ટેલેન્ટ પ્લસ તાલીમ પ્લસ પુરુષાર્થ છતાં કારકિર્દી સખળડખળ

સિનેમેજિક - અજિત પોપટ
2 ઓક્ટોબર, 2015, શુક્રવાર

છેલ્લા કેટલાંક સપ્તાહોથી આપણે એવા ફિલ્મ સંગીતકારોની વાતો મમળાવીએ છીએ જેમની પાસે કશાની કમી નહોતી. જન્મજાત પ્રતિભા હતી, કેટલાકને તો ધુરંધરોની તાલીમનો લાભ મળ્યો હતો, આ દરેકે જબ્બર પુરુષાર્થ કરેલો, તેમનું સર્જન હિટ પણ નીવડયું હતું, તેમના ભારોભાર વખાણ પણ થયા હતા....આટઆટલું હતું છતાં કંઇક ખૂટતું હતું. એમને ટોચના બેનર્સની ફિલ્મો ન મળી.

ટોપ ગ્રેડના સંગીતકારોમાં એમની ગણતરી ન થઇ, ચાર પાંચ પેઢી આરામથી ખાય એટલી સંપત્તિ ન મેળવી શક્યા, ક્ષણિક પ્રસિદ્ધિ મળ્યા બાદ ફરી ભૂલાતા રહ્યા, બોલિવૂડના આલા દરજ્જાના સમારોહોમાં એમને કોઇએ આગલી હરોળમાં બેસવા વીનવ્યા નહીં...અને છતાં આ માણસો પોતાની આગવી રીતે જીવ્યા, મળ્યું એટલું કામ કર્યું, સામેથી કોઇ પાસે કામ માગવા કે ટોચના ફિલ્મ સર્જકોના દરબારમાં મુજરા કરવા ન ગયા. પોતાનું કે પોતાના કામનું માર્કેટિંગ કરતાં આવડે નહીં. કોઇ કેમ્પમાં ઘુસણખોરી કરેલી નહીં.

બાકી કેવા કેવા દાદુ બેનર્સ હતા એ સમયે ! એ આર કારદાર, વિજય ભટ્ટ, કે આસિફ, બી આર ચોપરા, રમેશ સહગલ, આર કે ફિલ્મ્સ, રણજિત સ્ટુડિયો, નવકેતન...    હજુ હમણાં જ આપણે હંસરાજ બહલને યાદ કરતા હતા. આશા ભોંસલેને પહેલી તક  આ  સગીત આપી હતી. પરંતુ આશાજીનાં ગીતોની વાત નીકળે એટલે ફક્ત ઓ.પી.નય્યર કે બર્મન પિતા-પુત્રની વાત થાય. હંસરાજ બહલ ? કોણ હંસરાજ બહલ ?

એવાજ એક અલગારી સંગીતકારની વાત શરૃ કરવી છે. આ માણસે પણ દિલીપ કુમાર માટે સંગીત પીરસ્યું, રાજ કપૂર એની તર્જો સાંભળીને મુગ્ધ થયા, અરે અમિતાભ બચ્ચન જેવાની ફિલ્મમાં પણ સંગીત પીરસ્યું. સંગીત એટલે કેવું ? કોઇ ગોલમાલ કે લૉબિંગ વગર ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો. બાકી એક સમયે આ ફિલ્મ ફેર એવોર્ડ માટે નિર્માતા-નિર્દેશકો, અદાકારો, ગીતકારો, સંગીતકારો અને સંકલનકારો (એડિટર્સ) રીતસર સેંકડો નકલો પોતાના પૈસે ખરીદાવીને સ્પર્ધાનાં ફોર્મ્સ ભરવા પોતાના ચમચા લોગને બેસાડી દેતા.

