નિર્ભેળ સત્ય કઠોર અને કડવું કેમ લાગતું હોય છે, વારુ ?

 


પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાં ડાહ્યાજનોને એક શીખ આપવામાં આવી છે- સત્યં બ્રૂયાત્ પ્રિયં બ્રૂયાત્, સત્યં અપ્રિયં મા  બ્રૂયાત્... સાચું બોલો, પ્રિય લાગે એવું બોલો, અપ્રિય લાગે એવું સત્ય ન બોલો ! આ શ્લોક પંક્તિ આજે કેટલી હદે સુસંગત છે એ વિચારવાનું છે. એ વિશે વધુ વિગતે વાત કરવા અગાઉ એક સ-રસ બોધકથા યાદ કરીએ. ચોરી કરવા નીકળેલો એક ચોર કોઇ સંતની સભા પાસેથી પસાર થતો હતો. કુતૂહલવશ થોડીવાર ઊભો. સંતે અન્ય લોકોની સાથે એને પણ એક સંકલ્પ કરવાની સલાહ આપી. ચોરી તો છોડી શકાય નહીં. એ એની રોજીરોટી હતી. બીજો કયો સંકલ્પ કરવો. એણે સંતને કહ્યું, હવેથી હું સાચું બોલીશ.

એ રાત્રે એણે રાજમહેલમાં ચોરી કરી. તિજોરીમાં પાંચ અમૂલ્ય હીરા હતા. ચોરે માત્ર ત્રણ લીધા. સોંઘવારીનો જમાનો હતો. ત્રણ હીરામાં એનું આખું જીવન આરામથી વ્યતીત થઇ શકે. સવારે હો હા થઇ ગઇ. રાજમહેલમાંથી પાંચ મહામૂલા હીરા ચોરાયા. પેલા ચોરે પણ સાંભળ્યું. એને નવાઇ લાગી કે મેં તો ત્રણ જ હીરા લીધા છે. આ લોકો પાંચની જાહેરાત કેમ કરે છે ? વધુ જાણવા એ દરબારમાં ગયો. રાજાએ કહ્યું કે આ ચોરીની માહિતી આપનારને હું ઇનામ આપીશ. ચોરથી રહેવાયું નહીં. એ ઊભો થયો. પોતાનો અપરાધ કબૂલ કરતાં કહ્યું કે મેં માત્ર ત્રણ હીરા લીધા છે, આ રહ્યા. તો બાકીના બે હીરા કોણે લીધા ? ચોરે સૂચવ્યું કે સવારે સૌથી પહેલાં તિજોરી કોણે ખોલેલી ? એની પૂછપરછ કરો. દિવાનના મોતિયા મરી ગયા. એણે નછૂટકે પોતાનો અપરાધ કબૂલ કર્યો. 

વાત સત્યની છે. સત્ય અને પ્રિય એ બંને ક્યારેય સાથે જાય નહીં. સત્ય સદાય કડવું હોય છે એટલેજ અન્ય એક શ્લોકમાં કહ્યું કે હિરણ્યમયેન પાત્રેણ સત્યસ્ય મુખવિહિતમ્ એટલે કે સોનાના પાત્ર વડે સત્યનું મોઢું ઢંકાઇ ગયું છે. 

આજકાલ ફિલ્મ ધુરંધર ભાગ બીજાની ખૂબ ચર્ચા ચાલી રહી છે. મૂળ કશ્મીરના એવા આદિત્ય ધરે ધુરંધરના બંને ભાગમાં દેશમાં બનેલી કેટલીક સત્યઘટનાને ફિલ્મમાં રૂપાંતર કરી છે. આ નિર્ભેળ સત્ય છે એટલે ઘણાને આકરું લાગ્યું છે. આઝાદી પછી દેશમાં સૌથી વધુ લાંબો સમય રાજ કરનારા રાજકીય પક્ષ અને એના સાથી પક્ષોને આ સત્ય કડું કરિયાતું જેવું કડવું લાગ્યું છે. અત્યાર સુધી જે બાબતો કોમન મેનથી આયોજનપૂર્વક છૂપાવી રાખવામાં આવેલી એ બધી વાતો ધુરંધરમાં રજૂ થઇ જવાથી જે તે નેતા અને પક્ષને આકરું લાગે એ સમજી શકાય એવી વાત છે. અંધારી આલમ અને પોલિટિશ્યનોની સાંઠગાંઠ, ભ્રષ્ટાચાર, સત્તા કાજે ખેલાતા ગંધારા કાવાદાવા અને એવી બીજી વાતો કદાચ પહેલીવાર આટલી ખુલ્લંખુલ્લા રૂપેરી પરદા પર રજૂ થઇ છે. પોતાને સેક્યુલર ગણાવતા પક્ષો, નેતાઓ, મિડિયામેન, લઘુમતી આગેવાનો તથા અપરાધીઓને આદિત્ય ધરે પોતાની રીતે ખુલ્લા પાડ્યા છે એ જોઇને સંબંધિત લોકોને બેસવાની જગ્યાએ મરચું લાગ્યું છે. આ સત્ય પ્રિય નથી, અપ્રિય છે એટલે એને પ્રોપેગેન્ડા તરીકે ખપાવી દેવાના ભરચક પ્રયાસો થઇ રહ્યા છે, હજુય થતા રહેશે. 


આ માત્ર ધુરંધરની વાત નથી. કશ્મીર ફાઇલ્સ, કેરળ ફાઇલ્સ, બંગાળ ફાઇલ્સ... વગેરે ફિલ્મોએ પણ સેક્યુલરનું મહોરું પહેરીને પરતી લૉબીને ખુલ્લી પાડી છે એટલે એ બધા ગિન્નાયા છે. એમાંય અત્યારે એક કરતાં વધુ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી હોવાથી આવું નિર્ભેળ સત્ય જે તે પક્ષન મતદારો સમક્ષ કયા મોઢે જાય એ લાખ રૂપિયાનો સવાલ છે. હકીકત એ છે કે હવે આવા લોકોને કોમન મેન ઓળખી ગયો છે. ડોશી મરે એનો ભો નથી, જમડા ઘર ભાળી જાય એનો ભો છે. ખોટું કરનારા પક્ષો અને નેતાઓને ડર એ વાતનો છે. હવે નાગરિકોને બુદ્ધુ બનાવી શકાય એમ નથી. સમય પલટાયો છે. એટલે સત્ય ઝેર જેવું લાગ્યું છે. હજુ તો ધુરંધર થ્રી આવવાની વાત છે. શું કરશે આ દંભી સેક્યુલર લૉબી ?


Comments