સાઉથ ઇન્ડિયન ડીશ હોય યા પંજાબી વાનગી હોય, ચાઇનીસ પ્લેટ હોય કે પછી ઇન્ટરકોન્ટિનેન્ટલ વ્યંજન હોય, તમારી માનીતી કોઇ હૉટલ જરૂર હોવાની. એવી કોઇ હૉટલમાં તમે ક્યારેય પૂછપરછ કરી છે કે આ વાનગીઓ બનાવનાર બાવર્ચી મહિલા છે કે પુરુષ ? મોટે ભાગે પુરુષ રસોઇયો હશે. આપણી માતા-બહેનો પણ અમુક તમુક હૉટલની વાનગીઓ હોંશે હોંશે માણશે અને વખાણશે. એ વાનગીઓ પુરુષે બનાવેલી હશે.
પુરુષે રસોઇ કરવી જોઇએ ખરી ? પુરુષે ઘરકામમાં મદદ કરવી જોઇએ કે ? અત્યારે ઇરાન-અમેરિકા-ઇઝરાયેલ યુદ્ધના કારણે એલપીજી અને પીએનજીની તકલીફ છે ત્યાં તમે આ શી રામાયણ માંડી એવો વિચાર આવે એ પહેલાં આગળ વાંચજો. ગયા સપ્તાહે છેક સુપ્રીમ કોર્ટ સુધી એક પરિવારનો કેસ પહોંચ્યો હતો. જસ્ટિસ સંદીપ મહેતા અને જસ્ટિસ વિક્રમનાથે ચુકાદામાં કહ્યું કે પુરુષે ઘરકામમાં મદદ કરવી જ જોઇએ. પત્ની એ કોઇ નોકરડી નથી, અર્ધાંગિની છે. એ ક્રૂરતા નથી. અહીં એક ઔર રસપ્રદ કિસ્સો નોંધું છું. એક નિવૃત્ત જજ સાહેબે આ કિસ્સો કહ્યો હતો. મોટે ભાગે યૂરોપના કોઇ દેશનો છે. જગવિખ્યાત ફોક્સવેગન કાર કંપનીમાં ઓટોમોબાઇલ એંજિનિયર તરીકે કામ કરતા એક પુરુષ વિરુદ્ધ એની પત્નીએ કોર્ટમાં ધા નાખી હતી. પેલો બહુ અભિમાની. કોર્ટમાં કહે કે હું પાંચ આંકડામાં પગાર લાવું છું. મારી પત્ની મારી પાસે ઘરકામમાં સહાય માગી શી રીતે શકે ? જજ થોડા રમૂજી હતા અને થોડા કડક પણ ખરા. એમણે કહ્યું કે તમે મબલખ પગાર લાવો છો, એ તો બહુ સરસ. પરંતુ જેન્ટલમેન, તમે જાણો છો, કૂતરા, વાનરો, ઘોડા કે ગધેડા જેવા તાલીમબદ્ધ જાનવરો પણ સર્કસમાં કામ કરીને ધૂમ કમાણી કરે છે. તો તમારી અને જાનવરની વચ્ચે કશો ફરક ખરો કે ? કાયદો તો તમે પણ જાણો છો. પત્નીને ઘરકામમાં સહાય નહીં કરો તો જેલમાં કોઇ કામ કરવું પડશે માટે ડાહ્યાડમરા થઇને ઘરકામમાં મદદ કરો...
અહીં એક વાત યાદ રાખવા જેવી છે. વિદેશમાં ભણવા જતાં આપણા યુવકો ત્યાંના ખર્ચને પહોંચી વળવા અને ખીસ્સાખર્ચી મેળવવા માંસાહારી હૉટલોમાં લોકોનાં એંઠાં વાસણ સાફ કરતા હોય છે. કોઇ યુવક ટેક્સી ચલાવે છે તો કોઇ પબ્લિક ટ્રાન્સપોર્ટની બસમાં કન્ડક્ટર તરીકે કામ કરે છે. પણ જેવા સ્વદેશ પાછાં ફરે કે તરત એમની માનસિકતા બદલાઇ જાય છે. પાણીનો ગ્લાસ પણ જાતે ભરે નહીં, માતા, બહેન કે ભાભીને હુકમ કરે, પાણી આપો. કેમ ભાઇ, વિદેશમાં તું ગંધાતાં વાસણો સાફ કરતો હતો એ ભૂલી ગયો કે... ઘરકામ કરવામાં શરમ શાની ? મોટાભાગના કુટુંબોમાં મહિલાઓ વહેલી સવારે ઊઠીને કામે લાગી જાય છે તે છેક રાત્રે થાકીપાકીને સુવા પામે છે. ગૃહિણીઓ કદી ફરિયાદ કરતી નથી. એ તો પુરુષ પ્રધાન સમાજમાં આપણાં પ્રાચીન ગ્રંથોમાં લખી નાખ્યું, ભોજ્યેષુ માતા, શયનેષુ રંભા, કાર્યેષુ મંત્રી... આજે સમય બદલાઇ ચૂક્યો છે.
હવે તો મહિલાઓ રણમોરચે લડવા સુદ્ધાં જાય છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ અને ત્રીસ પાંત્રીસ કમ્પાર્ટમેન્ટ જોડેલી ગૂડ્ઝ ટ્રેન સુદ્ધાં ચલાવે છે. તો પુરુષને ઘરકામમાં મદદ કરવામાં સંકોચ શા માટે હોવો જોઇએ ? આવા મુદ્દે કોર્ટમાં જવું પડે એ તો આપણી સંસ્કૃતિને લજાવવા જેવી વાત છે. રામાયણ-મહાભારત જેવાં મહાકાવ્યોમાં પણ પુરુષ ઉત્તમ પાકવિદ્ (રસોઇયા) હતા એવા ઉલ્લેખો મળે છે. રામાયણમાં ચૌદ વરસના વનવાસ દરમિયાન ભગવાન રામ પોતે વનમાંથી સારાં સારાં ફળો શોધી-વીણી લાવીને સીતાજી અને લક્ષ્મણને ખવડાવતા. મહાભારતના વિરાટ પર્વમાં ભીમ બલ્લવ નામ ધારણ કરીને વિરાટ રાજાના રસોઇયા તરીકે કામ કરતો એવો ઉલ્લેખ છે. ઘરકામમાં મદદ ન કરે એને પતિ કે પુરુષ શી રીતે કહેવો એ વિચારવા જેવું છે. ક્યારે પત્ની હાજર ન હોય કે બીમાર હોય ત્યારે પરવશ થઇ જવા કરતાં થોડાંક ઘરકામમાં કુશળ થઇ જવામાં મજા છે, મિત્રો ! .


Comments
Post a Comment