ભૂગર્ભમાં બિરાજતાં માતાજી





સૉરી, ફોટો બરાબર મૂકાયો નથી.
--------------------------------

દાદુ પરિવારના સર્વે સભ્યોને મારા પ્રણામ. તાજેતરમાં થયેલા એક અલૌકિક અનુભવની વાત તમારી સાથે વહેંચવી છે. તમે પૂજ્ય દાદુનાં બધાં પુસ્તકો વાંચ્યાં હોય તો તમને એક દિવ્ય ઘટના યાદ હશે. મૂળ કોલંબો (શ્રીલંકા)ના એક વરિષ્ઠ પોલીસ અધિકારી જેમણે પાછળથી એક સિદ્ધ પુરુષ પાસે દીક્ષા લઇને સંન્યાસ સ્વીકાર્યો હતો. નારાયણ સ્વામી નામ ધારણ કરીને ભાવનગરમાં સૂકી માછલીના એક પારસીના કારખાના કે ગોદામ પાસે માતાજીનું મંદિર બનાવ્યું હતું. એ માતાજીની ખાસ પ્રાણપ્રતિષ્ઠા કરીને એમની ઝાંખી કે મૂર્તિમાં પ્રાણ સીંચ્યા હતા. પૂજ્ય દાદુ અવારનવાર ત્યાં દર્શન કરવા અને નારાયણ સ્વામી સાથે અધ્યાત્મની વાતો કરવા જતા. દાદુ કહેતા એ માતાજી જીવંત હતાં. 

કાળક્રમે નારાયણ સ્વામીએ દેહત્યાગ કર્યો એની જાણ થતાં દાદુ મંદિરે પહોંચ્યા.  દાદુ મંદિરના ભોંયરામાં રહેલી માતાજીના દર્શને ગયા ત્યારે એ મૂર્તિનો ચહેરો વીલો પડી ગયો હતો અને દાદુને એની આંખો સહેજ ભીની થયેલી લાગી હતી. નારાયણ સ્વામીની વિદાયથી જાણે માતાજી વ્યથિત થયાં હતાં. 

તાજેતરના ભૂતકાળમાં હું પાંચ છ વખત ભાવનગર ગયો હતો. ભાવનગર મારું સાસરું છે. મેં આ મંદિર શોધવાના ઘણા પ્રયાસો કરેલા પરંતુ સફળતા મળી નહોતી. હવે મને થયેલા અલૌકિક અનુભવની વાત. એક મિત્ર સાથે ગયા પખવાડિયે ઉદયપુરથી કુંભલગઢ થઇને કલાક- દોઢ કલાક માટે રાણકપુર જવાની તક મળેલી. રાણકપુરમાં એક ભવ્ય જૈન તીર્થ છે. માર્ચ મહિનો હતો અને પ્રવાસ- પર્યટનના દિવસોનો અંતિમ તબક્કો હતો એટલે રાણકપુર જૈન તીર્થમાં વિદેશી પર્યટકોના ધાડે ધાડાં ઊમટી પડ્યા હતાં. અમે અર્ધો પોણો કલાક જૈન તીર્થમાં ગાળીને બહાર નીકળ્યા ત્યારે કોણ જાણે શી રીતે મને પ્રેરણા થઇ. મેં એક સ્થાનિક રહેવાસીને પૂછ્યું  કે અહીં રાણકદેવીની સમાધિ કે એવું કંઇ છે ? 


એણે માથું ખંજવાળ્યું અને ધીમેથી કહ્યું કે એવું તો કંઇ નથી પણ શક્તિદેવી (ચામુંડા માતાજી)નું એક મંદિર છે. અમે ટેક્સી ડ્રાઇવરને એ તરફ લેવાની વિનંતિ કરી. એણે કચવાતા મને એ તરફ હાંકી. એકાદ કિલોમીટર દૂર અમે પહોંચ્યા. જમણી તરફ પંચમુખી હનુમાનનું મંદિર હતું તો ડાબી બાજુ માતાજીનું મંદિર હતું. બપોરનો એક વાગ્યો હતો. ધોમ તડકો હતો એટલે આખોય વિસ્તાર સૂમસામ હતો. પાણીની એક જાહેર પરબ પર ભગવું પહેરણ અને ટૂંકું ધોતિયું પહેરેલા એક વયોવૃદ્ધ સંન્યાસી પૂજાનાં વાસણો માંજી રહ્યા હતા. કોઇ પૂર્વ પરિચય વિના અમને કહે કે માકે પાસ જાઓ તો અન્ડરગ્રાઉન્ડ ભી જાના. વહાં ભી મા બૈઠી હૈ... અમે પંચમુખી હનુમાનનાં દર્શન કરીને બહાર આવ્યા તો એ સાધુ ક્યાંય નજરે પડ્યા નહીં.

અમે માતાજીના મંદિરે ગયા. સફેદ આરસનું મંદિર અને સ્મિત કરતી માતાજીની પ્રતિમા. તમે પ્રદક્ષિણા કરવા બહાર નીકળો ત્યાં ડાબી તરફ અને પ્રદક્ષિણા પૂરી થાય ત્યાં જમણી બાજુ સ્ટેનલેસ સ્ટીલની જાળીવાળું એક દ્વાર. માત્ર ત્રણ સાડા ત્રણ ફૂટની ઊંચાઇવાળું દ્વાર એટલે વાંકા વળીને અંદર જવું પડે. આરસના દસ બાર પગથિયાં ઊતરીને અમે ભોંયરામાં ગયા.  ત્યાં દિવ્ય પ્રકાશમાન માતાજી બિરાજમાન હતા. ફોટોગ્રાફી કે વિડિયોગ્રાફીની પરવાનગી નહોતી એટલે માત્ર દૂરથી એ મંદિરનો ફોટો લઇ શકાયો છે. આ ભૂગર્ભમય માતાજીના દર્શન કરતી વેળા મને પૂજ્ય દાદુએ વર્ણવેલા ભાવનગરના માતાજી યાદ આવી ગયા. થોડીક સેકંડ અમે ભૂગર્ભમાં રહ્યા. એર કંડિશન્ડ હોય એવી સરસ ટાઢક હતી. બહાર નીકળ્યા ત્યાં ફરી માથાફાડ ત઼ડકો. એમ થાય કે ફરી ભૂગર્ભની ટાઢકમાં મા પાસે પહોંચી જઇએ. આ અનુભવ સદા યાદ રહેશે.

---------------------------------
પાદટીપ-  હું ગ્રાફિક ડિઝાઇનર નહીં હોવાથી ફોટોગ્રાફ્સ મૂકવામાં થોડી ગડબડ થઇ છે. ચલાવી લઇને  આભારી કરશોજી.










Comments