વાત આગળ વધારતાં ઉમેર્યું. મોટાભાઇએ કહ્યું કે તેં ખાનદાનનું નામ બગાડયું. સાવ નકામો છે તું...ખય્યામને લાગી આવ્યું. એજ અરસામાં બીજું વિશ્વયુદ્ધ શરૃ થયું એટલે ખય્યામ કંઇક કરી બતાવવા નછૂટકે લશ્કરમાં જોડાઇ ગયા...

કેવો યોગાનુયોગ છે ! ભારતીય લશ્કરે આપણને એક નહીં પૂરા ત્રણ ત્રણ મહાનુભાવો આપ્યા છે. સંગીતકાર મદન મોહન, સંગીતકાર ખય્યામ અને પાછળથી આવેલા ગીતકાર આનંદ બક્ષી. એમાં પહેલા બે પંજાબના અને આનંદ બક્ષી રાવલપીંડીના જેે હવે પાકિસ્તાનમાં છે. આ ત્રણમાંના બે હવે હયાત નથી. મદન મોહન બહુ વહેલા ૧૯૭૫ના જુલાઇમાં ચાલ્યા ગયા. આનંદ બક્ષી ૨૦૦૨માં ગયા.  

ખય્યામ હજુ આપણી વચ્ચે છે. સંસ્મરણો મમળાવે છે. ખૂબ થોડું પણ સત્ત્વશીલ કામ કર્યું. લગભગ ૧૯૪૫ સુધી ખય્યામ લશ્કરમાં રહ્યા. પરંતુ મનમાં હજુ ફિલ્મ લાઇનનો કીડો સળવળતો હતો. એ દિવસોમાં ગમે ત્યારે ગમે ત્યાં જઇ શકાતું. એક દિવસ લાહોર બાબા ચિશ્તીને મળવા ગયા. પોતાના મ્યુઝિક રૃમમાં બેસીને ચિશ્તી બાબા સાજિંદા જોડે એક સૂરાવલિ સર્જી રહ્યા હતા. જુઓ કુદરત કેવા ખેલ કરે છે ! 

બે અંતરા વચ્ચે એેક ઇન્ટરલ્યૂડ તૈયાર કરેલું પણ એનું નોટેશન લખવાનું રહી ગયું હશે. ચિશ્તી બાબા સહાયક પર નારાજ થયા. ક્યા કર રહે હો...વક્ત બરબાદ હો રહા હૈ...અચાનક ખય્યામે કહ્યું, અગર આપ ઇજાજત દે તો મૈં સુનાઉં ? ચિશ્તી બાબાએ પ્રશ્ન સૂચક નજરે ખય્યામ સામે જોયું. આ ફૌજી જવાન પોતાને શું સમજે છે એવું કંઇક એમના મનમાં હશે. પરંતુ ખય્યામે તો પેલો પીસ નોટ ટુ નોટ સંભળાવ્યો. 

સાજિંદા આફરીન પોકારી ગયા. બાબા ચિશ્તીએ શાબાશી  આપી. ત્યારે ખય્યામે ડરતાં ડરતાં પૂછ્યું, મને તમારી સાથે આસિસ્ટન્ટ તરીકે રાખશો ? ચિશ્તીએ કહ્યું મારી પાસે ઓલરેડી બે આસિસ્ટન્ટ છે. ત્રીજો પરવડે એટલું મહેનતાણું અમને મળતું નથી. ઓનરરી (મફ્ફત) કામ કરવું હોય તો આવી જા...ખય્યામ તરત કેમ્પ પર ગયા. ઉપરી અધિકારીને સવિનય વિનંતી કરીને લશ્કરમાંથી છૂટા થયા. પોતાની પાસે થોડીક બચત હતી. 

આડાતેડા કોઇ ખોટાં વ્યસનો નહોતાં એટલે એ બચત અકબંધ હતી. એ દિવસોમાં ચિશ્તી બાબા કોઇ ફિલ્મનું સંગીત તૈયાર કરી રહ્યા હતા. ખય્યામ રોજ સવારે સૌથી પહેલાં સ્ટુડિયો પર પહોંચી જાય. એ હકીકત સ્ટુડિયો માલિકના ધ્યાનમાં આવી ગયેલી. પગારના દિવસે સંગીતકારને પૂછ્યું, પેલો રોજ સવારે સૌથી પહેલો આવે છે એ છોકરાનું નામ કેમ પગાર પત્રક પર નથી ? ચિશ્તી બાબાએ કહ્યું, એ એની મરજીથી કામ શીખવા આવ્યો છે. આપ સ્ટુડિયો માલિક છો. આપ ઇચ્છો તો આપી શકો છો. પહેલે ધડાકે સવાસો રૃપિયા પગાર નક્કી થયો. '...ઔર મેરી ગાડી ચલ પડી...' ખય્યામ કહે છે.

પરંતુ હજુ સ્થિર થાય એ પહેલાં દેશના ભાગલા અને કત્લેઆમ શરૃ થઇ. ફિલ્મસૃષ્ટિના કેટલાક લોકો પાકિસ્તાન ચાલ્યા ગયા, કેટલાક લોકો અહીં આવ્યા. અહીં આવનારામાં રામાનંદ સાગર અને બી આર ચોપરા પાછળથી બહુ મોટાં નામ થયાં. શરૃમાં ખય્યામ ટોચના સંગીતકારો સાથે ખપ પૂરતું કામ કરી લેતા. સ્વતંત્ર તક મલે તો કંઇક કરી દેખાડે...એ તક થોડી મોડી મળી. શરૃમાં બીજા નામે કામ કર્યું. 

૧૯૪૭માં જોહરાબાઇ અંબાલેવાલી સાથે ફિલ્મ રુસ્તમ સોહરાબમાં ગાયું પણ ખરું, દોનોં જહાં તેરી મુહબ્બત મેં હાર કે... શર્માજી જેવા નામે બે-ચાર ફિલ્મોમાં સંગીત પણ પીરસ્યું. પરંતુ હજુ જોઇએ એવો યશ મળતો નહોતો. 'પરંતુ મેરા હૌસલા બુલંદ થા. 

ફૌજ મેં જો ડેડિકેશન ઔર ડિસિપ્લીન મિલા થા વો યહાં કામ આ રહા થા...' ખય્યામ કહે છે. શરૃમાં તો ભારત પાકિસ્તાન બંને દેશમાં અને ખાસ તો મુંબઇમાં લોહિયાળ હુલ્લડો ચાલુ હતાં એટલે ઓળખ છૂપાવીને કામ કરતા રહ્યા. હીર રાંઝા, પરદા, બીવી, પ્યાર કી બાતેં વગેરે ફિલ્મો કરી. કેવી કશ્મકશ હશે. મૂળ નામ મુહમ્મદ ઝહુર હાશમી. ખય્યામ તખલ્લુસ હોંશથી અપનાવેલું. સંગીત પીરસ્યું શર્માજીના નામથી. ગજબની ધીરજ કેળવી રાખી હતી... (ક્રમશઃ)

Comments