પરંતુ જે સંગીતકારની વાત હવે કરવી છે એ સ્વભાવે અતડો લાગે એટલી હદે મોજિલો આદમી. બાકી આ સંગીતકારને યુગસર્જક ગવૈયા ઉસ્તાદ અમીર ખાનના પટ્ટશિષ્ય અને દિલ્હી આકાશવાણીના સર્વેસર્વા કહેવાય એવા પંડિત અમરનાથ જેવાની તાલીમ મેળવવાનો વિરલ લહાવો મળેલો. 'બાબા' ના હુલામણા નામે જાણીતા એવા ગુલામ અહમદ ચિશ્તીની તાલીમ પણ મળેલી.

આ એ જ ગુલામ અહમદ ચિશ્તી જેમણે નૂરજહાં જેવી ગાયિકા-અભિનેત્રી ફિલ્મ સૃષ્ટિને આપી હતી.  કામ કરતી વખતે પૈસા ચૂકવનારને પૂરેપૂરું વળતર મળી રહે એટલી હદે આ સંગીતકારની કામ પ્રત્યેની લગન. અને છતાં ચાલીસ પિસ્તાલીસ વરસની કારકિર્દીમાં પૂરી એકસો ફિલ્મો પણ મળી નહીં કે પછી સ્વેચ્છાએ કરી નહીં.

સર્જક તરીકે એવા દાદુ કે ૧૯૬૦ના દાયકાની આખરમાં ભગવાન કૃષ્ણ વિશેનાં ગીતોની એલપી (લોંગ પ્લે રેકોર્ડ)નું સંગીત એવું મધુર બનાવેલું કે ભારતમાં તો ઠીક, પાકિસ્તાનમાં પણ એ એલપી ગરમાગરમ દાલવડાંની જેમ વેચાઇ હતી. પાકિસ્તાનમાં ઇસ્લામી માહોલ અને જિહાદની વાતો તો જનરલ ઝિયાના શાસન પછી આવી. મજેદાર વાત તો એ કે આ ભાઇને પહેલાં તો હીરો થવાની અબળખા હતી. એ માટે ઘરેથી નાસી પણ ગયેલા.

પરંતુ હીરો થવાનું નસીબમાં નહીં હોય એટલે વાત જામી નહીં. અલબત્ત, હીરો થવા જેવી ચોકલેટી પર્સનાલિટી પણ ન કહી શકાય. હંસરાજ બહલ કે ચિત્રગુપ્તની જેમ બી યા સી ગ્રેડની ફિલ્મો બહુ ઓછી કરી. પરંતુ કોક પરિબળ એવું નીકળ્યું જેણે આ ભાઇને સદા ટોચ પર પહોંચતા રોક્યા. સીડી પર અધવચ અટવાઇ ગયા. છતાં એમના ચહેરા પરનું હાસ્ય કદી વીલાયું નહીં. સંજોગો જેવા સર્જાયા એવા સ્વીકારી લઇને મલકતા રહ્યા. મળ્યું ત્યાં સુધી કામ કરતા રહ્યા. ન કોઇ દાદ-ફરિયાદ, ન કોઇ ગિલા-શિકવા.

આજે આવરદાના નવમા દાયકામાં છે. નવી ફિલ્મો અને નવા સંગીતને સાક્ષીભાવે નીરખ્યા કરે છે. કોઇ વિવાદમાં પડતા નથી. ટીવી પરના રિયાલિટી શોમાં જજ થવાનીય તક મળતી નથી. એ તરફ ધ્યાન ખેંચો તો કહેશે, પબ્લિક વોટ કે નામ પે મૌશિકારોં કે કિયે કરાયે પર પાની ફિરા દેતેં હૈં...ઉસસે તો બહેતર હૈં, હમ ઐસી ઝંઝટોં સે દૂર રહેં...હમ સે જો કુછ હુઆ સો પૂરી ઇમાનદારી સે કિયા, જિતના કિસ્મત મેં લીખા થા ઉતના પા લિયા. ઉસ કે લિયે ભગવાન કા શુક્રિયા...વાત પૂરી. તો મળીએ છીએ આવતા શુક્રવારથી આ અનેરા સ્વરનિયોજકને...તબ તક કે લિયે આજ્ઞા દીજિયે...

Comments